એકલૉગ્ઝ (Eclogues) (ઈ. પૂ. 42થી 37) : રોમન કવિ વર્જિલ(ઈ. પૂ. 70થી 19)નો પ્રથમ કાવ્યસંગ્રહ. સમકાલીન રોમન કવિજનોમાં અને કાવ્યરસિક પ્રજાજનોમાં વર્જિલની અદ્વિતીય કવિ તરીકેની પ્રતિષ્ઠા એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકલૉગ્ઝ’ની પ્રસિદ્ધિ સાથે જ સ્થિરત્વ પામી. થિયોક્રિટસની નિસર્ગકવિતા એકલૉગને સામે રાખીને વર્જિલે દસ એકલૉગ્ઝ ઈ. પૂ. 37માં પ્રકાશિત કર્યાં, પણ ગોપકાવ્યની પારંપરિક સામગ્રી યથાતથ ન સ્વીકારતાં તેમણે સમસામયિક ધર્મગત, સમાજગત, રાજ્યગત પ્રશ્નોને રૂપકના સ્તરે એકલૉગ્ઝમાં નિરૂપીને એકલૉગ્ઝના સ્વરૂપને અભિનવ દિશામાં પ્રયોજ્યું. દસે રચના હેગ્ઝામીટર છંદમાં છે. શબ્દવિન્યાસ, પદલાલિત્ય અને લયગત સૌંદર્યને કારણે આ રચનાઓનું પઠન રોમાંચક નીવડતું. સ્વાનુભવરસિક કવિતાના ઉત્તમાંશો અહીં છે. કૃષિજીવનના અંગત અનુભવોનું અહીં નિસર્ગવર્ણનોની પડછે આલેખન થયું છે. સીઝર અને ઑગસ્ટસ પરનાં એકલૉગ્ઝમાં બંનેનું અભિવાદન દેવત્વના ધારકો તરીકે થયું છે. સર્વગ્રાસી કાળની સામે મનુષ્ય કેવો વિવશ છે તેનું વિષાદમય આલેખન નવમા એકલૉગમાં થયું છે. અનેક સંદર્ભોથી સમૃદ્ધ આ દસ એકલૉગ્ઝમાં ચોથા એકલૉગનું અનન્ય મહત્વ છે. અહીં ક્રાઇસ્ટના આગમનનું અને ખ્રિસ્તી ધર્મના પ્રસારનું ઇંગિત છે. સન્માનિત કવિ વર્જિલ આ ચોથા એકલૉગના કારણે સંતના પદને પણ પામેલ છે.
નલિન રાવળ