એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે.

એકલિંગજી મહાદેવનું મંદિર
બે પહાડીઓના અંતરાલમાં આવેલું આ સ્થાન એક યાત્રાધામ બની રહ્યું છે. ભગવાન એકલિંગજી મેવાડના ગુહિલ સિસોદિયા રાજવીઓના તેમ જ મેવાડા બ્રાહ્મણોના ઇષ્ટદેવ છે, એટલું જ નહિ, તેમને મેવાડપ્રદેશના માલિક જ માનવામાં આવતા હતા અને એમના દીવાન તરીકે સિસોદિયા રાણાઓ મેવાડનો વહીવટ કરતા હતા. જેસલમેરના ગડીસર તળાવને કાંઠે એક દેરામાં અપૂજ દશામાં ચારમુખ ધરાવતું લિંગ હતું, જે અન્યત્ર જોવા મળતું નથી. અનુશ્રુતિ પ્રમાણે એકલિંગજીનું શિવાલય મેવાડના ગુહિલવંશના સંસ્થાપક બાપા રાવળને હાથે અસ્તિત્વમાં આવ્યું હતું. મુસ્લિમ આક્રમણને કારણે શિવાલયને ઘણું નુકસાન પહોંચતાં લાખા રાણાના પુત્ર રાણા મોકલસિંહજીએ અત્યારનું શિવાલય બંધાવ્યું હતું. સ્થાપત્ય મોકલસિંહજીના સમયથી વધુ જૂનું જણાતું નથી. આ ચતુર્મુખ મહાદેવની પ્રતિષ્ઠા સત્તરમી સદીના સમકાલીન મહારાણા રાયમલે કરી. એને લગતો 100 શ્લોકોનો સંસ્કૃત શિલાલેખ મંદિરની દીવાલે છે. દર સોમવારે સાંજની આરતી સમયે મહારાણાઓએ પૂજા કરવાનો શિરસ્તો અદ્યાપિ પર્યંત ચાલુ છે.
કે. કા. શાસ્ત્રી