એકર્ટ, જોહન પ્રેસ્પર

January, 2004

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ કર્યું. આમાં યાંત્રિક ઘટકોને સ્થાને ઇલેક્ટ્રૉનિક ઘટકો ગોઠવીને પરિકલન(computation)ની ઝડપમાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો. આ યંત્ર ઔદ્યોગિક રીતે સફળ પુરવાર થયું ત્યારે બંનેએ સાથે મળીને કમ્પ્યૂટર બનાવવાનો ઉદ્યોગ સ્થાપ્યો. 1950માં તેમની આ કંપની રેમિંગ્ટન રૅન્ડ કૉર્પોરેશન સાથે ભેળવી દેવામાં આવી, જે 1955માં સ્પેરિ રૅન્ડ કૉર્પોરેશનમાં ભેળવી દેવાઈ. તેમણે 1948માં યુનિવર્સલ ઑટોમેટિક કમ્પ્યૂટર (UNIVAC) ઉપર કામકાજ શરૂ કર્યું અને 1951માં તે સફળતાપૂર્વક પાર પાડ્યું અને વ્યાપારી ધોરણે આ જાતનાં કમ્પ્યૂટર મળી શકે તેવી વ્યવસ્થા પણ થઈ શકી.

વિજ્ઞાનક્ષેત્રે કરેલા આ પ્રદાન માટે 1969માં એકર્ટને નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ એનાયત થયો હતો.

વાસુદેવ યાજ્ઞિક