એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ તે જરૂરનું નથી. ‘વર્તમાન એ ભૂતકાળની ચાવીરૂપ છે’ એ કથન એકરૂપતાવાદની આ અંગેની સમજ માટે આગળ ધરવામાં આવે છે, એ સંદર્ભમાં જોતાં તો તે જરા વધારે પડતું સરળ કથન ગણાય !
એકરૂપતાવાદના સિદ્ધાંતની સ્વીકૃતિ એવી પ્રવિધિની શક્યતાને નકારી કાઢતી નથી કે તે ભૂતકાળમાં જે રીતે કાર્યાન્વિત હતી તેને આજની આધુનિક વૈજ્ઞાનિક કાર્યરીતિ (મૂલ્યાંકન) દ્વારા જોઈ કે સમજી ન શકીએ કે તેના પુરાવા આપી ન શકીએ ! વળી તેનો અર્થ એવો પણ ન કરી શકાય કે બધી જ પ્રવિધિઓ આજે જે રીતે કાર્યાન્વિત છે તે ભૂતકાળમાં પણ બરોબર તે જ રીતે કાર્યાન્વિત હતી ! સ્થળકાળ મુજબ ક્યાંક કેટલાક ફેરફારોને અવકાશ રહે છે જ.
તેમ છતાં એટલું તો ચોક્કસ સ્વીકારી શકાય કે પ્રાચીન અને અર્વાચીન પ્રવિધિઓ વચ્ચેના સહસંબંધનું પ્રમાણ જેમ જેમ સમયગાળો વધતો જાય છે તેમ તેમ ઘટતું જાય છે. દા.ત., ભૂમિ વનસ્પતિના પ્રાગટ્ય અગાઉના યુગમાં ખવાણ અને ઘસારો તેમનાં લક્ષણો અને તીવ્રતાની બાબતમાં આજની અપેક્ષાએ જરૂર જુદાં હોવાં જોઈએ.
ગિરીશભાઈ પંડ્યા