એકનાથ ( જ. 1532 પૈઠણ, હાલનું ઔરંગાબાદ અ. 1599) : મહારાષ્ટ્રના સંત, લોકકવિ તથા વારકરિ સંપ્રદાયના આચાર્ય અને આધારસ્તંભ. જન્મ પૈઠણ (હાલ મરાઠાવાડામાં) ખાતે. પિતાનું નામ સૂર્યનારાયણ. માતાનું નામ રુક્મિણીબાઈ. આખું કુટુંબ કૃષ્ણભક્ત, વિઠ્ઠલભક્ત હતું. એકનાથનું બીજું નામ ‘એકા જનાર્દન’, ‘જેમાં ‘એકા’ નામ તેમનું તખલ્લુસ છે.

બાળપણમાં જ એકનાથે માતાપિતાની છત્રછાયા ગુમાવી. વૃદ્ધ દાદા-દાદીએ ઉછેરેલા. દાદા ચક્રપાણિ વિદ્વાન અને ભગવદભક્ત હતા. તેમની પાસેથી એકનાથને સંસ્કૃત, મરાઠી, ફારસી વગેરે ભાષાઓનું જ્ઞાન તથા હિસાબ, વ્યાવહારિક પત્રલેખન વગેરેનું શિક્ષણ મળેલું. સાત વર્ષની ઉંમરે તેમના યજ્ઞોપવીત સંસ્કાર થયેલા. બાર વર્ષની ઉંમરે વધુ અધ્યયન માટે તેમને દેવગિરિમાં રહેતા જનાર્દન સ્વામી પાસે મોકલવામાં આવ્યા. ગુરુએ મહાભારત, રામાયણ, કેટલાંક પુરાણો, જ્ઞાનેશ્વરી, અમૃતાનુભવ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદગીતા, શ્રીમદ્ ભાગવત, યોગવાસિષ્ઠ, પૂર્વમીમાંસા ઇત્યાદિ ગ્રંથોનું સાંગોપાંગ અધ્યયન કરાવ્યું. ઉપરાંત વેદાંત અને બીજાં શાસ્ત્રોનો પણ અભ્યાસ કરાવ્યો.

અધ્યયન પૂરું થયા બાદ એકનાથ પોતાના ગુરુ સાથે આખા દેશનાં તીર્થધામોની યાત્રાએ નીકળ્યા. પ્રવાસ દરમિયાન સાધુ-સંતો સાથે પરમાર્થ વિશે સંવાદ કરતા. આવા જ એક પ્રવાસ વખતે ગોદાવરી નદીના ઉત્તર કિનારે ચંદ્રાવતી નગરીમાં ચંદ્રભટ્ટ નામના પરમ ભાગવતે શ્રીમદ્ ભાગવતની ‘ચતુ:શ્લોકી’ ઉપર આપેલ પ્રવચન એકનાથે સાંભળ્યું. નાસિક જઈને ગુરુની આજ્ઞા પ્રમાણે ચંદ્રભટ્ટની વ્યાખ્યા પ્રમાણે એકનાથે ચતુ:શ્લોકી ભાગવત ઉપર 1,036 પંક્તિની ટીકા લખી, જે તેમનો પ્રથમ ગ્રંથ હતો. આ ગ્રંથમાં એકનાથે ગુરુકૃપા, ગુરુભક્તિ, માયામુક્તિ વગેરે વિષયો વણી લીધા હતા; ઉપરાંત તર્ક, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, વિજ્ઞાન, અભિમાન, કામ, ક્રોધ, વૈકુંઠ વગેરે અનેક વિષયોની તેમાં ચર્ચા કરેલી છે.

ભારતના ભિન્ન ભિન્ન ધાર્મિક પંથો તથા આધ્યાત્મિક વિચારધારાઓનો પરિચય થાય તે હેતુથી તેમણે ઉત્તર ભારતની યાત્રા કરી. પછી દક્ષિણ તરફ યાત્રા કરતાં તેમના ગામ પૈઠણમાં આવી પહોંચ્યા. ત્યાં તેમના દાદાએ તેમના ગુરુનો આજ્ઞાપત્ર બતાવ્યો, જેમાં ગૃહસ્થાશ્રમી બનીને પૈઠણમાં સ્થાયી વસવાટ કરવાનો ગુરુનો આદેશ હતો. તે મુજબ એકનાથે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. તેમનાં પત્ની ગિરિજાબાઈ ઉચ્ચકોટિનાં સાધ્વી હતાં. વ્યવહાર અને પરમાર્થ વચ્ચે સુમેળ સાધવામાં સંપૂર્ણપણે સફળ થયેલાં દેશનાં આ કદાચ એકમાત્ર સંતદંપતી હતાં. એકનાથ અત્યંત શાંત પ્રકૃતિના હતા. તેમની સાથે છેલ્લી કક્ષાનો દુર્વ્યવહાર કરનારા યવનો સાથે પણ તેઓ સ્નેહભર્યો વ્યવહાર કરતા. પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગે તેઓ અસ્પૃશ્યોને જમાડતા, અસ્પૃશ્ય બાળકોને વહાલ કરતા. વેશ્યા, તસ્કર તથા જાર જેવાં પતિતોનો પણ એકનાથે ઉદ્ધાર કર્યો હતો. એ અર્થમાં તેઓ સાચા સમાજસુધારક હતા. તેમની દિનચર્યામાં યોગસાધના, ધર્મગ્રંથોનું વાચન, ધ્યાનધારણા, પ્રવચન, રાત્રિકીર્તન તથા નામસ્મરણનો સમાવેશ રહેતો. હરિજનોને મુક્તિનો માર્ગ બતાવવાનો તેમનો આશય હોવાથી ભક્તિ, ધ્યાન, ધારણા વિશે તેમના વિચારો બીજા પરમાર્થવાદીઓ કરતાં ભિન્ન હતા. જનતાજનાર્દનની સેવા એ જ એમના મતે સાચી દેવસેવા હતી.

સંત જ્ઞાનેશ્વરે સ્વપ્નમાં એકનાથને આપેલા આદેશ મુજબ એકનાથે આળંદી ખાતેની જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનું સ્થળ શોધી કાઢ્યું હતું, જેનો તેમણે 1583માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે પછી તેઓએ ‘જ્ઞાનેશ્વરી’ની સંહિતાની પાઠશુદ્ધિ કરી હતી (1584). તેમના જીવન સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ અને માન્યતાઓ પરથી સમજાય છે કે એકનાથે આચરણમાં અદ્વૈત વેદાંતનો પૂરેપૂરો અમલ કર્યો હતો. તે લોકસાહિત્યના સર્જક અને સુવિખ્યાત કીર્તનકાર હતા. તેમના સમકાલીન વિઠા રેણુકાનંદન, જની જનાર્દન, રામા જનાર્દન, દાસોપંત અને એકનાથ પોતે એમ પાંચ સત્પુરુષો નાથપંચક નામથી ઓળખાય છે.

સંત જ્ઞાનેશ્વરપ્રણીત અદ્વૈતવાદ, ચિદવિલાસવાદ અને ભગવદભક્તિને જ તેઓ પરમ પુરુષાર્થ માનતા હતા. ભારતમાં યવનોના શાસનકાળ દરમિયાન કચડાયેલા હિંદુસમાજને એકનાથે કુનેહ અને કુશળતાપૂર્વક જાગ્રત કર્યો હતો.

એકનાથે ઘણું ઉચ્ચ કોટિનું ગ્રંથસર્જન કર્યું છે. ‘ચતુ:શ્લોકી ભાગવત’, ‘એકનાથી ભાગવત’ (ભાગવત એકાદશ સ્કંધ પર વિવેચન), ‘ભાવાર્થરામાયણ’ (જેમાં 40,000 ઉપરાંત ‘ઓવી’ રચનાઓ છે), ‘રુક્મિણી સ્વયંવર’, ‘સ્વાત્મસુખ’ (ગુરુસ્તવન અને અદ્વૈતભક્તિ પર 510 ‘ઓવી’ રચનાઓ), અનેક અભંગો, ભારુડો (મરાઠીનો એક લોકસાહિત્યપ્રકાર), કથાત્મક રચનાઓ, પુરાણકથાઓ, લઘુચરિત્રકથા તેમજ જ્ઞાનેશ્વરાદિ સંતોની સંક્ષિપ્ત જીવનરેખા જેવું વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. તેમની શ્રીકૃષ્ણચરિત્રવિષયક રચનાઓ ગેયસ્વરૂપની હોવાથી ખૂબ લોકપ્રિય બની છે. મહારાષ્ટ્રના બહુજનસમાજના પ્રાચીન સર્જકોએ રચેલા અલિખિત લોકકાવ્યને પુનર્જીવિત કરવાનું મહાન કાર્ય એકનાથે કર્યું છે. એકનાથે ભાગવતનું રહસ્ય સામાન્ય લોકોને સમજાય તે માટે 11 સ્કંધોમાં તેના ઉપર વિવેચન લખ્યું છે. તેમનો આ ગ્રંથ મહારાષ્ટ્રમાં વારકરિ સંપ્રદાયનો પૂજનીય ગ્રંથ મનાય છે. તેમણે શંકરાચાર્યના તત્વદર્શન ઉપર વિવેચન કર્યું છે. ઉપરાંત શંકરાચાર્યના ‘હસ્તામલક’, ‘શુકાષ્ટક’, ‘આનંદલહરી’ જેવા ગ્રંથો ઉપર પણ ટીકા લખી છે. તેમનું વાઙ્મયીન, સાંપ્રદાયિક તથા સાંસ્કૃતિક કર્તૃત્વ તેમના સમન્વયવાદી તથા સમતાવાદી વ્યક્તિત્વનું જ પ્રતિબિંબ છે. તેમનાં બધાં લખાણો ભારતીય પ્રજાને પોતાની સંસ્કૃતિની લાક્ષણિકતાઓનું ભાન થાય એ ઉદ્દેશથી લખાયાં છે. ‘ભાવાર્થરામાયણ’ તેમનો અંતિમ ગ્રંથ છે, જે મરાઠી સાહિત્યમાં ઉત્કૃષ્ટ કોટિનો ગણાય છે. તેમણે સમાજને સાચી ભક્તિની સમજ આપી અને જ્ઞાનેશ્વરનો વારસો આગળ ચલાવ્યો હતો. વ્યવહાર અને પરમાર્થ, સંતત્વ અને સમાજસુધારણાનો સમન્વય સાધવાનું કપરું કાર્ય સંત એકનાથે કર્યું છે.

અનંત ગણેશ જાવડેકર

ઉષા ટાકળકર