ઍસ્ટરેસી (કમ્પૉસિટી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા. શ્રેણી – અધ:સ્ત્રીકેસરી (inferae). ગોત્ર – ઍસ્ટરેલ્સ. કુળ – ઍસ્ટરેસી. સપુષ્પ વનસ્પતિઓમાં આ કુળ સૌથી મોટું છે અને લગભગ 1,000 પ્રજાતિઓ અને 15,000થી 23,000 જેટલી જાતિઓ ધરાવે છે. જાતિની સંખ્યાની ર્દષ્ટિએ સપુષ્પ વનસ્પતિઓની કુલ જાતિઓની 10 % જેટલી જાતિઓ આ કુળની છે. તેઓનું વિતરણ દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં થયેલું છે. કુળની ઘણીખરી જાતિઓ શાકીય છે; માત્ર 2 % જેટલી જ વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે; જેઓ ઉષ્ણકટિબંધીય પ્રતિનિધિઓ છે. સૂર્યમુખી (Helianthus annuus), ચિકોરી (Cichorium intybus), ગુલદાઉદી (Chrysanthemum coronarium), હજારી ગોટા (Tagetes erecta), કસુંબો (Carthamus tinctorius), ભાંગરો (Eclipta alba અને Wedelia chinensis), ગાડરિયું (Xanthium strumarium), સોનકી (Sonchus asper), ડહાલિયા (Dahlia rosea), સોનછડી (Solidago virgaurea), ઉત્કંટો (Echinops echinatus), ગોરખમુંડી (Sphaeranthus indicus), અક્કલગરો (Spilanthes acmella) વગેરે આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.
આ કુળની વનસ્પતિઓ મોટેભાગે શાકીય સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. વૃક્ષ કે આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં ક્ષીરરસની હાજરી માલૂમ પડી છે. પર્ણો સામાન્યત: સાદાં અથવા પક્ષવત્ (pinnately) કે પાણિવત્ (palmate) છેદન પામેલાં કે સંયુક્ત; અથવા છોડના નીચેના ભાગમાં ગુચ્છ બનાવે, કેટલીક મરુદભિદ વનસ્પતિઓમાં સોયાકાર કે શલ્ક(scale)માં અવશિષ્ટ થયેલાં, કેટલીક વાર અધોવર્ધી (decurrent) કે કર્ણાકાર (auriculate) હોય છે. તેઓ એકાંતરિક, સંમુખ કે ભાગ્યે જ ચક્રિલ [(Whorled); દા. ત., Eupatorium spp.] અને અનુપપર્ણીય (estipulate) હોય છે.
પુષ્પવિન્યાસ અપરિમિત સ્તબક (capitulum) પ્રકારનો જોવા મળે છે. તે થોડાંકથી માંડી અસંખ્ય પુષ્પો ધરાવે છે. ઉત્કંટા(Echinops echinatus)માં સ્તબક એક જ પુષ્પનો બનેલો હોય છે. પુષ્પાધાર (receptacle) ચપટું અંતર્ગોળ કે બહિર્ગોળ બિંબ જેવું કે કેટલીક વાર શંકુ આકારથી માંડી સ્તંભાકાર હોય છે. આ પુષ્પાધારની નીચે એક કે વધારે ચક્રોમાં નિચક્ર (involucre) જોવા મળે છે. આ નિચક્ર મુક્ત કે વિવિધ રીતે જોડાયેલાં નિપત્રો દ્વારા બને છે. સામાન્યત: પુષ્પાધારની પરિઘવર્તી કિનારી તરફ કિરણપુષ્પકો (ray florets) અને મધ્યભાગમાં બિંબપુષ્પકો (disc florets) આવેલાં હોય છે. Vernonia માત્ર બિંબપુષ્પકો જ હોય છે. કિરણપુષ્પકો અનિયમિત, વંધ્ય કે એકલિંગી (માદા પુષ્પો), ઉપરિજાય (epigynous) અને નિપત્રી હોય છે. નિપત્ર ઘણે ભાગે શલ્કી કે કેટલીક વાર ઝિલ્લીરૂપ (scarious) હોય છે. બિંબપુષ્પકો નિયમિત, દ્વિલિંગી, ઉપરિજાય અને નિપત્રી હોય છે. વજ્ર રોમવલય (pappus) પ્રકારનું અથવા દેખીતી રીતે ગેરહાજર હોય છે. રોમવલયના અત્યંત વિભિન્ન પ્રકારો અને સ્વરૂપ જોવા મળે છે. દલપુંજ પાંચ યુક્ત દલપત્રો વડે બને છે. સામાન્યત: તે ત્રણ પૈકી એક પ્રકારનો હોય છે : (1) નલિકાકાર અથવા બિંબાકાર (discoid) દલપુંજ બિંબપુષ્પકોની લાક્ષણિકતા છે, (2) જિહવિકાકાર (ligulate) કિરણપુષ્પકોની લાક્ષણિકતા છે. તે અગ્ર ભાગે 3-5 દાંત ધરાવે છે. દલપુંજનલિકા ખૂબ ટૂંકી હોય છે (કેટલીક વાર દાંતનો અભાવ હોય છે), (3) દ્વિઓષ્ઠી (bilabiate) દલપુંજ નલિકાકાર દલપુંજમાંથી રૂપાંતર પામેલો દલપુંજ છે. ઉપરનો ઓષ્ઠ ત્રણ દલપત્રોનો બનેલો અને બે પ્રતિવક્રિત (recurved) અને નાજુક દલપત્રો નીચેનો ઓષ્ઠ બનાવે છે.
પુંકેસરચક્ર પાંચ પુંકેસરો વડે બને છે અને તે બિંબપુષ્પકોમાં જ જોવા મળે છે. તેઓ દલલગ્ન અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. પરાગાશયો એકબીજા સાથે જોડાઈ સંપરાગ (syngenesious) સ્થિતિનું નિર્માણ કરે છે. પુંકેસરતંતુઓ મુક્ત રહે છે. પરાગાશયો અંતર્મુખી (introse) હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. પરાગાશયો પરાગવાહિનીની ફરતે નળાકાર રચે છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત-સ્ત્રીકેસરી અધ:સ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશય એકકોટરીય હોય છે અને તલસ્થ જરાયુ પર એક અધોમુખી (anatropous) અંડક ધરાવે છે. પરાગવાહિની પાતળી અને દ્વિશાખી (bifid) હોય છે. પરાગાસનો બે હોય છે અને વિવિધ આકાર ધરાવે છે. ફળ સરળ, અસ્ફોટનશીલ અને રોમવલય (cypsela) પ્રકારનું હોય છે; કેટલીક જાતિઓમાં તે ચર્મફળ (achene) પ્રકારનું હોય છે. ફળમાં રોમવલય દીર્ઘસ્થાયી (persistent) કે પતનશીલ (deciduous) હોય છે. કેટલીક વાર સમગ્ર ફળ દીર્ઘસ્થાયી નિપત્ર દ્વારા આવરિત બને છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) હોય છે અને સીધો ભ્રૂણ ધરાવે છે.
આ કુળના કેસીનીએ આપેલા વર્ગીકરણને બેન્થામ અને હૂકરે અપનાવ્યું હતું. તે ઍસ્ટરેસી કુળને બે પ્રાથમિક ઉપવિભાગોમાં વર્ગીકૃત કરે છે : (1) ટ્યૂબીફ્લૉરી, જેમાં 12 જનજાતિઓ(tribes)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપવિભાગમાં બિંબપુષ્પકોનો દલપુંજ નલિકાકાર અથવા દ્વિઓષ્ઠી હોય છે, જિહવિકાકાર હોતો નથી અને ક્ષીરવાહક નલિકાઓ(lactiferous vessels)નો અભાવ હોય છે. ટ્યૂબીફ્લૉરીની 12 જનજાતિઓ આ પ્રમાણે છે : (i) વર્નોની, (ii) યુપેટોરી, (iii) ઍસ્ટરી, (iv) ઇન્યુલી, (v) હેલિયેન્થી, (vi) હેલેની, (vii) ઍૅન્થેમિડી, (viii) સેનેસિયોની, (ix) કૅલેન્ડ્યુલી, (x) આર્ક્ટોટિડી, (xi) સાયનેરી અને (xii) મ્યુટીસી.
(2) લીગ્યુલીફ્લૉરી, જેમાં એક જ જનજાતિ – સિકોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપવિભાગ વાદળી રંગનાં જિહવિકાકાર પુષ્પો ધરાવે છે.
બ્રિટોન જેવા કેટલાક અમેરિકી વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને અલગ ગોત્ર(કાર્ડુએલ્સ)નો દરજ્જો આપે છે અને ત્રણ કુળમાં વર્ગીકૃત કરે છે : (i) ઍમ્બ્રોસિયેસી, (ii) કાર્ડુયેસી અને (iii) સિકોરિયેસી. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓએ ‘કમ્પોઝિટી’ને બદલે ઍસ્ટરેસી નામ સ્વીકાર્યું છે. બધા જ વૈજ્ઞાનિકો આ કુળને દ્વિદળી વર્ગનું સૌથી ઉચ્ચ કક્ષાનું કુળ ગણે છે. તેના પ્રભાવ અને સર્વવ્યાપકતાની માત્રા દ્વારા કુદરતમાં તેની સફળતા અભિવ્યક્ત થાય છે. તેની સફળતા માટેનાં કારણો આ પ્રમાણે છે :
(1) ગાઢ રીતે એકત્રિત થયેલાં અસંખ્ય નાનાં પુષ્પો વડે બનતો પુષ્પવિન્યાસ પરાગનયનની ર્દષ્ટિએ લગભગ એક પુષ્પની જેમ કાર્ય કરે છે. એક જ યોગ્ય કીટકની મુલાકાત દ્વારા ઘણાં પુષ્પોમાં પરાગનયનની ક્રિયા એકસાથે થઈ શકે છે. વળી, કિરણપુષ્પકો આવશ્યક અંગોના એક કે બે ચક્રોના વિલોપન(deletion)ના ભોગે મોટા દલપુંજનો વિકાસ કરે છે. તેથી, આ પુષ્પકો વંધ્ય કે માદા પુષ્પોના સ્વરૂપે જોવા મળે છે. તેઓ પરાગનયન માટે કીટકોને આકર્ષે છે અને બિંબપુષ્પકોને રક્ષણ આપે છે.
(2) પરાગ-ક્રિયાવિધિ, પરાગ-રક્ષણ અને મધુગ્રંથિનું સ્થાન વગેરે એટલાં ચોક્કસ હોય છે; જેથી અત્યંત વિશિષ્ટ કીટકો દ્વારા જ પરપરાગનયન થાય છે.
(3) પુષ્પો પૂર્વપુંકવ (protoandrous) હોવાથી કુદરતી રીતે સ્વપરાગનયનની ક્રિયા ટાળવામાં આવે છે, પરંતુ જો પરપરાગનયન કોઈક કારણોસર ન થાય તો પરાગાસન પાછળની તરફ વાંકું વળી પોતાનાં પરાગાશયોની (પરાગ)રજના સંપર્કમાં આવે છે.
(4) તરુણ પુષ્પોમાં ફળનું નિચક્ર દ્વારા રક્ષણ થાય છે. પરિપક્વતાએ ફળો વજનમાં ખૂબ હલકાં બને છે, કારણ કે તેઓ દીર્ઘસ્થાયી વજ્ર રોમવલય ધરાવે છે. રોમવલય ફળને લીધે પવન દ્વારા બીજ-વિકિરણ દૂર દૂર સુધી થાય છે.
આ કુળની વનસ્પતિઓના કેટલાક આર્થિક ઉપયોગો નીચે મુજબ છે : (1) ખોરાક : ચિકોરી(Cichorium intybus અને C. endivia)નાં મૂળ અને પર્ણો, સલાડ (Lactuca sativa) અને કાર્ડૂન(Cynara cardunculus)નાં પર્ણો અને જેરૂસલેમ આર્ટીચોક(Helianthus tuberosus)નાં મૂળ ખાદ્ય છે. ચિકોરીનાં મૂળને ભૂંજીને કૉફી સાથે મિશ્ર કરવામાં આવે છે. ડૅન્ડેલિયોન-(Taraxacum officinale)નાં મૂળ કૉફીના અપમિશ્રણમાં વપરાય છે. Scolymus hispanicus અને S. maculatusના તરુણ પ્રરોહો શતાવરીની જેમ ખાઈ શકાય છે. Cynara અને Scolymusના પુષ્પવિન્યાસો શાકભાજી તરીકે વપરાય છે.
(2) રંગ : કસુંબો (Carthemus tinctorius) અને (Adenostemma tinctorium)નાં પુષ્પોમાંથી રંગ મેળવવામાં આવે છે.
(3) ઔષધ : કિરમાલા (Artemisia maritima) ભારતની એક માત્ર જાતિ છે, જે સૅન્ટોનિન નામનું આલ્કેલૉઇડ ઉત્પન્ન કરે છે.
આ આલ્કેલૉઇડ નહિ ખૂલેલી પુષ્પીય કલિકાઓમાંથી મેળવવામાં આવે છે. તે કૃમિઘ્ન છે. Artemisiaની કેટલીક જાતિઓ બિયર બનાવવામાં અને વિનેગરને સુગંધિત કરવામાં ઉપયોગી છે. વાતપાન(Tussilago farfara)નાં તરુણ પર્ણો કફ, શરદી, દમ, અનિદ્રા, અતિસાર, વા અને ચેતાતંત્રના રોગોમાં વપરાય છે. કાળી જીરી(Centrathermum anthelminticum)નાં બીજ કૃમિઘ્ન તરીકે અને કીટનાશક તરીકે ઉપયોગી છે.
(4) કીટનાશક : તેવ્ર (Chrysanthemum cinerariefolium) અને S. roseumના શુષ્ક પુષ્પવિન્યાસ ‘પાયરેથ્રમ’ નામના કીટનાશક તરીકે જાણીતા છે.
(5) તેલ : Helianthus, Artemesia, Carthamus tinctorius અને અન્ય જાતિઓના બીજનું નિષ્કર્ષણ કરી તેલ મેળવાય છે.
(6) વિષ : Ambrosia sp., સોનછડી (Solidago sp.) અને ગાડરિયું (Xanthium sp.) ઢોર માટે વિષાળુ હોય છે.
(7) શોભન-વનસ્પતિઓ : Dahlia, Aster, Chrysan-themum, Tagetes, Zinnia, Calendula, Helianthus sp. Helichrysum વગેરે સુંદર સ્તબક પુષ્પવિન્યાસ માટે વાવવામાં આવે છે.
(8) અપતૃણો : સોનકી (Sonchus), ભોંપાત્રી (Launaea), ગાડરિયું (Xanthium), ઉત્કંટો (Echinops) અને Blumea પ્રજાતિઓ ખેતરોમાં અનિષ્ટકારી વનસ્પતિઓ છે.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ