ઍસ્ક્યુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા હિપ્પોકેસ્ટેનેસી (સેપિન્ડેસી) કુળની એક પ્રજાતિ. તેની એક જાતિ Aesculu indica Hook. (હિં. બનખોર, કંદાર, પનગર, કાનોર; અં. ઇંડિયન હોર્સ, ચેસ્ટનટ) ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેનાં વૃક્ષો લગભગ 30 મી. ઊંચાં અને પર્ણપાતી (deciduous) હોય છે. તેનું મુખ્ય પ્રકાંડ સીધું, નળાકાર અને ટૂંકું હોય છે અને 7.5 મી.નો ઘેરાવો ધરાવે છે. તે હિમાલયમાં કાશ્મીરથી માંડી પશ્ર્ચિમ નેપાળ સુધી, 900 મી.થી 3,600 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. છાલ ભૂખરી હોય છે અને તેનું ઉપરની તરફ લંબાઈને અનુલક્ષીને પટ્ટાઓ સ્વરૂપે અપશલ્કન (exfoliation) થાય છે. તેનાં પર્ણો પંજાકાર સંયુક્ત હોય છે અને પર્ણિકાઓ 5થી 9, પ્રતિભાલાકાર (oblanceolate) કે લંબચોરસ (oblong) છે. પુષ્પો સફેદ રંગનાં હોય છે અને તેમાં લાલ કે પીળા રંગની છાંટ જોવા મળે છે. તેઓ મોટા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુંકેસરો બહાર લટકતા હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, કાંટાવાળું, 5 સેમી. જેટલું લાંબું અને ચર્મિલ (leathery) હોય છે. બીજ બેથી ત્રણ, ઘેરાં બદામી, લીસાં અને ચમકીલાં હોય છે.

આકૃતિ : Aesculus indica (બનખોર) : શાખા, પુષ્પવિન્યાસ અને ફળ

આ વૃક્ષ અત્યંત સુંદર હોય છે અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશથી માંડી નેપાળની ફળદ્રૂપ, ભેજવાળી અને છાયાયુક્ત ઊંડી અને સાંકડી ખીણોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. પહાડી પ્રદેશોમાં તે ઘણી વાર શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. પર્ણપતનની ક્રિયા ઑક્ટોબરથી ડિસેમ્બરની શરૂઆત સુધી થાય છે અને નવાં પર્ણો એપ્રિલમાં બેસે છે. પુષ્પનિર્માણની ક્રિયા એપ્રિલથી જૂન સુધીમાં થાય છે. આ દરમિયાન તે ખૂબ જ આકર્ષક લાગે છે. તે મધ્યમ પ્રકાશાપેક્ષી (light-demander) છે. શુષ્ક અને ગરમ આબોહવામાં તેની વૃદ્ધિ કુંઠિત થાય છે. 100 સેમી.થી 250 સેમી. જેટલા વાર્ષિક વરસાદવાળી આબોહવામાં તે થાય છે. તેનું મોટા વિસ્તારમાં ઝાડીવન (coppice) તૈયાર કરી શકાય છે. જો મૂળ કાપવામાં આવ્યાં હોય તો તે મૂલ-ભૂસ્તારિકાઓ (root-suckers) ઉત્પન્ન થાય છે. તેનું નૈસર્ગિક પ્રસર્જન બીજ દ્વારા થાય છે.

તેને ફૂગ દ્વારા લાગુ પડતા રોગોમાં મૂળનો સડો [Armillaria mellea (Vahl) Quel.], સફેદ પોચો રેસાવાળો સડો [Asterostromella rhodespora Wakef.), સફેદ રસાળ સડો [Trametes lactines Berk., Fomes senex Nees. & Mont. Lenzites betulina (Linn.) Fr. અને Polystictus versicolor (Linn.) Fr.] અને પોચો વાદળી જેવો સડો [Merulius tremellosus Schrad., Polyporus adustus (Willd.) Fr. and Poria versiporus Pers.] તથા બૅક્ટેરિયા દ્વારા થતા રોગમાં પાનનાં ટપકાં(Pseudomonas sp.)નો સમાવેશ થાય છે.

વેધક (borer) કીટક Aeolesthes sarta Solsky આ વૃક્ષને ગંભીર નુકસાન પહોંચાડે છે. બીજાં વેધકો જેવાં કે Deudorix epijarbasancus Fruhst., Hemisodorcus nepalensis Hope, Phloeophagosoma aesculi Marshall, Stenoscelis himalayensis Stebb. અને Stromatium barbatum Fabr. આ વનસ્પતિ પર થાય છે. Periphyllus aesculi lambers વનસ્પતિનો રસ ચૂસે છે. Acronycta maxima Moore, Dictyoploca simla Westw., Eubrachis indica Baly., Portheisa scintillans (Walker) syn. Euproctis scintillans Walker, Hoplionta maculipennis Boheman અને Varmina indica Walker જેવાં કીટકો વૃક્ષનાં પર્ણો ખાઈ જાય છે.

તેના બીજમાં 3 % જેટલાં ટ્રાઇટર્પિનોઇડ સેપોનિન ગ્લાયકોસાઇડ હોય છે, જેમાં એસિન મુખ્ય છે. તે સેપોનિન ઍસ્ટરનું મિશ્રણ છે. એસિનનું જુદા જુદા ઘટકોમાં વિભાગીય સ્ફટિકીકરણ કરી શકાય છે. તેના મુખ્ય ઘટકોમાં અગ્લાયકોનસ પ્રોટોએસિજેનીન અને બેરિંગ્ટોજિનોલ-સી છે. આ ઉપરાંત બીજમાંથી બીટા-એસિન અને ક્રિપ્ટો-એસિન મળે છે. બીટા-એસિન રુધિર-લયન (hemolysis) કરે છે. ક્રિપ્ટો-એસિન રુધિર-લયનકારી (hemolytic) નથી. એસિનનો રુધિર-લયનકારી સૂચકાંક (index) 9,500થી 12,000 હોય છે. બીજમાં ક્વિર્સેટિન અને કૅમ્ફોરોલના ગ્લુકોસાઇડ અને ઍમિનોપ્યુરિન હોય છે. રુધિરવાહિનીઓનો સ્રાવ તથા બરડતા (fragility) ઘટાડવા, રુધિરવાહિનીઓની સ્થિતિસ્થાપકતા વધારવા, રુધિરવાહિની અને લસિકા(lymph)નો અવરોધ દૂર કરવા, મસા અને મગજના સોજા(oedema)માં બીજના નિષ્કર્ષનો અને એસિનનો ઉપયોગ થાય છે.

પ્રરોહો અને પર્ણો ચારા તરીકે વપરાય છે. ઢોરો ફળો પણ ખાય છે. અછતના સમયમાં પહાડી પ્રદેશમાં વસતી જનજાતિઓ (tribes) ફળનો પાણીમાં પલાળી કડવા ઘટકો કાઢી નાખ્યા પછી ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા કેટલીક વાર બીજના લોટને ઘઉંના લોટ સાથે મિશ્ર કરવામાં આવે છે. કચરેલાં ફળનો કપડાં ધોવામાં ઉપયોગ થાય છે. બીજના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે પાણી 10.9 %, લિપિડ 2.22 %, પ્રોટીન 5.85 %, અશુદ્ધ રેસો 1.5 %, પેન્ટોસન 3.5 %, અપચાયી (reducing) શર્કરા (ડેક્ષ્ટ્રોઝ તરીકે) 9.83 %, સુક્રોઝ 9.07 %, સ્ટાર્ચ 38.3 %, જલદ્રાવ્ય 36.14 % અને ભસ્મ 2.62 % ધરાવે છે. ઢોરોને કચરેલાં બીજ આપતાં દૂધની ગુણવત્તા સુધરે છે અને જથ્થો વધે છે. તેનાં બીજ ઘોડાને શૂલ(colic)માં આપવામાં આવે છે. બીજનું તેલ સંધિવામાં વપરાય છે. તેનું તેલ ઘા ઉપર પણ લગાડવામાં આવે છે.

કાષ્ઠ તાજું કાપેલું હોય ત્યારે આછા પીળાશ પડતા સફેદ કે આછા ગુલાબી-સફેદ રંગનું હોય છે અને ખુલ્લું રાખતાં ગુલાબી-બદામી રંગનું અને આછી બદામી છાંટવાળું બને છે. અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટ હોતું નથી. તેનું ઇમારતી લાકડું લીસું હોય છે અને કોઈ વિશિષ્ટ ગંધ ધરાવતું નથી. તે હલકાથી માંડી મધ્યમ ભારે (વિ.ગુ. 0.43થી 0.57, વજન 479 કિગ્રા.થી 560 કિગ્રા./ઘમી.), પોચું, સુરેખ (straight) અથવા સાંકડું અને છીછરું અંતર્ગ્રથિત (interlocked), કણિકામય, અરીય તલમાં કેટલીક વાર મીણી-કણિકામય અને અતિ સૂક્ષ્મ અને સમગઠિત (even-textured) હોય છે. તેને સરળતાથી વહેરીને લીસી સપાટી બનાવી શકાય છે અને તે પૉલિશ પણ સારી રીતે ગ્રહણ કરે છે. કાષ્ઠનું સંશોષણ (seasoning) સારી રીતે થાય છે. તે વાયુ-સંશોષણ માટે મધ્યમ-ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને ખુલ્લી સ્થિતિમાં ટકાઉ રહેતું નથી, પરંતુ આવરણ (cover) હેઠળ પૂરતું ટકાઉ રહે છે. સાગના ગુણધર્મોના સંદર્ભમાં તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 70 %, પાટડાનું સામર્થ્ય 60 %, પાટડાની દૂર્નમ્યતા (stiffness) 75 %, થાંભલા તરીકેની ઉપયુક્તતા 60 %, આઘાત-અવરોધકક્ષમતા 65 %, અપરૂપણ (shear) 80 %, ર્દઢતા 55 % અને વિપાટન-આંક (splitting coefficient) 85 %.

તેનું ઇમારતી લાકડું બાંધકામ, ખોખાં, પાણી ભરવા માટેની કથરોટો, જાડાં પાટિયાં, થાળ, પીપડાં, કૅબિનેટ, ખરાદીકામનાં અને ગણિતનાં સાધનો, બૂટની એડીઓ, દીવાસળીઓ અને બૉબિન બનાવવામાં ઉપયોગી છે. તેના લાકડાને રંગ અને મીણ લગાડ્યા પછી સારી ગુણવત્તાવાળી પેન્સિલો બનાવવામાં આવે છે. તે રેલવેના ડબ્બાઓમાં પ્રપટ્ટ (panel) અને રમતગમતનાં સાધનો બનાવવામાં ઉપયોગી છે. બીજા લાંબા રેસાવાળા ગર સાથે તેનો ગર મિશ્ર કરીને વીંટાળવાના કાગળો અને રંજકહીન (bleached) ગરમાંથી લખવાના અને છાપવાના કાગળો બનાવવામાં આવે છે.

છાલમાંથી બનાવવામાં આવેલો મલમ દુખાવો આપતા સ્થાનભ્રષ્ટ (dislocated) સાંધાઓ પર લગાડવામાં આવે છે. પ્રકાંડની છાલ ફૂગનાશક ગુણધર્મો ધરાવે છે. મૂળ શ્વેત પ્રદર(leucorrhoea)માં વપરાય છે.

ભારતમાં Aesculus assamica Griff. syn. A. Khassyana (Voigt) Das & Majumdar અને A. hippocastanum Lin. (હોર્સ-ચેસ્ટનટ) નામની જાતિઓ પણ થાય છે. A. hippocastanum વિદેશી (exotic) જાતિ છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ