ઍસિડ હેલાઇડ (acid halide) : હેલોકાર્બોનિલ  સમૂહ ધરાવતાં સૂત્રવાળાં કાર્બનિક તટસ્થ સંયોજનો. (R = એલિફૅટિક/એરોમૅટિક ભાગ, X = Cl, Br, I, F). કાબૉર્ક્સિલિક ઍસિડની ફૉસ્ફરસ હેલાઇડ (PCl3, PCl5) કે થાયૉનિલ ક્લોરાઇડ (SOCl2) સાથેની પ્રક્રિયાથી -OH સમૂહનું ક્લોરાઇડ વડે પ્રતિ-સ્થાપન થતાં આ સંયોજનો મળે છે; દા.ત.,

ઍસિડ હેલાઇડ રંગવિહીન, તીવ્ર વાસવાળા, ભેજવાળી હવામાં ધુમાડો આપતા પદાર્થો છે. એસેટાઇલ ક્લોરાઇડનું ઉ.બિં. 550 સે. છે. ઍસિડ હેલાઇડ હાઇડ્રૉક્સિલ (OH) કે ઍમિનો (−NH2 કે −NH) સમૂહ ધરાવતાં સંયોજનો સાથે પ્રક્રિયા કરીને તેમનાં એસાઇલ વ્યુત્પન્નો બનાવે છે, જે તેમના અભિલક્ષણન(characterization)માં ઉપયોગી છે.

ઍસિડ હેલાઇડ, ઍસિડના સોડિયમ ક્ષાર સાથે એન્હાઇડ્રાઇડ આપે છે; દા. ત. :

કાબૉર્ક્સિલિક ઍસિડની જેમ સલ્ફૉનિક ઍસિડ (RSO3H) સલ્ફૉનાઇલ ક્લોરાઇડ આપે છે, જે ઍસિડ હેલાઇડના મુકાબલે ઓછા સક્રિય છે. સલ્ફા ઔષધોની બનાવટમાં સલ્ફૉનાઇલ ક્લોરાઇડ અગત્યનાં મધ્યસ્થી છે. ક્લોરોસલ્ફૉનિક ઍસિડ(ClSO3H)ના ઉપયોગથી ઍરોમૅટિક વલયમાં સલ્ફૉનાઇલ ક્લોરાઇડ સમૂહ એક જ સોપાને દાખલ કરી શકાય છે.

અકાર્બનિક ઍસિડ ક્લોરાઇડ પણ અગત્યનાં પ્રક્રિયકો છે. સલ્ફ્યુરિક ઍસિડ(H2SO4)નો ક્લોરાઇડ, ક્લોરોસલ્ફૉનિક ઍસિડ અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ (SO2Cl2), સલ્ફ્યુરસ ઍસિડ(H2SO3)નો ક્લોરાઇડ થાયૉનિલ ક્લોરાઇડ (SOCl2), ફૉસ્ફરસ ઍસિડ(H3PO3)નો ક્લોરાઇડ ટ્રાયક્લોરાઇડ (PCl3) અને ફૉસ્ફોરિક ઍસિડનો ક્લોરાઇડ ફૉસ્ફરસ ઑક્સિક્લોરાઇડ (POCl3) તથા ફૉસ્ફરસ પેન્ટા-ક્લોરાઇડ (PCl5) જાણીતા છે અને કાર્બનિક સંશ્લેષણમાં ઉપયોગી છે.

પ્રવીણસાગર સત્યપંથી