ઍસિડ-બેઝ સૂચકો (indicators) : નિર્બળ ઍસિડ કે નિર્બળ બેઝની પ્રકૃતિવાળો અને ઍસિડ અથવા બેઝના દ્રાવણમાં જુદા રંગો આપતો પદાર્થ. આ પદાર્થ સૂચક તરીકે ઉપયોગી નીવડવા માટે ઍસિડ કે બેઝમાંથી એકનો રંગ આપતો હોવો જોઈએ. વળી આ રંગ બને તેટલો ઘેરો હોય તે જરૂરી છે, જેથી દ્રાવણના pHને અસર ન કરે તેટલા અલ્પ પ્રમાણમાં તે વાપરી શકાય. સૂચકો દ્રાવણની pH શોધવા માટે અને અનુમાપનમાં (titration) જરૂરી અનુમાપક ઉમેરાયો છે કે નહિ તે નક્કી કરવા વપરાય છે. આવા પદાર્થોને શ્ય સૂચકો પણ કહે છે. સૂચકોના વિવિધ રંગો ધરાવતાં એકથી વધુ ચલાવયવી (tautomeric) રૂપો અસ્તિત્વમાં હોય છે.

સૂચક InHનું આયનીકરણ નીચે પ્રમાણે થાય છે :

આ ઍસિડરૂપ સૂચકનો આયનીકરણ અચળાંક KIn નીચેના સમીકરણ વડે મેળવી શકાય :

લૉગરિધમ રૂપે આ સમીકરણને રજૂ કરીએ (pH = − log [H3O+]) તો નીચેનું સમીકરણ મળે :

સૂચકના pKInનું સંખ્યાત્મક મૂલ્ય (numerical value) pHના મૂલ્યને લગભગ મળતું આવે છે.

સૂચકના નીચા pH પર HIn સ્વરૂપનો એક રંગ અને ઊંચા pH પર સૂચકના In સ્વરૂપનો બીજો રંગ હોય છે. આ pHનાં મૂલ્યો વચ્ચેના ગાળામાં સૂચકનો રંગ આ બે રંગોના મિશ્રણરૂપ હોય છે અને તેથી અનુમાપન કરનાર માટે અંતિમ બિંદુ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આથી રંગોનું પરિવર્તન જેમ pHના નાના ગાળામાં થાય તેમ તે વધુ સારો સૂચક ગણાય. આ ગાળાને સૂચકનો વિસ્તાર (indicator range) કહે છે.

ઍસિડ-બેઝ સૂચકો ઍસિડ-બેઝના અનુમાપનમાં અંતિમ બિંદુ (end point) મેળવવા જરૂરી અનુમાપક ઉમેરાયો છે કે નહિ તે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ અનુમાપનો માટે સૂચકો એ રીતે પસંદ કરવા જોઈએ કે જે અનુમાપનના અંતિમબિંદુ સમયના pH પર રંગપરિવર્તન દર્શાવે; દા.ત., નિર્બળ ઍસિડના અનુમાપનમાં અંતિમ બિંદુ સમયનું pH 7થી ઉપર હોય છે. તેથી ફીનૉલ્ફથૅલીન (pH વિસ્તાર 8.4-10) અનુકૂળ સૂચક છે. નિર્બળ બેઝનું અંતિમ બિંદુ આ સ્થિતિમાં pH 7થી નીચે હોય છે. તેથી મિથાઇલ રેડ (pH વિસ્તાર 4.2-6.3) કે મિથાઇલ ઑરેન્જ (pH વિસ્તાર 2.9-4.6) અનુકૂળ સૂચકો છે. તાપમાનના ફેરફારોની અસર ફક્ત નિર્બળ-બેઝ સૂચકો ઉપર જ થાય છે. સૂચકોના રંગનો આધાર તેમાંના વર્ણમૂલકો (chromophores) ઉપર છે. ફીનૉલ્ફથૅલીનમાં બેઝની હાજરીમાં ક્વિનોઇડ વર્ણમૂલકને લીધે રંગ ઉત્પન્ન થાય છે.

નીચેના કોષ્ટકમાં કેટલાક સૂચકો અંગેની માહિતી આપેલી છે :

સૂચક વધતા pH સાથે pH વિસ્તાર
  રંગપરિવર્તન
ફીનૉલ્ફથૅલીન રંગવિહીનથી લાલ 8.0-9.6
મિથાઇલ ઑરેન્જ લાલથી પીળો 2.9-4.6
મિથાઇલ રેડ લાલથી પીળો 4.2-6.3
થાયમૉલ બ્લૂ લાલથી પીળો 1.2-2.8
બ્રોમોફીનૉલ બ્લૂ પીળાથી વાદળી 2.8-4.6
બ્રોમોક્રેસૉલ ગ્રીન પીળાથી વાદળી 3.6-5.2
લિટમસ લાલથી વાદળી 4.5-8.3
બ્રોમોક્રેસૉલ પર્પલ પીળાથી ગુલાબી 5.2-6.8
બ્રોમોથાયમૉલ બ્લૂ પીળાથી વાદળી 6.0-7.6
ફીનૉલરેડ પીળાથી લાલ 6.8-8.4
થાયમૉલ્ફથેલિન રંગવિહીનથી વાદળી 9.3-10.5
એલિઝરિન યલો R પીળાથી નારંગી-લાલ 10.1-12.0

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી