ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ

January, 2004

ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ : એક રૂપેરી, વજનમાં હલકી, પ્રબળ, બિનચુંબકીય, ઊંચી વિદ્યુતવાહકતા, તાપીય સંવાહકતા તથા ઉત્સર્જિતતા ધરાવતી તન્ય ધાતુ. ઍલ્યુમિનિયમને તાંબું, ઝિંક, મૅગ્નેશિયમ વગેરે ધાતુ સાથે મિશ્ર કરી તેની તાપમાન ક્ષમતા, ઘર્ષણપ્રતિરોધકતા વગેરે ગુણોમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી શકાય છે. બૉક્સાઇટ તરીકે પ્રચલિત ઍલ્યુમિનિયમ અયસ્કમાંથી અશુદ્ધિઓ દૂર કરી પ્રથમ ચરણમાં ઍલ્યુમિના (Alumina) અને બીજા ચરણમાં વિદ્યુતપ્રગલન-પ્રક્રિયા દ્વારા ઍલ્યુમિનિયમ પેદા કરવામાં આવે છે.

ભારત વિશ્ર્વનો સૌથી વધુ બૉક્સાઇટની અનામતો ધરાવતા ઑસ્ટ્રેલિયા, ગિની, બ્રાઝિલ તથા જમૈકા પછીનો પાંચમો દેશ છે. આ દેશની બૉક્સાઇટની કુલ 295.3 કરોડ ટન અનામતોમાંથી 246.2 કરોડ ટન જથ્થો ધાતુકર્મીય (metallurgical) ઊંચી કક્ષાનો છે. હાલના વપરાશને ધ્યાનમાં લેતાં આ અનામતો બીજા 250 વર્ષ સુધી ચાલે એમ છે. આશરે 62 ટકા અનામતો ઓરિસામાં છે. તે ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પણ બૉક્સાઇટની ખાણો છે.

1938માં ભારતમાં ઍલ્યુમિનિયમ-ઉદ્યોગનો આરંભ ઇન્ડિયન ઍલ્યુમિનિયમ કંપની લિમિટેડે (INDALCO) બેલુર ઓરિસામાં કૅનેડાની અલ્કન કંપની સાથે તકનીકી તેમજ નાણાકીય સહયોગથી કારખાનું સ્થાપીને કર્યો હતો. 1942માં તેણે ઍલ્યુમિનિયમનાં પતરાં બનાવવાની શરૂઆત કરી હતી. 1959માં બિરલા જૂથના હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમ કૉર્પોરેશન લિમિટેડે રેણુકૂટ, ઉત્તર પ્રદેશમાં કૈઝર એન્જિનિયરિંગ કૉર્પોરેશન, અમેરિકાના તકનીકી અને નાણાકીય સહયોગથી ઍલ્યુમિનિયમ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. 1965માં મદ્રાસ ઍલ્યુમિનિયમ કંપની લિમિટેડે (MALCO) પણ તેના કારખાનાની શરૂઆત કરી હતી. જાહેર ક્ષેત્રની ભારત ઍલ્યુમિનિયમ કંપની લિમિટેડે (BALCO) કોરબા, મધ્યપ્રદેશમાં અને નૅશનલ ઍલ્યુમિનિયમ કંપની લિમિટેડે (NALCO) પેચીની, ફ્રાન્સના તકનીકી સહયોગથી ઓરિસામાં ઍલ્યુમિનિયમના ઉત્પાદનનો આરંભ કર્યો હતો. ભારતમાં ઍલ્યુમિનિયમ-ઉદ્યોગને બે વિભાગમાં વહેંચી શકાય : (1) ઍલ્યુમિના અને ઍલ્યુમિનિયમના ઉત્પાદકો; (2) ઍલ્યુમિનિયમમાંથી વિવિધ વસ્તુઓ  પતરાં, તાર, સળિયા વગેરે બનાવતા ઉદ્યોગો.

ભારતમાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન (લાખ ટનમાં)

  કંપનીનું નામ ઉત્પાદન

ક્ષમતા

ઉત્પાદન
   199899 19992000
1. નેલ્કો (NALCO) 2.30 1.46 2.13
2. હિન્ડાલ્કો (HINDALCO) 2.42 2.39 2.51
3. ઇન્ડાલ્કો (INDALCO) 1.17 0.42 0.40
4. માલ્કો (MALCO) 0.25 0.25 0.19
5. બાલ્કો (BALCO) 1.00 0.92 0.95
                    કુલ 7.14 5.45 6.20

1943માં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન ફક્ત 25,000 ટન હતું. 19992000માં તે 6.20 લાખ સુધી પહોંચ્યું હતું; જે 2002માં 8 લાખ ટન થવાની શક્યતા છે. બહોળી વસ્તી અને વધતી જતી માગને પૂરી પાડવા માટે ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ વધુ ગતિશીલ વિકાસ સાધી શક્યો હોત; પરંતુ કેન્દ્ર સરકારના ઍલ્યુમિનિયમ નિયમન (1970) ધારા હેઠળ 50 ટકા ઉત્પાદન વિદ્યુતકરણ માટે અનામત રાખવા ઉપરાંત તેના પર ભાવઅંકુશ પણ મૂકવામાં આવ્યો હતો; વળી વિતરણ પર પણ અંકુશો લાદવામાં આવ્યા હતા; જેના પરિણામે ખોટને સરભર કરવા માટે બાકીના 50 તથા ઉત્પાદન-ભાવોમાં વૃદ્ધિ અનિવાર્ય બની રહી. તે ઉપરાંત ઊંચી જકાત, વીજળીની તંગી વગેરેએ સ્થાનિક માગ તેમજ નિકાસના અવકાશને સીમિત રાખ્યાં હતાં. નિમ્ન વળતર તેમજ વિદેશથી અદ્યતન તકનીકી લાવવા પરની પાબંદીને કારણે નવીન મૂડીરોકાણને આકર્ષવાના તેમજ ગ્રાહકોની જરૂરિયાતને સમજવાના અભાવે આ ઉદ્યોગની પ્રગતિ વર્ષો સુધી સીમિત રહી હતી. 1989માં કેન્દ્ર સરકારે ઍલ્યુમિનિયમ અંકુશ નિયમન (1970) ધારા હેઠળ, ઉત્પાદન, કિંમત તેમજ વિતરણ પરના અંકુશો પરત લીધા હતા. 1991માં વૈશ્વિકીકરણની પ્રક્રિયાને અનુસરીને શૅરમૂડીમાં 51 ટકા સુધીના વિદેશી મૂડીરોકાણને મંજૂરી, અદ્યતન તકનીકી આયાતને પૂરો અવકાશ, જકાતવેરામાં ઘટાડો તથા મોડવેટના ફાયદાએ ઉદ્યોગના વિકાસને માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ ઉદારનીતિને અનુલક્ષીને હિન્ડાલ્કોએ સ્ટેસ્મિય ઍન્ડ મેવર્મ કંપની, જર્મની સાથે તકનીકી સહયોગથી સેલ્વાસમાં વર્ષે 4,50,000 ઍલ્યુમિનિયમ ચક્રો બનાવવાની યોજના કરી છે. તે જ જૂથની કંપની ઉત્કલ ઍલ્યુમિનાએ રૂ. 4,300 કરોડના ખર્ચે 1 લાખ ટન ઍલ્યુમિનાનું ઉત્પાદન, મુખ્યત્વે નિકાસ અર્થે, કરવાનું આયોજન કર્યું છે. બીજી યોજનામાં રૂ. 2,300 કરોડના મૂડીરોકાણથી 1 લાખ ટન બૉક્સાઇટ મેળવવાની પરિયોજના તૈયાર કરી છે. વળી બિરલા જૂથની રેણુકૂટ પરિયોજનાની ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે. નેલ્કોએ બૉક્સાઇટની ઉત્ખનનક્ષમતા 48 ટન કરી છે. ઍલ્યુમિનાનું ઉત્પાદન 15.75 લાખ ટન અને ઍલ્યુમિનિયમનું 3.45 લાખ ટન કરવાનું તેનું આયોજન છે. આ બંને યોજનાઓનો ખર્ચ રૂ. 2,000 કરોડ અંદાજવામાં આવ્યો છે. તેવી જ રીતે ઇન્ડાલ્કોએ અમેરિકાના તકનીકી સહયોગથી ઉત્પાદનક્ષમતા વધારવાની યોજના તૈયાર કરી છે. આ સઘળી યોજનાઓ ઍલ્યુમિનિયમ-ઉદ્યોગનું ભાવિ ઉજ્જ્વળ છે તેમ દર્શાવે છે.

ઍલ્યુમિનિયમનો ઉપયોગ (ટકાવારીમાં)
  ઉપયોગ        વિશ્વમાં ભારતમાં
અંકુશ હેઠળ      અંકુશ નાબૂદી પછી
1. મકાનો 22 5 6
2. પરિવહન 24 10 17
3. વપરાશી માલ 5 19 15
4. વિદ્યુત-ઉદ્યોગ 9 52 39
5. પૅકેજિંગ 21 8 8
6. ઇજનેરી સાધનો 6 2 10
7. પરચૂરણ 12 3 5
100 100 100

ઉપરની સારણી નિર્દેશ કરે છે કે વિશ્વમાં ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતમાં ન્યૂનતમ તેમજ પરિવહન અને પૅકેજિંગમાં મહત્તમ છે; જ્યારે ભારતમાં મહત્તમ ઉત્પાદન વિદ્યુત માટે થાય છે. ઍલ્યુમિનિયમ-ઉત્પાદનમાં 35 ટકા ખર્ચ બૉક્સાઇટ તથા 40 ટકા ખર્ચ વિદ્યુતનો હોય છે. ભારતમાં વિદ્યુતની ગણનાપાત્ર ઊંચી કિંમત, અદ્યતન તકનીકીનો અભાવ તેમજ ગ્રાહકની જરૂરિયાતને સમજવાની અશક્તિએ ઉદ્યોગના વિકાસને સીમિત કર્યો છે. અદ્યતન તકનીકી સાથે ગણનાપાત્ર મૂડીરોકાણ, કિફાયત કિંમતે વિદ્યુત-પુરવઠો ભારતના વિશાળ બૉક્સાઇટના જથ્થાનો ઉપયોગ કરી સ્પર્ધાત્મક કિંમતે ઍલ્યુમિના તેમજ ઍલ્યુમિનિયમની વસ્તુઓની નિકાસ માટે પ્રોત્સાહન પૂરાં પાડી શકશે. વિદ્યુતમાં સ્વનિર્ભર નેલ્કોનું ઍલ્યુમિના ઉત્પાદન-ખર્ચ વિશ્વભરમાં નિમ્નતમ છે.

ભારતમાં ઍલ્યુમિનિયમનો માથાદીઠ વપરાશ 0.5 કિલોગ્રામ છે, જ્યારે અમેરિકામાં 30 કિલોગ્રામ અને યુરોપના દેશોમાં 21થી 26 કિલોગ્રામ અંદાજવામાં આવે છે.

199899માં ભારતે 7.23 કરોડ ટન બૉક્સાઇટની નિકાસ કરી હતી; જેમાંથી 2.93 કરોડ ટન ચીન, 2.39 કરોડ ટન યુ.કે. અને 1.90 કરોડ ટન સાઉદી અરેબિયામાં કરી હતી.

જિગીશ દેરાસરી