ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ

January, 2004

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ (Altdorfer, Albrecht) (જ. આશરે 1480, જર્મની; અ. આશરે 12 ફેબ્રુઆરી 1538, જર્મની) : જર્મન રેનેસાંસ ચિત્રકાર અને જર્મન નિસર્ગચિત્રની પ્રણાલીના પ્રણેતા.

ગ્રેકોરોમન કાળ પછી જંગલો, ખડકો, પર્વતો, વાદળો, સૂર્યોદય, સૂર્યાસ્ત તથા ખંડેરોને ચિત્રનો મુખ્ય વિષય બનાવનાર તેઓ પ્રથમ યુરોપીય ચિત્રકાર હતા. આ ઉપરાંત ધાર્મિક ચિત્રોનું પણ તેમણે સર્જન કર્યું; જેમાં ‘પૅશન ઑવ્ ક્રાઇસ્ટ’, ‘મર્ટાયર્ડમ ઑવ્ સેંટ સેબાસ્ટિયન’ તથા ‘ફૉલ ઍન્ડ રિડમ્પશન ઑવ્ મૅન’ શ્રેષ્ઠ છે. આ ચિત્રોમાં ભળભાંખળાના, તારાના તથા મશાલના પ્રકાશમાં ઊભી થતી દૃશ્ય અસરો દર્શાવી શકવાનું સામર્થ્ય તેમણે સિદ્ધ કર્યું છે. તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ‘બૅટલ ઑવ્ ઍલેક્ઝાન્ડર ઍટ ઇસસ’ (1529) ગણાય છે. તેમની બધી જ કૃતિઓમાં અદ્ભુત રસ (fantastic element) છલોછલ જોવા મળે છે.

અમિતાભ મડિયા