ઍલેક્સેઈ ઍલેક્સેયેવિચ ઍબ્રિકોસૉવ (Alexei Alexeyevich Abrikosov) (જ. 25 જૂન 1928, મૉસ્કો, રશિયન એસએફએસઆર, યુ.એસ.એસ.આર.; અ. 29 માર્ચ 2017 પાવો એલ્ટો, કેલિફોર્નિયા, યુ. એસ.) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સંઘનિત (condensed) દ્રવ્ય-ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કરવા બદલ આ પુરસ્કાર મળ્યો હતો.
1948માં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1948થી 1965 દરમિયાન યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિઝિકલ પ્રૉબ્લેમ્સ ખાતે રહીને સંશોધનકાર્ય કર્યું અને 1951માં પ્લાઝ્મામાં ઉષ્મીય વિસરણ(thermal diffusion)ના સિદ્ધાંત માટે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1955માં ફિઝિકલ અને મૅથેમેટિકલ સાયન્સિઝમાં ઉચ્ચ ઊર્જાએ ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ ઉપર મહાનિબંધ આપી પીએચ.ડી. થયા. 1965થી 1988 દરમિયાન લૅન્ડૉવ ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયૉરિટિકલ ફિઝિક્સ(યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝ)માં કાર્ય કર્યું. 1965 સુધી તેઓ મૉસ્કો યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1987થી 1991 દરમિયાન યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સિઝ ખાતે એકૅડેમિશિયન તરીકે સેવાઓ આપી. 1991માં તેઓ રશિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ ખાતે એકૅડેમિશિયન થયા.
1952માં તેમણે શોધી કાઢ્યું કે અતિવાહક(super conductor)માં કેવી રીતે ચુંબકીય ફ્લક્સ પસાર થાય છે. આ ઘટનાને ટાઇપ-II અતિવાહકતા કહે છે અને તેની સાથે મળતી ચુંબકીય ફ્લક્સ રેખાઓની ગોઠવણીને ઍબ્રિકોસૉવ ભ્રમિલ જાલક (vortex lattice) કહે છે.
1991માં ઍૅબ્રિકોસૉવે ઇલિનૉઇમાં ઍરગૉન નૅશનલ લૅબોરેટરી ખાતે મટીરિયલ સાયન્સ ડિવિઝન ખાતે કાર્ય કર્યું. ઍરગૉન મટીરિયલ્સ સાયન્સ ડિવિઝનના સંઘનિત દ્રવ્ય-સિદ્ધાંત જૂથમાં તેઓ ઍરગૉન વિશિષ્ટ વિજ્ઞાની તરીકે હતા. અહીં તેમનું સંશોધન ચુંબકીય અવરોધ(magneto resistance)ના ઉદગમ ઉપર કેન્દ્રિત થયેલું છે.
તેઓ રશિયા અને યુ.એસ. એમ બંનેના નાગરિક હતા. તેમને 1966માં લેનિન પ્રાઇઝ, 1972માં ફ્રિટ્ઝ લંડન મેમોરિયલ પ્રાઇઝ, 1982માં યુ.એસ.એસ.આર. સ્ટેટ પ્રાઇઝ અને 1989માં લૅન્ડૉવ પ્રાઇઝ મળ્યું હતું. 1991માં સોની કૉર્પોરેશનનો જ્હૉન બાર્ડીન ઍવૉર્ડ તેમને મળ્યો. તેઓ લંડનની રૉયલ એકૅડેમીના સભ્ય અને અમેરિકન ફિઝિકલ સોસાયટીના ફેલો તરીકે રહી ચૂક્યા હતા. તેઓ નિમ્ન તાપમાને દ્રવ્ય કેવી રીતે વર્તે છે તેના ઉપર કાર્ય કર્યું છે..
પ્રહલાદ છ. પટેલ