ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana) (જ. 31 મે 1948, પશ્ચિમ યુક્રેન) : 2015નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બેલારુસનાં મહિલા સાહિત્યકાર. તેઓ પત્રકાર અને નિબંધકાર પણ છે.
સોવિયેત રિપબ્લિક ઑવ્ યુક્રેનમાં જન્મેલાં સ્વેતલાનાનાં માતા યુક્રેનિયન અને પિતા બેલારુસિયન હતાં. સ્વેતલાનાના જન્મસમયે તેઓ સોવિયેત આર્મીમાં સેવા આપતા હતા. તેમની સેવા સમાપ્ત થતાં પરિવાર બેલારુસના સોવિયેત રિપબ્લિકમાં સ્થાયી થયો. ત્યાં તેમનાં માતાપિતાએ શિક્ષક તરીકે કાર્ય કર્યું. સ્વેતલાનાનું બાળપણ પણ ત્યાં જ વીત્યું. શાળાના ભણતર બાદ તેમણે સ્થાનિક સમાચારપત્રોમાં સંવાદદાતા (રિપોર્ટર) તરીકે કાર્ય કર્યું હતું. મિન્સ્કની લેનિન યુનિવર્સિટી(હવે બેલારુસિયન રાજ્ય યુનિવર્સિટી)માં તેમણે 1972 સુધી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્થાનિક અખબારના કાર્ય સાથે શિક્ષક તરીકે પણ કામ કર્યું. એક વર્ષ પછી તેઓ મિન્સ્કમાં લૅન્ડ અખબારમાં કાર્યરત થયાં અને 1976માં તેઓ સાહિત્યિક સામયિક ‘નિયૉમાન’/ ‘નેમાન’માં પત્રકાર તરીકે જોડાયાં. ઈ. સ. 2000માં તેમણે બેલારુસ છોડ્યું. તે પછી તેઓ પૅરિસ, ગોથેનબર્ગ અને બર્લિનમાં રહ્યાં. 2011માં તેઓ મિન્સ્કમાં પાછાં આવ્યાં.
સ્વેતલાનાનું બાળપણ બીજા વિશ્વયુદ્ધના ઓછાયામાં વીત્યું હતું. ત્યાંના અનેક પુરુષો તો યુદ્ધભૂમિમાં હોમાઈ ગયા હતા. તેમનું ગામ પ્રિયજનોની સ્મૃતિમાં શોકમય જીવન જીવતાં સ્ત્રી–બાળકોનું ગામ જ બની ગયું હતું. સાંજે ગામની સ્ત્રીઓ ગામને પાદર જતી, દુઃખોની વાતો કરતી. આ વેદનાભરી વાતો સ્વેતલાના સાંભળતી-સહાનુભૂતિથી. સમય જતાં આ બધાંનો પ્રભાવ તેમનાં લખાણો પર પડ્યો. સ્ત્રીઓની વ્યથા તેનાં લખાણમાં અભિવ્યક્ત થવા માંડી. તેઓ પત્રકાર, તંત્રી અને શિક્ષક તરીકે પોતાની ફરજો બજાવતાં હતાં. આથી સોવિયેત સંઘ અને બેલારુસની સામ્યવાદી સરકારની ટીકાઓ તેઓ કરી શકતાં હતાં. પોતાના યુદ્ધવિરોધી અને શાંતિપરસ્ત અવાજને આંચ ન આવે તે માટે તેઓ અન્ય દેશોમાં પણ જતાં.
યુદ્ધની દારુણ સ્થિતિમાં લોકો કેવી રીતે જીવતા હતા તે માટે તેમણે હજારો લોકોની અને ખાસ તો સ્ત્રીઓની અંગત મુલાકાતો લીધેલી. કાળજું કંપાવી નાંખે તેવા અનુભવો લોકો પાસેથી તેમણે સાંભળેલા. ને પછી લોકોના જ શબ્દોમાં તેમણે તે અનુભવો આલેખ્યા. યુદ્ધને તેમણે સ્ત્રી અને બાળકની નજરે–સંવેદનાસભર રીતે નિરૂપ્યું છે. એ રીતે સંવેદનાનું નવું જ વિશ્વ એમનાં લખાણોમાં રજૂ થયું છે.
સ્વેતલાનાનું પુસ્તક ‘War’s unwomanly face’ (‘વૉર્સ અનવુમનલી ફેસ’) 1983માં પૂરું થયેલું. પ્રકાશિત થયું 1985માં. બહુ ઝડપથી તેની લાખો નકલો વેચાઈ ગઈ. તેના પરથી દસ્તાવેજી ફિલ્મ પણ બની. તે સોવિયેત સાહિત્યિક માસિક ‘Oktyabr’માં પ્રકરણવાર છપાતું હતું, 1984માં તે રીતે તેમાં પ્રકાશિત થયું. 1985માં તે પુસ્તક આકારે પ્રકાશિત થયું. છેલ્લે તો તેની 2,00,000 નકલો છપાયાનો ઉલ્લેખ છે. 1986માં બનેલ ચર્નોબિલ અણુભઠ્ઠીની દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો વિશે, તેમનાં સ્વજનો પાસેથી તેમના અનુભવો જાણી, તેને વૉઇસ ઑવ્ ચર્નોબિલમાં બહુ જ સંવેદનાભરી રીતે આલેખ્યા. લોકોની લાગણીઓ અને સંવાદોમાંથી તેમણે સાહિત્ય રચ્યું છે. એ રીતે દટાયેલી વરવી વાસ્તવિકતાની તેમણે જગતને જાણકારી આપી. તેમની પાસેથી બાળકોનાં યુદ્ધ સમયનાં સ્મરણોને આલેખતું પુસ્તક વાર્તા રૂપે મળ્યું છે : ‘The last Witness : the Book of unichildlike’. આ ઉપરાંત પણ તેમની પાસેથી બીજાં અનેક પુસ્તકો મળ્યાં છે. 2013માં ‘Second-hand Time’ નામનું પુસ્તક મળ્યું છે. આ બધાં પુસ્તકોને કારણે તેઓ બેલારુસ સિવાયના જગતમાં જાણીતાં બન્યાં. પત્રકારત્વમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં તેઓ પ્રથમ મહિલા છે.
તેઓ કહે છે : ‘વાસ્તવિકતા મને હંમેશાં લોહચુંબકની જેમ આકર્ષે છે. મારી આંખે જોયેલી અને કાને સાંભળેલી વાતને મેં શબ્દોમાં મૂકી છે. માનસિક અને સંવેદનાથી તે બધું સમજીને લખ્યું છે…આ અર્થમાં હું એકસાથે લેખિકા, સંવાદદાતા, સમાજશાસ્ત્રી, મનોચિકિત્સક અને ઉપદેશક બની છું.’
તેમને લગભગ 26 જેટલા પુરસ્કારો, ઍવૉર્ડૉ મળ્યા છે. તેઓ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. તેમણે અનેક સ્થળે વ્યાખ્યાનો આપ્યાં છે. તેમનાં પુસ્તકો અનેક ભાષાઓમાં પણ પ્રકટ થયાં છે. 26 ઑક્ટોબર, 2019માં તેઓ બેલેરુશિયન પેન સેન્ટરનાં ચૅરમૅનપદે ચૂંટાયાં છે.
તેમના સાહિત્યમાં ટૂંકી વાર્તા, નિબંધો, લેખો વગેરેમાં – અગાઉ ન દર્શાવાયેલી યુદ્ધની છબી બહુ જ વાસ્તવિક રીતે ઝિલાઈ છે. તેમનાં લખાણોમાં સંવેદના છે અને સરેરાશ રશિયનના આત્માનો ધબકાર એમાં સંભળાય છે.
શ્રદ્ધા ત્રિવેદી