ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ (ઈ. પૂર્વે આશરે 260-180) : ગ્રીક વિવેચક, કોશકાર તથા વૈયાકરણ. મોટા ભાગનું જીવન ઍૅલેક્ઝાન્ડ્રિયામાં વિતાવ્યું. તે જમાનાના મહાન વિદ્વાનો પાસે શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 195ના અરસામાં તે ઍલેક્ઝાન્ડ્રિયાના સુવિખ્યાત ગ્રંથાલયના પ્રમુખ ગ્રંથપાલ નિમાયા હતા. આ ગ્રંથાલય મહાન સિકંદરના સેનાપતિ તથા તે પછી ઇજિપ્તના રાજા (ઈ. પૂ. 323-285) ટોલેમી પ્રથમ (ઈ. પૂ. 367/366-283/282) દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. તેમણે હોમર, હેસિયોડ અને પ્લેટો જેવા ગ્રીક કવિઓ, નાટકકારો તથા દાર્શનિકોની રચનાઓનું સંપાદન કરીને તેની સમાલોચનાત્મક આવૃત્તિઓ તૈયાર કરી હતી. વૈયાકરણ હોવાને નાતે તેમણે ગ્રીક ભાષાના વિશિષ્ટ શબ્દો, પારિભાષિક સંજ્ઞાઓ તથા જનોક્તિઓ તથા લોકોક્તિઓનાં સંગ્રહો તૈયાર કર્યા હતા, ગ્રીક ભાષાના સ્વરભાર (accents) તારવી બતાવ્યા હતા, વિભક્તિ રૂપાખ્યાન(declension)ની નિયમાવલી બનાવી હતી તથા છંદના વિશ્લેષણમાં તથા પાઠ-આલોચના (textual criticism) પરત્વે નવા ઉપક્રમો દાખલ કર્યા હતા. આમાંથી ઘણા ઉપક્રમોનું પછીના વિદ્વાનોએ વ્યાપક અનુકરણ કર્યું હતું. કોશકાર હોવાને નાતે તેમણે સુવિખ્યાત ગ્રંથકારોની ગ્રંથસૂચિ (canon) તૈયાર કરી હતી. ‘એબાઉટ ઍનૅલૉજી’ નામનો મીમાંસાગ્રંથ પણ તેમણે આપ્યો છે. ગ્રીક સાહિત્યના ચરિત્રાત્મક ઇતિહાસનું પુન: સંસ્કરણ કરવાનો તથા તે કાર્ય ચાલુ રાખવાનો જશ પણ તેમને ફાળે જાય છે. વિવેચનના ક્ષેત્રમાં તેમણે નવી ભાત પાડી હતી, જેમાંથી એક નવો સંપ્રદાય (school) ઊભો થયો હતો. ઉપરાંત, પ્રાણીશાસ્ત્ર, ઍથેન્સની રૂપજીવિનીઓ વગેરે વિશે પણ તેમણે લખ્યું છે.
તેમણે તૈયાર કરેલાં પ્રાચીન ગ્રીક કૉમેડીના પ્રસિદ્ધ નાટ્યકાર ઍરિસ્ટૉફનીઝ(ઈ. પૂ. આશરે 450385)ની નાટ્યકૃતિઓનાં સંક્ષિપ્ત કથાનકો તથા વિવેચનો પણ ઉપલબ્ધ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે