ઍમેઝોન : દ. અમેરિકા ભૂમિખંડની બ્રાઝિલમાં આવેલી, સૌથી વિશેષ જળજથ્થો ધરાવતી નદી. આ નદી દ. અમેરિકા ભૂમિખંડની પશ્ચિમે આવેલી એન્ડિઝ ગિરિમાળામાંથી નીકળે છે અને ગિયાના અને બ્રાઝિલના ઉચ્ચપ્રદેશોની વચ્ચે વહીને આટલાન્ટિક મહાસાગરને મળે છે. તેની અનેક શાખા-પ્રશાખાઓ દ્વારા થયેલા ઘસારાથી આ બંને ઉચ્ચપ્રદેશો કોતરાઈ ગયા છે. તેમની વચ્ચે પૂર્વ તરફ ઢળતાં મેદાનો રચાયાં છે. આ મેદાનો ‘ઍમેઝોન થાળા’ (basin) તરીકે ઓળખાય છે. લગભગ 39,00,000 ચોકિમી. વિસ્તારને આવરી લેતા ઍમેઝોન થાળાનું સ્થાન વિષુવવૃત્ત પર આવેલું હોવાથી અહીં લગભગ બારે માસ વરસાદવાળી તેમજ નિરંતર ગરમ અને ભેજવાળી આબોહવા રહે છે. આ પ્રકારની આબોહવા ગાઢ ઉષ્ણકટિબંધીય જંગલોને વધુ માફક આવે છે. અહીં બારે માસ સરેરાશ તાપમાન 290 સે. જેટલું રહે છે તથા સરેરાશ 1,300 સેમી. જેટલો વરસાદ પડે છે.

વિશાળ અને ઊંડા જળપ્રવાહને કારણે
વહાણવટા માટે ઍમેઝોન નદીનો થતો ઉપયોગ

ઍમેઝોન નદી લગભગ 6,437 કિમી. જેટલી લાંબી છે અને દુનિયાની લાંબામાં લાંબી નદીઓમાં તે નાઈલ પછી બીજું સ્થાન ધરાવે છે. એન્ડિઝની તળેટીથી તે પૂર્વ તરફ આવે છે ત્યારે તે દર કિલોમિટરે એક સેન્ટિમિટર જેટલી નીચે ઊતરતી જાય છે અને મેદાનોમાં તે સામાન્ય રીતે દર કલાકે લગભગ 2.5 કિમી.ના ધીમા વેગથી વહે છે. પણ જ્યારે તેમાં પૂર આવે છે ત્યારે તેનો વેગ ઘણો જ વધી જાય છે.

જળપરિવાહ-પ્રણાલીની ર્દષ્ટિએ જોતાં ઍમેઝોન નદી દુનિયાની સૌથી વિશાળ નદી ગણાય છે. એન્ડિઝ ગિરિમાળા ઉપરાંત તેને ગિયાનાના ઉચ્ચપ્રદેશ અને બ્રાઝિલના ઉચ્ચપ્રદેશમાંથી લગભગ 1,100 જેટલી શાખાનદીઓ તેમજ સેંકડો ઝરણાં મળે છે. તેની સાત સહાયક નદીઓ તો 1,500 કિમી.થી પણ વધુ લંબાઈ ધરાવે છે. આ પૈકીની બોલિવિયાના ઉચ્ચપ્રદેશમાંથી ઉદભવતી મદીરા (madeira) નદી સૌથી વધુ લાંબી છે. સામાન્ય સંજોગોમાં ઍમેઝોન નદી 1.6થી 3.2 કિમી.ની પહોળાઈ ધરાવે છે, પણ જ્યારે તેમાં પૂર આવે ત્યારે તેની પહોળાઈ 6 કિમી. કે તેથી પણ વધારે થાય છે. કેટલીક વાર તેનાં પૂરનાં પાણી સર્વોચ્ચ સપાટીએ હોય છે ત્યારે કેટલાંક સ્થાનોએ તો તે સેંકડો કિલોમિટરની પહોળાઈમાં વહે છે અને હજારો ચોરસ કિલોમિટર ધરાવતા જંગલ-આચ્છાદિત પ્રદેશમાં તેનાં પાણી ફરી વળે છે.

ઍમેઝોન નદીનું મુખ લગભગ 275 કિમી. જેટલું પહોળું છે. એક અંદાજ મુજબ તે તેના મુખ દ્વારા દર સેકન્ડે સરેરાશ 99,000 ઘનમીટર પાણી અને 24 કલાકમાં સરેરાશ 28,30,000 ઘનમીટર કાંપ આટલાન્ટિક મહાસાગરમાં ઠાલવે છે. વળી દુનિયાના વહેતા મીઠા પાણીનો લગભગ 1/5 ભાગનો જથ્થો ધરાવતી આ નદી આટલાન્ટિક મહાસાગરમાં વિપુલ પ્રમાણમાં મીઠા પાણીનો ઉમેરો કરે છે તેથી તેના મુખથી આટલાન્ટિકમાં લગભગ 300 કિમી. સુધીનાં ખારાં સમુદ્રજળ મીઠાં બની જાય છે.

શુષ્ક ઋતુ અને વર્ષા ઋતુમાં ઍમેઝોન નદીના વહેતા જળની સપાટીનો તફાવત ખાસ્સો મોટો હોય છે. તેના મુખથી લગભગ 1,600 કિમી. ઉપરવાસમાં આવેલા મૅનોસ પાસે આ તફાવત 18 મીટર જેટલો રહે છે. તેમ છતાં જળપરિવહનની ર્દષ્ટિએ જોતાં ઍમેઝોન તથા તેની સહાયક નદીઓ ઘણી અગત્યની છે. પૂર આવે છે ત્યારે આ બધી નદીઓથી બનતા જળમાર્ગોની કુલ લંબાઈ 60,000 કિમી. જેટલી થાય છે. સામાન્ય સંજોગોમાં ઍમેઝોન નદીના મુખથી મૅનોસ સુધી દરિયાઈ જહાજો બારે માસ અવરજવર કરી શકે છે. વળી 4 મીટર ઊંડાં પાણીમાં ફરી શકે તેવાં વહાણો તો તેથી પણ આગળ બીજા લગભગ 2,100 કિમી. પર આવેલા પેરુના નદીબંદર ઇક્વિટોસ સુધી હેરફેર કરી શકે છે, પણ આ પ્રદેશ બ્રાઝિલના આર્થિક રીતે વિકસિત એવાં ક્ષેત્રોથી ઘણો દૂર આવેલો હોવાથી ઍમેઝોન નદીની જળપરિવહન-સેવાઓનો જોઈએ તેટલો લાભ લઈ શકાતો નથી. ઍમેઝોન નદીના સમગ્ર જળમાર્ગમાં બધી મળીને કુલ 2,000 કરતાં પણ વધુ પ્રકારની માછલીઓ મળે છે.

બીજલ પરમાર