અમેરૅન્થેસી (amaranthaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને જ્યૉર્જ બેન્થમ અને જૉસેફ ડાલ્ટન હુકરના વર્ગીકરણ મુજબ ઉપવર્ગ : અદલા (apetalae) અને શ્રેણી : કર્વેમ્બ્રીમાં મૂકવામાં આવ્યું છે. નીકટાજિનેસી, ચીનોપોડિયેસી અને પૉલિગોનેસી તેનાં સહકુળો છે.
તે કુળમાં લાંબડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખ ગાંજો, અઘેડો, ઝીપટો, પાણીની ભાજી અને બટન વગેરે સમાવિષ્ટ છે.
રાજગરો અને તાંદળજો ખાવાના ઉપયોગમાં આવે છે. ગોરખ ગાંજો અને અઘેડો જેવી વનસ્પતિઓ ઔષધિ તરીકે વપરાય છે; તેમ છતાં આર્થિક દૃષ્ટિએ આ કુળનું બહુ મહત્વ ન ગણાય.
આ કુળની વનસ્પતિ એક કે દ્વિ-વર્ષાયુ છોડ છે. સાદાં, અખંડિત રોમથી આચ્છાદિત પર્ણો, શૂકી (spike) કે મુંડક(capitulum)રૂપ પુષ્પવિન્યાસ, ઉભયલિંગી પરંતુ ભાગ્યે જ એકલિંગી (રાજગરામાં) પંચાવયવી(pentamerous), અધોજાયી (hypogynous) અને સૂકાં, પાતળાં, રંગવિહીન નિપત્રો (bracts), અંતે 2 નિપત્રકો (bracteoles) ધરાવતાં પુષ્પો. પાતળા કાગળ જેવાં ફૂલમણિ, વંધ્ય પુંકેસરો અને ફળદ્રૂપ પુંકેસરો એકાંતરિત ગોઠવાયેલાં; સામાન્ય રીતે બધામાં એક જ અંડક ધરાવતું એક જ સ્ત્રીકેસર હોય, પરંતુ લાંબડીમાં અંડકો વધારે. પ્રાવર(capsule)ફળ. ચોમાસામાં પડતર કે શુષ્ક જમીનમાં – ખેતરોમાં સર્વત્ર આ કુળની વનસ્પતિઓ ઊગી નીકળે છે.
ઍમરૅન્થેસીનો મૂળભૂત પુષ્પવિન્યાસ ત્રણ પુષ્પોનો બનેલો દ્વિશાખી છે, જેમાં તે બે પુષ્પો ગુમાવે છે અને ફક્ત નિપત્રિકાઓ રહે છે. આ કારણે હચિનસન આ કુળ માટે કેર્યોફાયલેસિયસ પૂર્વજો સૂચવે છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન