ઍમિટર : વિદ્યુતપ્રવાહ માપવા માટેનું સાધન. વિદ્યુતપ્રવાહના માપનો માનક (unit) ઍમ્પિયર હોવાથી આ સાધનને ઍમિટર કે ઍમ્પિયરમિટર પણ કહે છે. વિદ્યુતપ્રવાહ બે પ્રકારના હોય છે : (i) એક જ દિશામાં વહેતો દિષ્ટ પ્રવાહ direct current – d.c.), (ii) દિશા બદલીને ઊલટ-સૂલટ વહેતો પ્રત્યાવર્તી પ્રવાહ (alternating current – a.c.). તેથી ઍમિટરના પણ બે પ્રકાર હોય છે : (i) ડી. સી. ઍમિટર અને (ii) એ. સી. ઍમિટર.

ઍમિટર

વિદ્યુતપરિપથમાં, શ્રેણીના જોડાણ માટે, સર્કિટના પ્રત્યેક ઘટકમાંથી એકસરખો વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય છે. ઘટકોનાં સમાંતર જોડાણ માટે વિદ્યુતપ્રવાહનું વિભાજન થતું હોય છે. આ કારણે વિદ્યુતપ્રવાહ માપવા માટે ઍમિટરને સર્કિટમાં શ્રેણીમાં જોડવામાં આવે છે; પરંતુ તેને શ્રેણીમાં જોડતાં, પરિપથના કુલ અવરોધના મૂલ્યમાં વધારો થતો હોય છે. તે વધારાને લઈને ઍમિટર વડે માપવામાં આવતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય, તેના સાચા મૂલ્ય કરતાં કાંઈક ઓછું મળે છે. આ મુશ્કેલીના નિવારણ માટે, ઍમિટરના ગૂંચળા સાથે આંતરિક રીતે, લઘુ અવરોધને સમાંતર જોડીને ઍમિટરનો આંતરિક અવરોધ બને તેટલો ઓછો કરવામાં આવે છે. સમાંતર જોડેલા લઘુ અવરોધને ‘શન્ટ’ કહે છે. સૈદ્ધાંતિક રીતે ઍમિટરનો અવરોધ શૂન્ય હોવો જોઈએ, પરંતુ વાસ્તવમાં તે શક્ય નથી.

ડી. સી. ઍમિટરના છેડા (terminal) પર +નું ચિહન દર્શાવેલું હોય છે. બૅટરી અથવા ડી. સી. સ્રોતના ધન (+ve) ધ્રુવને તેની સાથે જોડવામાં આવે તો જ ઍમિટર કામ આપે છે અને તેનો દર્શક, સ્કેલ પર ખસીને વિદ્યુતપ્રવાહનું વાચન આપે છે. આ પ્રકારના ઍમિટરના સ્કેલ ઉપરનાં અંકનો વચ્ચેનું અંતર એકસરખું હોય છે.

એ.સી.માં નિયમિત રીતે મૂલ્ય તથા દિશા બદલાતાં રહે છે. વીજપ્રવાહ શૂન્યથી વધી, મહત્તમ થઈ, ફરી પાછો શૂન્ય બને છે. ત્યારબાદ તેની દિશા ઊલટાઈ જઈને ફરી પાછો વિરુદ્ધ દિશામાં મહત્તમ (એટલે લઘુતમ) થઈ, શૂન્ય બને છે. આવા ફેરફારની ઘટમાળને એ.સી.ની એક ‘સાઇકલ’ કહે છે. ભારતમાં 50 સાઇકલ પ્રતિસેકન્ડ(cycles per second – cps)નો એ.સી. છે. તેનો અર્થ એ થયો કે એક સેકન્ડમાં 50 વખત એ.સી. મહત્તમ થઈને દિશા બદલીને 50 વખત લઘુતમ બનીને વચ્ચે વચ્ચે શૂન્ય પણ થતો હોય છે. સંજ્ઞામાં તેને 50~ વડે દર્શાવવામાં આવે છે. સાઇકલ માટેનું ચિહન 50~ છે.

એ.સી.ની એક પૂર્ણ સાઇકલ માટે વિદ્યુતપ્રવાહનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે. તેથી સામાન્ય ઍમિટર વડે તે માપી શકાતો નથી. તેવા વિદ્યુતપ્રવાહ(1)નો વર્ગ લેતાં, એ.સી.ની એક પૂર્ણ સાઇકલ માટે

અહીં, Io = એ.સી.નું મહત્તમ મૂલ્ય છે;

પ્રભાવી (effective) Ieff કે Irms (root – meansquare) મૂલ્ય કહે છે. Io એ.સી.ને અનુરૂપ ડી.સી.નું મૂલ્ય  છે. તેથી એ.સી. ઍમિટરને સીધેસીધું જ Irmsના મૂલ્યમાં અંકિત કરવામાં આવે છે. આ કારણે તેના સ્કેલ પરનાં અંકનો એકસરખા અંતરે અંકિત કરેલાં હોતાં નથી. શરૂઆતમાં તેમની વચ્ચેનું અંતર ઓછું અને ત્યારપછી વધતું હોય છે. એ.સી.માં વિદ્યુતપ્રવાહની દિશા અનેક વખત બદલાતી હોવાથી, એ.સી. ઍમિટરના જોડાણ માટે ડી.સી.ની જેમ (+) ચિહનની જરૂર હોતી નથી.

એરચ મા. બલસારા