ઍબિંગહૉસ હરમાન (જ. 24 જાન્યુઆરી 1850, બર્ગેન; અ. 26 ફેબ્રુઆરી 1909, હેલે) : વિખ્યાત જર્મન મનોવૈજ્ઞાનિક. સ્મરણ અને વિસ્મરણ અંગે પ્રથમ પ્રાયોગિક અભ્યાસ માટે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા હરમાન ઍબિંગહૉસે જર્મનીની હેલે અને બર્લિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1873માં હાર્ટમેનના અચેતન મનના તત્ત્વજ્ઞાન ઉપર શોધનિબંધ તૈયાર કરીને પીએચ.ડી.ની ઉપાધિ તેમણે બૉન યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછીનાં સાતેક વર્ષ તેમણે સ્વતંત્ર અભ્યાસમાં ગાળ્યાં હતાં. 1875 પછીનાં ત્રણ વર્ષ દરમિયાન તેમણે ફ્રાંસની અને ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી. ફ્રાંસના તેમના નિવાસ દરમિયાન પૅરિસની જૂનાં પુસ્તકોની એક દુકાનમાંથી તેમને ફેકનરનું પુસ્તક ‘એલિમેન્ટ્સ ઑવ્ સાઇકોફિઝિક્સ’ મળી આવ્યું. સંવેદનોનો મનોભૌતિક પદ્ધતિથી અભ્યાસ કરવાની ફેકનરની રીતથી ઍબિંગહૉસ પ્રભાવિત થયા અને સ્મરણ જેવા ઉચ્ચ મનોવ્યાપારોનો અભ્યાસ કરવા માટે પણ આવી જ પદ્ધતિ પ્રયોજવાનું તેમને ઉચિત જણાયું. 1880માં તેમણે બર્લિન યુનિવર્સિટીમાં ‘પ્રાઇવેટ ઇન્સ્ટ્રક્ટર’ તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. 1885માં જર્મન ભાષામાં તેમણે સ્મરણના પ્રાયોગિક સંશોધન અંગે એક પુસ્તક પ્રકાશિત કર્યું તેનું અંગ્રેજી શીર્ષક છે : ‘મેમરી : એ કૉન્ટ્રિબ્યૂશન ટુ એક્સ્પેરિમેન્ટલ સાઇકૉલૉજી’. 1886થી 1894 સુધી બર્લિન યુનિવર્સિટીમાં અને 1894થી 1905 સુધી બ્રેસલો યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપક તરીકે સેવા આપી. 1905માં હેલે યુનિવર્સિટીમાં જોડાયા. તેમણે બીજાં ઘણાં પુસ્તકો દ્વારા મનોવિજ્ઞાનમાં મહત્વનું યોગદાન કર્યું છે.
સ્મૃતિના પ્રાયોગિક અભ્યાસ માટે તેમણે એક સ્વર અને બે વ્યંજનોના સંયોજનવાળાં અર્થવિહીન પદો બનાવ્યાં; જેમ કે, zat, bok, sid વગેરે. તેમણે પોતે લગભગ 2,300 જેટલાં આવાં અર્થવિહીન પદો બનાવ્યાં. બે વ્યંજનોની વચમાં એક સ્વર એ રીતે બનાવેલાં આવાં અર્થવિહીન પદોની સામગ્રીની તેમણે નાનીમોટી યાદીઓ બનાવી અને પોતે જાતે જ પ્રયોગપાત્ર બનીને જુદે જુદે તબક્કે આ યાદીઓનો ઉપયોગ કરીને સ્મરણ અને પુન:સ્મરણ અંગે પ્રાયોગિક અભ્યાસો શરૂ કર્યા. આવી યાદીઓમાંથી ગમે તે યાદી પસંદ કરીને તેનો ભૂલ વગર મુખપાઠ કરવામાં કેટલાં પુનરાવર્તનોની જરૂર પડે છે તેની તેમણે નોંધ રાખી અને થોડા દિવસ પછી એની એ જ સામગ્રી ફરી વખત યાદ રાખવામાં કેટલાં પુનરાવર્તન જરૂરી છે તેની પણ તેમણે નોંધ કરી. પરિણામે જાણવા મળ્યું કે એક વાર મુખપાઠ કરેલી સામગ્રીને ફરી વાર યાદ કરવામાં પહેલા કરતાં ઓછાં પુનરાવર્તનોની જરૂર પડે છે.
આ સંદર્ભમાં તેમણે લાંબા સમય માટે પણ એક અભ્યાસ કર્યો હતો. બાયરનના ‘ડૉન વૉન’ના કેટલાક ફકરા કંઠસ્થ કર્યા પછી લગભગ બાવીસ વર્ષે તેમણે ફરીવાર તેને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કર્યો અને તેમાં પણ તેમણે જોયું કે મૂળ શાબ્દિક સામગ્રીને ફરીથી યાદ કરતી વખતે પહેલી વાર યાદ કરેલી તેના કરતાં ઓછો સમય જાય છે.
ઍબિંગહૉસના અભ્યાસોએ એ પણ દર્શાવ્યું કે યાદ રાખવા માટેની સામગ્રી જેમ લાંબી તેમ તેને યાદ રાખવા માટે પુનરાવર્તનોની આવશ્યકતા વધારે હોય છે; દા. ત., 4 પંક્તિવાળી કવિતા કંઠસ્થ કરવામાં જેટલાં પુનરાવર્તનોની જરૂર પડે તેના કરતાં 12 પંક્તિવાળાં કાવ્યોનો પૂરેપૂરો મુખપાઠ કરવા માટે ઘણાં વધુ પુનરાવર્તનોની જરૂર પડે. તેવી જ રીતે 7 અર્થવિહીન શબ્દોની યાદીનો પૂરેપૂરો મુખપાઠ કરવા માટે એક જ પુનરાવર્તન પૂરતું છે, જ્યારે તેવાં 16 પદોવાળી યાદી પૂરેપૂરી યાદ રાખવામાં 30 પુનરાવર્તનોની અને 36 પદો માટે તો 55 પુનરાવર્તનોની જરૂર પડે છે. રસપ્રદ પરિણામ એ છે કે 7 અર્થવિહીન શબ્દો કરતાં 36 તેવા શબ્દો પાંચ ગણા હોવા છતાં 7 શબ્દો માટે માત્ર એક જ પુનરાવર્તન, પણ 36 શબ્દો માટે 55 પુનરાવર્તનો જરૂરી બને છે.
આ ઉપરાંત ઍબિંગહૉસે જોયું કે અર્થવિહીન સામગ્રી કરતાં અર્થયુક્ત સામગ્રી નવગણી વધારે ઝડપથી શીખી શકાય છે; દા. ત., બાયરનના ‘ડૉન વૉન’ના 80 અર્થયુક્ત શબ્દો યાદ રાખવા માટે 9 વાચન જરૂરી બને છે; પરંતુ કોઈ પણ 80 અર્થવિહીન શબ્દોને યાદ રાખવામાં 70થી 80 પુનરાવર્તનોની જરૂર પડે છે ! આ બધા અભ્યાસોમાં, મુખપાઠ એટલે યાદ રાખવા માટેની સામગ્રીનું ભૂલ વગર એક વખત પૂરેપૂરું પુનરાવર્તન એવો અર્થ લેવામાં આવ્યો છે. યાદ રાખેલી સામગ્રીનું સમય જતાં વિસ્મરણ થાય છે તે બાબત અંગે પણ ઍબિંગહૉસે અભ્યાસ કર્યો છે. ઍબિંગહૉસના કહેવા મુજબ, યાદ કર્યા પછીના તરતના ગાળામાં વિસ્મરણ ખૂબ ઝડપથી થાય છે, પણ પછી વિસ્મરણ ધીમું પડી જાય છે. ઍબિંગહૉસે જોયું કે યાદ કર્યાના 24 કલાક પછી સામગ્રીના ત્રીજા ભાગનું, છ દિવસ પછી તેના ચોથા ભાગનું અને એક માસ પછી તેના પાંચમા ભાગનું તો યાદ રહેતું જ હોય છે. ઍબિંગહૉસે દર્શાવેલા ‘વિસ્મરણના વક્ર’(curve of forgetting)ને મનોવિજ્ઞાનમાં તેમના મહત્વના યોગદાન તરીકે ગણાવવામાં આવે છે. આ ઉપરાંત, તે ‘ઍબિંગહૉસ પૂર્તિ કસોટી’ માટે પણ જાણીતા છે. એ પ્રકારની કસોટીઓનો ઉપયોગ માનસિક શક્તિઓ માપવાનાં ક્ષેત્રોમાં થાય છે.
ઍબિંગહૉસના સમયમાં ચિંતનાત્મક તત્વજ્ઞાનના ક્ષેત્રમાંથી મનોવિજ્ઞાનને પ્રાયોગિક વિજ્ઞાન તરીકે સ્થાપવાના પ્રયત્નો થતા હતા અને તે સંદર્ભમાં ઍબિંગહૉસના પ્રદાનનો વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે : (1) પ્રચલિત અંતર્નિરીક્ષણની પદ્ધતિને સ્થાને વસ્તુલક્ષી પ્રયોગપદ્ધતિના ઉપયોગની આવશ્યકતા તેમણે દર્શાવી; (2) ઉચ્ચ માનસિક વ્યાપારોને પ્રાયોગિક પદ્ધતિથી સમજી શકાય તેવું સ્વીકારવા પણ જ્યારે ઘણા તૈયાર ન હતા તેવા સમયમાં સ્મૃતિ જેવા ઉચ્ચ મનોવ્યાપારોનો વસ્તુલક્ષી, પ્રાયોગિક અને આંકડાકીય અભ્યાસ થઈ શકે છે તેવું તેમણે સફળતાપૂર્વક દર્શાવ્યું; (3) અર્થવિહીન પદોની મદદથી સ્મૃતિ અંગેના પ્રાયોગિક અભ્યાસને તેમણે વધુ વસ્તુલક્ષી, ચોકસાઈવાળો અને વિશ્વસનીય બનાવ્યો; અને (4) શાબ્દિક શિક્ષણના ક્ષેત્રે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું એક નવું ક્ષેત્ર તેમણે ખોલ્યું. જર્મન પરંપરામાં, તેમણે સંવેદનને સ્થાને સ્મૃતિનો અભ્યાસ શરૂ કર્યો.
ઍબિંગહૉસની પ્રયોગયોજનામાં કેટલીક નબળાઈઓ અને ખામીઓ દર્શાવવામાં આવી છે. પોતાની જાત ઉપરના પ્રયોગોની કેટલીક નબળાઈઓ તો સ્વયંસ્પષ્ટ છે. પરંતુ તે ઉપરાંત કેટલાક પરિવર્ત્યો(variables)ના નિયંત્રણ અંગે પણ ઍબિંગહૉસની પદ્ધતિમાં જોગવાઈ હતી નહિ; પરંતુ મહત્વની બાબત એ છે કે પ્રાયોગિક રીતે ઉચ્ચ મનોવ્યાપારોનો અભ્યાસ થઈ શકે છે તેવું પ્રસ્થાપિત કરવું એ પણ તે યુગમાં એક મહત્વની સિદ્ધિ ગણાતી હતી. તે ગાળામાં સંશોધકોને નવાં ક્ષેત્રોમાં નવી પદ્ધતિઓ અજમાવીને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા જણાતી હતી અને તે સંદર્ભમાં ઍબિંગહૉસ જરૂર સફળ થયા હતા.
શાંતિલાલ છ. કાનાવાલા