ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર) (જ. 6 સપ્ટેમ્બર 1892, બ્રેડફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1965, એડિનબર્ગ, સ્કોટલેન્ડ, યુ. કે.) : વિખ્યાત ભૌતિકશાસ્ત્રી. આયૉનોસ્ફિયરના ઍપલટન તરીકે જાણીતા સ્તરની શોધ માટે 1947માં તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ સ્તર રેડિયોતરંગોનું આધારભૂત પરાવર્તક છે અને તેથી સંદેશાવ્યવહારમાં ઉપયોગી છે. આયૉનૉસ્ફિયરના બીજા સ્તર રેડિયોતરંગોનું દિવસના તાપમાન અને સમયને અનુલક્ષીને છૂટુંછવાયું પરાવર્તન કરે છે.
સેન્ટ જ્હૉન્સ કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ કરી, ઍપલટને 1920થી કેવેન્ડિશ લેબૉરેટરીમાં કાર્ય કર્યું અને 1924માં કિંગ્સ યુનિવર્સિટી, લંડનમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. ત્યાં વીજચુંબકીય તરંગોનો પ્રસાર કરવાથી અને આયૉનોસ્ફિયરની લાક્ષણિકતાઓ વિશેનાં તેમનાં સંશોધનોથી તેમણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેમણે દર્શાવ્યું કે આયૉનોસ્ફિયરના નીચેના વિભાગને ભેદતા નાની તરંગલંબાઈના રેડિયોતરંગો ઉપરના વિભાગમાં પરાવર્તિત થાય છે. આ ઉપરનો વિભાગ ઍપલટન સ્તર કે F વિભાગ તરીકે હવે ઓળખાય છે. આ શોધથી લાંબા અંતરના રેડિયોસંદેશા વધુ વિશ્વસનીય છે એમ સ્વીકારાયું અને રડારના વિકાસમાં પણ મદદ થઈ.
1936માં તેઓ કેમ્બ્રિજમાં નેચરલ ફિલૉસૉફીના જેક્સોનિયન પ્રોફેસર તરીકે ફરીથી નિમાયા અને 1939માં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનના સરકારી ખાતાના સચિવ થયા. ત્યાં તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રડાર અને અણુબૉંબ વિશે કાર્ય કર્યું. 1941માં તેમને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો અને 1949માં તેઓ એડિનબરો યુનિવર્સિટીના વાઇસચાન્સેલર થયા હતા.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ