ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન (1925-1940) : રશિયાના પ્રશિષ્ટ નવલકથાકાર મિખાઇલ ઍલેક્ઝાન્ડ્રૉવિચ શૉલોખૉવ (1905-1984) કૃત મહાનવલ. 1,500થી વધુ પૃષ્ઠમાં તે રશિયાની ડૉન નદીના કાંઠાના પ્રદેશની કોઝાક પ્રજાની વિશિષ્ટ ખાસિયતોનું યથાર્થ આલેખન કરે છે. અકિસન્યા આસ્તાખોવા અને ગ્રેગરી મેલેખોવના વેદનાપૂર્ણ છતાં મધુર પ્રણયજીવનની આ કથા છે. શાંતિ, પ્રથમ વિશ્વયુદ્ધ, મહાન રશિયન ક્રાંતિ અને આંતરિક યુદ્ધના ઇતિહાસની પાર્શ્વભૂમિમાં આ કથા આલેખાયેલી છે. મૅક્સિમ ગૉર્કીએ તૉલ્સ્તૉયની મહાનવલ ‘યુદ્ધ અને શાંતિ’ સાથે આ કૃતિની તુલના કરી છે. ડૉન પ્રદેશની સરળ કોઝાક ખેડૂત સ્ત્રીનું વ્યક્તિત્વ સમૃદ્ધિ અને માનવતાની ર્દષ્ટિએ તેજસ્વી અને ભવ્ય લાગે છે. ગ્રેગરી મેલેખૉવ વિરોધાભાસોથી ભરેલો છે. ઝારશાહીના અંતને એ આવકારે છે, પણ મધ્યમ ખેડૂતની જમીનમાલિકીના અંતનો એ વિરોધી છે. ક્રાંતિના વિરોધીઓ સામેના સંગ્રામમાં એ ક્રાંતિકારોના પક્ષે રહે છે અને આંતરિક યુદ્ધના સમયમાં એ વિરોધી છાવણીમાં સામેલ થઈ જાય છે. અનુભૂતિ અને સંવેદનની સચ્ચાઈ આ નવલકથાનું કેન્દ્રવર્તી લક્ષણ છે.
શૉલોખૉવે આ નવલકથા લખવાનો આરંભ 1925માં કર્યો. 1940માં ચોથા ખંડના પ્રકાશન સાથે એ સંપૂર્ણ થઈ. આ પછી રશિયન ભાષામાં તેની 200થી વધુ આવૃત્તિઓ થઈ છે. વિદેશી ભાષાઓમાં પણ તેની એટલી જ આવૃત્તિઓ થઈ છે.
‘ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન’ શૉલોખૉવની સ્વતંત્ર અને મૌલિક કૃતિ નથી એવો વિવાદ શોબ્ઝેનિત્સિન અને બીજા કેટલાક વિદેશવાસી રશિયન લેખકોએ જગાડ્યો છે. ફ્યૉદૉર કૃકૉવ નામના એક કોઝેક લેખકની કૃતિમાંથી શૉલોખૉવે સામગ્રી મેળવી છે એમ એમનું મંતવ્ય છે. પણ આ મહાનવલ પહેલાં શૉલોખૉવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો જ હતો અને એ પછી પણ એમનું સર્જન વિપુલ અને મૌલિક રહ્યું છે.
શૉલોખૉવને અનેક સન્માન અને પારિતોષિકો મળ્યાં છે. તેમાં 1941માં મળેલું સ્તાલિન પારિતોષિક અને 1965માં મળેલું નોબેલ પારિતોષિક મુખ્ય છે. આ સમગ્ર નવલકથાનું ગુજરાતી ભાષાંતર ‘ધીમે વહે છે દોન’ – એ નામે સુરેશ જોષી, રમણ પાઠક અને જયન્ત પાઠકે સંયુક્તપણે કરેલું છે.
ધનવંત ઓઝા