ઍન્ડરસન કાર્લ ડેવિડ

January, 2004

ઍન્ડરસન, કાર્લ ડેવિડ (જ. 3 સપ્ટેમ્બર 1905, ન્યૂયૉર્ક; અ. 11 જાન્યુઆરી 1991, સાન મેરિનો, કૅલિફૉર્નિયા) : સુપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી. પ્રતિદ્રવ્ય(anti-matter)ના પ્રથમ શોધિત કણ પૉઝિટ્રૉન કે ઍન્ટિઇલેક્ટ્રૉનની શોધ માટે 1936માં ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક તેમને હેસ વિક્ટર ફ્રાંઝ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

1930માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી, પાસાડેનામાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાં તેમણે સમગ્ર કારકિર્દી પૂરી કરી અને છેવટે 1976માં પ્રોફેસર એમેરિટસ થયા. 1927થી ઍક્સ-રે ફોટોઇલેક્ટ્રૉન(ઉચ્ચ શક્તિ ધરાવતાં ફોટૉન સાથે આંતરક્રિયાથી પરમાણુમાંથી ફેંકાયેલા ઇલેક્ટ્રૉન)નો અભ્યાસ કરી, 1930માં તેમણે ચુંબકીય ક્લાઉડ ચૅમ્બર વાપરી ગૅમા-કિરણો અને કૉસ્મિક કિરણો પર સંશોધન શરૂ કર્યું. 1932માં કૉસ્મિક કિરણોની આંતરક્રિયાના અભ્યાસ દરમિયાન તેમણે પૉઝિટ્રૉનની શોધ કરી અને એક વર્ષ પછી ગૅમા-વિકિરણથી પૉઝિટ્રૉન બનાવવામાં તેમને સફળતા મળી.

કાર્લ ડેવિડ ઍન્ડરસન

1936માં ઇલેક્ટ્રૉન કરતાં લગભગ બસો સાતગણા ભારે મૂળભૂત (elementary) કણ મ્યૂઑન(muon)ની શોધ કરવામાં પણ તેમનો મોટો ફાળો છે.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ