ઍન્ટિમની (Sb) : આવર્ત કોષ્ટકના 15માં અગાઉના VB સમૂહનું ધાતુતત્વ. ખાલ્ડિયન સંસ્કૃતિના ઈ. પૂ. 4000ના અરસાના પુરાવશેષોમાં ઍન્ટિમની ધાતુનું વાવકૂવામાંથી પાણી કાઢવાનું વાસણ મળી આવ્યું છે, સુરમો (ઍન્ટિમની સલ્ફાઇડ) પ્રાચીન સમયમાં આંખના અંજન તરીકે વપરાશમાં હતો. 13મા સૈકામાં ‘ઍન્ટિમોનિયમ’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જીબરે (Geber) કર્યાનો ઉલ્લેખ છે. ઍન્ટિમની સલ્ફાઇડ સ્ટિબ્નાઇટના લૅટિન નામ સ્ટિબિયમ ઉપરથી આ તત્વનું નામ તથા સંજ્ઞા યોજાયેલ છે.

પૃથ્વીના પોપડામાં ઍન્ટિમનીનું પ્રમાણ 0.2 % જેટલું અલ્પ છે. ઍન્ટિમની વ્યાપક પ્રમાણમાં કૉપર, લેડ અને સિલ્વરનાં સલ્ફાઇડ ખનિજો સાથે ભળેલું મળી આવે છે. ઍન્ટિમનીનાં અગત્યનાં ખનિજો; આર્સેનિક સાથે સમરૂપી મિશ્રણમાં પ્રાકૃતિક રૂપમાં (તત્વ રૂપે) ઍલેમોનાઇટ તરીકે, Sb2O3 એન્ટિમોનાઇડ રૂપે NiSb, Ag2Sb વગેરે.

સ્ટિબ્નાઇટ Sb2S3 અથવા ઍન્ટિમોનાઇડ Sb2O3 ઍન્ટિમનીના મુખ્ય સ્રોત ગણાય છે. સ્ટિબ્નાઇટને Fe સાથે ગરમ કરતાં Sb મળે છે. અથવા ખનિજને હવામાં ગરમ કરતાં ઑક્સાઇડ મળે છે, જેનું કાર્બન વડે અપચયન (reduction) કરતાં ઍન્ટિમની ધાતુ મળે છે :

2Sb2S3 + 9O2 → 2Sb2O3 + 6SO2

Sb2O3 + 3C → 2Sb + 3CO

વિદ્યુતવિભાજનથી 99,990 શુદ્ધિનું ઍન્ટિમની મેળવી શકાય છે. 1985માં વિશ્વની ઍન્ટિમનીના ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 1,16,000 ટન જેટલી હતી. મુખ્યત્વે દ. આફ્રિકા, બોલિવિયા, મેક્સિકો, ચિલી, ચીન અને રશિયામાં ઍન્ટિમનીનાં ખનિજો મળી આવે છે. ભારતમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ, આંધ્ર, મહારાષ્ટ્ર અને બિહારમાં આ ખનિજની પ્રાપ્તિની શક્યતા છે, પણ વેપારી ધોરણે તે હજુ પ્રાપ્ત થયું નથી.

સંજ્ઞા (Sb); પ. ભાર 121.76; પ. ક્રમાંક 51; ગ.બિં. 630.7o સે.; ઉ. બિં. 1753.01o સે.; વિ. ઘ. 6.691; આયન ત્રિજ્યા Sb3 + 90 pm; સહસંયોજક ત્રિજ્યા 140 pm; ધાતુત્રિજ્યા 159 pm; વિદ્યુતઋણતા 1.84, −3, 0, + 3 અને + 5 ઉપચયન આંક દર્શાવે છે. ઇલેક્ટ્રૉન-વિન્યાસ [Kr]4d10SS2Sp3. કુદરતી Sbમાં બે સ્થિર સમસ્થાનિકો Sb-121 (57.25 %) અને Sb-123 (42.75 %) છે. બીજા 31 ન્યૂક્લાઇડો જાણીતા છે, જે ટૂંકું આયુષ્ય ધરાવે છે અને કિરણોત્સર્ગી છે. ફક્ત Sb-125 2.7 વર્ષનું અર્ધ-આયુષ્ય (half life) ધરાવે છે.

ગુણધર્મો : ઍન્ટિમની અપરૂપતા (allotropy) દર્શાવે છે. ધાતુની બાષ્પને એકદમ ઠારતાં અસ્થાયી પીળું અપર રૂપ ઘણુંખરું ચતુષ્ફલકીય Sb4 અણુવાળું મળે છે, જે નીચા તાપમાને જ સ્થાયી છે. સ્થાયી રૂપ વધુ ભારે છે અને ધાતુગુણો ધરાવે છે. તેનું બંધારણ કાળા ફૉસ્ફરસને મળતું છે. ઍન્ટિમની લાક્ષણિક ચળકાટ ધરાવતી સહેજ વાદળી સફેદ, બરડ, પતરીરૂપ (flaky) ધાતુ છે. તેની ઉષ્માવાહકતા તથા વિદ્યુતવાહકતા નીચી છે. જેથી તે અર્ધવાહક (semi-conductor) તરીકે ઉપયોગી છે.

સામાન્ય તાપમાને હવા, પાણી તથા મંદ ઍસિડની ઍન્ટિમની ઉપર અસર થતી નથી, તેને ગરમ કરતાં Sb2O3 બને છે. ઉપચાયક (oxidising) ઍસિડ અને હેલોજન સાથે પ્રક્રિયા કરે છે.

સંયોજનો : ઍન્ટિમની ટ્રાયક્લોરાઇડ SbCl3, ગ.બિં. 73o સે. પાણીથી જલવિઘટન થતાં SbOCl બને છે. ઍન્ટિમની પેન્ટાક્લોરાઇડ, SbCl5, ગ.બિં. 7o સે.; ઍન્ટિમની ટ્રાયફ્લૉરાઇડ SbF3, ગ.બિં. 292o સે., મૃદુ ફ્લૉરિનેટિંગ પ્રક્રિયક. ઍન્ટિમની પેન્ટાફ્લોરાઇડ SbF5, ગ.બિં. 7o સે. પ્રબળ ફ્લૉરાઇડ આયનગ્રાહી (acceptor) ફ્લોરિનેટિંગ પ્રક્રિયક. ઍન્ટિમની હાઇડ્રાઇડ SbH3 ઝેરી આર્સીન કરતાં ઓછો સ્થાયી. એન્ટિમની ટ્રાયૉક્સાઇડ, Sb2O3, બાષ્પમાં Sb4O6, ઇનૅમલમાં અપારદર્શકારી (opacifier) તરીકે તથા પ્લાસ્ટિકને જ્વાલામંદક (retardant) બનાવવા વપરાય છે. ઍન્ટિમની પેન્ટૉક્સાઇડ, Sb2O5 પીળો અસ્થાયી. બંને ઑક્સાઇડ આલ્કલી સાથે એન્ટિમોનેટ III અને V આપે છે. ઍન્ટિમની સલ્ફેટ Sb2(SO4)3 પાણીથી જલવિઘટન પામે છે. ઍન્ટિમની ટ્રાયસલ્ફાઇડ Sb2S3 મળે છે. ઍન્ટિમની ટ્રાયસલ્ફાઇડને આલ્કલીમાં ઓગાળીને, દ્રાવણમાં તેમાં ઍસિડ ઉમેરતા લાલ-નારંગી Sb2S5 મળે છે. તે રબર-ઉદ્યોગમાં વપરાય છે. જે આલ્કલીમાં ઍન્ટિમનીના કાર્બનિક વ્યુત્પન્નો (દા. ત., સ્ટિબાઇન્સ SbR3) બને છે. તેમનું બંધારણ-રસાયણ (structural chemistry) અગત્યનું છે. ટાર્ટર II ઇમેટિક-ઍન્ટિમની પોટૅશિયમ ટાર્ટરેટ KSbO(C4H4O6). H2O વામક (emetic) તરીકે અને કાલાજારની ચિકિત્સામાં વપરાય છે. ડૉ. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ બનાવેલ યુરિયા સ્ટિબેમાઇન ઍન્ટિમનીનું કાર્બનિક સંયોજન છે, જે કાલાજારમાં ઉપયોગી છે. ઍન્ટિમની વિવિધ પ્રકારનાં સંકીર્ણો આપે છે અને તે પશુરોગચિકિત્સામાં, દારૂખાનું, દીવાસળી અને પેઇન્ટમાં વપરાય છે.

ઍન્ટિમની બીજી ધાતુઓમાં ઉમેરતાં તેમને વધુ કઠિન બનાવે છે. ઍન્ટિમનીની મિશ્રધાતુઓ પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાતાં કદમાં વધારો થાય છે. આ આગવા ગુણને કારણે ઢાળેલ ચીજો બીબાના આકારને આબેહૂબ મળતી હોય છે. ઍન્ટિમની લેડ (Sb 1 % – 20 %) સંગ્રાહક કોષોની પ્લેટમાં, બંદૂકની ગોળીઓમાં, અને ટેલિફોનના દોરડામાં તારના આવરણ તરીકે વપરાય છે. ટાઇપ મેટલ(58 % Pb, 20 % Sn, 15 % Sb, 1 % Ca)માં ઍન્ટિમનીનું અડધું ઉત્પાદન વપરાય છે. બોલેટ મેટલ (Sn, Ca, Sb) ઘર્ષણનિરોધક બેરિંગ માટે વપરાય છે. વ્હાઇટ મેટલ (15 % Sb), બ્રિટાનિયા મેટલ (93 % Sn, 5 % Sb, 2 % Ca) અને પ્યુટર (91 % Sn, 7.5 % Sb અને 1.5 % Ca), ટીનફોઇલ (0.5 Sb) અન્ય મિશ્ર ધાતુઓ છે. Sb2O3, Sb2S5, SbCl3 અને Na [Sb(OH)6] જ્વાળારોધકોમાં તથા ઇનૅમલ, કાચ, પેઇન્ટ વગેરેની બનાવટમાં વપરાય છે. SbCl3 ધાતુનિરેખણ(etching)માં ઉપયોગી છે. ટાર્ટર ઇમેટિક ઔષધ તરીકે (1700ની સાલથી) વપરાય છે. Sb2S5 રબર-ઉદ્યોગમાં વપરાય છે.

ઍન્ટિમની સંયોજનો વિષાળુ છે, પણ ઍન્ટિમની ઉદ્યોગ સાથે સંકળાયેલ મનુષ્યો માટે સ્વાસ્થ્યનું જોખમ માલૂમ પડ્યું નથી.

જ. ચં. વોરા