ઍન્ટિગૉનન : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગૉનેસી કુળની ખડતલ આરોહી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં Antigonon leptopus Hook. & Arn.(ગુ. આઇસક્રીમ વેલ, અં. કોરલ ક્રીપર, પિંક કોરલીટા, સેન્ડવિચ આઇલૅંડ ક્રીપર)નો પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
તે વાડો ઉપર, કમાન, દીવાલ કે જાળી ઉપર 12 મી. જેટલી ઊંચાઈ સુધી ચઢતી સુંદર મધ્યમ ફેલાવાવાળી વેલ છે અને કંદિલ (tuberous) મૂળ ધરાવે છે. તેના સહસભ્યોમાં ચકાની ભાજી (Rumex) અને ઓખરાડ(Polygonum)નો સમાવેશ થાય છે. તેનું પ્રકાંડ કોણીય ફૂલેલી ગાંઠોવાળું અને રોમિલ હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, ત્રિકોણાકાર, હૃદયાકાર કે બાણાકાર (hastate) હોય છે અને આવરક (sheathing) પર્ણતલ ધરાવે છે. પુષ્પો ગુલાબી કે ગુલાબી-લાલ અને કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પવિન્યાસની ટોચ સ્પર્શ-સંવેદી સૂત્રોમાં પરિણમે છે અને તેની મદદ વડે તે આધારને વીંટળાય છે. પુષ્પો ત્રિઅવયવી હોય છે. પુંકેસરતંતુઓ જોડાઈને પ્યાલાકાર રચના બનાવે છે. તેના ઉપર આવેલી મધુગ્રંથિઓ દ્વારા મધનો સ્રાવ થાય છે.

ઍન્ટિગૉનન
ભારતના ઉદ્યાનોમાં બધે જ આ વેલ વાવવામાં આવે છે. તેના ઉપર પુષ્પનિર્માણ ચોમાસામાં અને ઠંડી ઋતુમાં થાય છે. પ્રસર્જન મૂળ કે પ્રકાંડના કટકા દ્વારા, દાબ (layering) અથવા બીજ દ્વારા થાય છે. વનસ્પતિની આજુબાજુ સ્વયં ઊગી નીકળેલા અંકુરો પણ જોવા મળે છે. વધારે પડતું ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ ઉત્તેજાય છે અને પુષ્પો ઓછાં બેસે છે. કંદિલો ઊંડે જઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ પસાર કરે છે અને નવી ઋતુમાં ફરીથી વૃદ્ધિ કરે છે. મૅક્સિકોમાં તેના કંદિલોનો ખાવામાં ઉપયોગ થાય છે. પર્ણો સુકાઈને ખરવા માંડે ત્યારે વેલની છાંટણી કરવાથી ઋતુમાં વધારે પુષ્પો બેસે છે. આઇસક્રીમ વેલની કેટલીક જાતો થાય છે. તે પૈકી var. albus Hort. સફેદ પુષ્પોવાળી જાત છે, પરંતુ તેની વૃદ્ધિ ભરાવદાર હોતી નથી.
મ. ઝ. શાહ