ઍન્ટિગુઆ અને બારબુડા

January, 2024

ઍન્ટિગુઆ અને બારબુડા : કૅરિબિયન સાગરની પૂર્વે, પોર્ટોરિકોના અગ્નિખૂણે, લીવર્ડ ટાપુઓના દક્ષિણ છેડે આવેલો ત્રણ ટાપુઓનો દેશ. તે લઘુ ઍન્ટિલીઝમાં આવેલો છે. 1463માં ક્રિસ્ટોફર કોલંબસે ઍન્ટિગુઆ ટાપુની શોધ કરી હતી. બારબુડા તથા રેડોન્ડા તેના અન્ય બે ટાપુઓ છે. ઍૅન્ટિગુઆની ઈશાને ઍટલૅંટિક મહાસાગર છે. વાયવ્ય દિશામાં ઍન્ગ્રિલા, પશ્ચિમમાં સેન્ટ ક્રિસ્ટોફર નેવિસ તથા નૈર્ઋત્યમાં માટ સેરૅટ ટાપુઓ છે. 1632માં આ પ્રદેશમાં બારબુડાથી વસાહતવાદનો પગપેસારો થયો હતો. તેનો ઉદ્દેશ ગુલામો મેળવવાનો હતો. 1834માં ગુલામી નાબૂદ કરવામાં આવી ત્યાંસુધી આ વ્યવસ્થા ચાલુ રહી હતી.

ઍન્ટિગુઆ, બારબુડા તથા રેડોન્ડાનો કુલ વિસ્તાર 442 ચોરસ કિમી. છે. (ઍન્ટિગુઆ : 280 ચોકિમી., બારબુડા : 160.2 ચોકિમી. તથા રેડોન્ડા : 0.8 ચોકિમી.). કુલ વસ્તી આશરે 98,118 (2019). ઊંડા પાણીનું નૈસર્ગિક બંદર સેન્ટ જૉન્સ [વસ્તી : 25,000, (2019)] તેનું પાટનગર છે. ત્યાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ છે.

ભૌગોલિક વિસ્તાર તથા વસ્તીની બાબતમાં ઍન્ટિગુઆ ત્રણે ટાપુઓમાં સૌથી મોટો છે. તેના પર પર્વતો, જંગલો તથા નદીઓ ન હોવાથી ત્યાં સતત દુકાળની સંભાવના રહે છે. આબોહવા શુષ્ક વિષુવવૃત્ત પ્રકારની છે. મેથી ઑક્ટોબર દરમિયાન વાર્ષિક સરેરાશ 1,120 મિમી. વરસાદ પડે છે. તેના દક્ષિણ-પશ્ચિમમાં જ્વાળામુખીનો પ્રદેશ છે. સેન્ટ જૉન્સ ઊંડા પાણીનું તથા પરહયામ અને ઇંગ્લિશ એ છીછરા પાણીનાં બંદરો છે.

ઍન્ટિગુઆની ઉત્તરે આશરે 40 કિમી.ના અંતરે બારબુડા ટાપુ છે. કૉડરિંગ્ટન તેનું મુખ્ય નગર છે. આ ટાપુ પ્રવાળયુક્ત અને સમતલ છે તથા જંગલો ધરાવે છે. ગુલામો માટે ઊભી કરવામાં આવેલી (1632) આ વસાહતમાં વસતી ગુલામ પ્રજાએ કેટલાક વ્યવસાયોમાં નૈપુણ્ય દાખવીને ધીમે ધીમે આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કર્યું.

ત્રીજો ટાપુ રેડોન્ડા નિર્જન છે. તે ઍન્ટિગુઆના નૈર્ઋત્યમાં આશરે 40 કિમી.ના અંતરે છે. ત્યાં ફૉસ્ફેટના ભંડાર છે.

અંગ્રેજી તેની મુખ્ય ભાષા તથા ખ્રિસ્તી મુખ્ય ધર્મ છે. મોટાભાગની વસ્તી કૃષિ તથા પ્રવાસન પર નભે છે. ખેતીમાં હવે કપાસ મુખ્ય પાક છે; તેની નિકાસ પણ થાય છે. ઉપરાંત, ફળફળાદિ અને શાકભાજીનું ઉત્પાદન તથા ઢોરઉછેરનો વિકાસ થયો છે.

દેશનો મોટાભાગનો વિદેશવ્યાપાર અમેરિકા તથા ઇંગ્લૅન્ડ સાથે થાય છે. સાક્ષરતાનું પ્રમાણ 88 ટકા છે. વ્યાપક પ્રમાણમાં બેકારી પ્રવર્તે છે. ખેતીનું ઘટતું મહત્વ તથા અલ્પ ઔદ્યોગિક વિકાસ તે માટે જવાબદાર છે.

1956માં દેશમાં પ્રજાકીય સરકારની સ્થાપના થઈ. 1967માં તેને ગ્રેટ બ્રિટન સાથેના રાજકીય તથા બંધારણીય સંબંધોમાં ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો. 1981માં તે દેશ સ્વતંત્ર બન્યો છે. વર્તમાન સમયમાં પણ ઇંગ્લૅન્ડના તાજધારક રાજા કે રાણી આ દેશના વડા છે અને ત્યાંના વડાપ્રધાનની સલાહથી ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે. તેને દ્વિગૃહી ધારાસભા છે. સાર્વત્રિક મતાધિકારને આધારે પ્રતિનિધિઓ ચૂંટાય છે. ઉપલું ગૃહ સેનેટ અને નીચલું ગૃહ હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્સ છે. વડાપ્રધાનની નિમણૂક ગવર્નર જનરલ કરે છે. બારબુડાના વહીવટ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાયેલા, નવ સભ્યોની બનેલી કાઉન્સિલ નિર્ણયો લે છે. યુનો ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોનું સભ્યપદ આ દેશ ધરાવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે