ઍન્ટિગની (ઈ. પૂ. 440) : મહાન ગ્રીક નાટકકાર સૉફોક્લિસ(ઈ. પૂ. 495-406)ની પ્રશિષ્ટ ટ્રૅજેડી. ઈ. પૂ. 440માં તેની પ્રથમ રજૂઆત થઈ હતી. આ નાટકની સફળતાને લીધે સૉફોક્લિસને સેમોસ સામેના યુદ્ધમાં જનરલ બનાવવામાં આવેલા તે વસ્તુને કારણે તેને ઇડિપસ ચક્રમાંનું નાટક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં તે સ્વતંત્ર નાટક છે. ઇડિપસના અવસાન બાદ તેના બે પુત્રો સત્તા પ્રાપ્ત કરવા લડે છે અને મૃત્યુ પામે છે. તેમનો મામો ક્રેયૉન તેના શબને દફનાવવાની મનાઈ ફરમાવે છે. ઇડિપસની એક પુત્રી ઍન્ટિગની આ હુકમને તાબે ન થતાં ભાઈના શબને દફનાવવાનો પ્રયાસ કરે છે, પણ તેમાં તે પકડાઈ જાય છે. ક્રેયૉન દ્વારા પૂછવામાં આવતાં તે કહે છે કે માણસના શબને દફનાવવું એવો ઈશ્વરનો કાનૂન છે, પછી ભલે તે માણસના કાયદાની વિરુદ્ધ હોય. ક્રેયૉન તેને જીવતી ભંડારી દેવાની સજા જાહેર કરે છે. ક્રેયૉનનો પુત્ર હેમોન ઍન્ટિગનીના પ્રેમમાં છે. તે પિતા આગળ દલીલ કરે છે પણ ક્રેયૉન માનતો નથી. સ્વાર્પણ કરવાની ધમકી આપી પુત્ર જાય છે. ભવિષ્યવેત્તા ટાઇરેસિયસ ક્રેયૉનને દૈવી કોપની ચેતવણી આપે છે. એથી ઢીલો પડેલો ક્રેયૉન ઍન્ટિગનીને જે ગુફામાં પૂરી છે ત્યાં છોડાવવા જાય છે, પણ ત્યાં આપઘાત કરી ચૂકેલ ઍન્ટિગનીના શબ પાસે હેમોન ઊભો હોય છે. ગુસ્સે થયેલો હેમોન પિતા પર ઘા કરે છે, પણ ચૂકી જાય છે. અંતે તે આત્મહત્યા કરે છે. હતાશ થયેલા ક્રેયૉનને છેલ્લે તેની પત્નીના આપઘાતના સમાચાર પણ સાંભળવા પડે છે.

નાટકના વસ્તુમાં અનેક પ્રકારની રાજકીય, તાત્વિક અને સામાજિક અર્થવિવરણની શક્યતાઓ ર્દષ્ટિગોચર થાય છે. માનવીએ બનાવેલ નિરપેક્ષ કાયદો કુદરતના કાનૂનથી ઊતરતો અને તેથી અમાન્ય કરવા યોગ્ય છે એવું આ નાટક દ્વારા સૉફોક્લિસ સૂચવવા માગતો હોય એમ જણાય છે. ઍન્ટિગની તીવ્ર વિરોધનું સૌમ્ય, કોમલ અને મધુર પ્રતીક બની રહે છે. હોફમેન્સ્થાલ એમાં કવિતાનો સંકેત જુએ છે, તો અનુઈ તેમાં સમસ્ત પ્રજાના વિરોધનું પ્રતીક નિહાળે છે. ક્રેયૉનના પાત્ર દ્વારા નાટકકાર એવું કહેવા માગે છે કે કોઈ પણ બાબતને બધી બાજુએ વધારે પડતી ખેંચવામાં નથી ન્યાય, નથી નીતિ કે નથી મધુરતા. ઍન્ટિગનીનું પાત્રાલેખન આદર્શપ્રધાન છે. જોકે તે અત્યંત મર્યાદિત વ્યાપવાળું પાત્ર છે. તેના કરતાં પણ ક્રેયૉનનું પાત્ર અંતે વધુ કરુણ બને છે.

નાટકનાં પાત્રો તેમની નાટ્યાત્મક ઉક્તિઓ સાથે કરુણ અંત તરફ ધકેલાય છે, જ્યારે નાટકના નૈતિક અને તાત્વિક પ્રશ્નો કોરસ અને સ્વગતોક્તિઓ દ્વારા પ્રગટ થાય છે. નાટકમાં સૉફોક્લિસની પ્રતિભાની ઘણી છટાઓ વ્યક્ત થઈ છે. આજે પણ આ નાટકની ભજવણી થતાં પ્રેક્ષકો અને વિવેચકો તેને આવકારે છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ