ઍન્ટાર્ક્ટિકા

January, 2024

ઍન્ટાર્ક્ટિકા : ઍન્ટાર્ક્ટિકા કે ઍન્ટાર્ક્ટિક નામથી ઓળખાતો દક્ષિણ ધ્રુવની આસપાસનો હિમાચ્છાદિત ખંડ. તે સમુદ્રથી ઘેરાયેલો અને 3.2 કિમી. જેટલી સરેરાશ જાડાઈ ધરાવતા હિમઆવરણ(icecap)થી ઢંકાયેલો છે. વિશ્વનો 90 ટકા જેટલો બરફ આ ખંડ પર છે, પરિણામે વિશ્વમાં સૌથી વધારે ઠંડી અહીં હોય છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો ગાળો બાદ કરીએ તો ત્યાંનું સરેરાશ તાપમાન -30o સેલ્સિયસ હોય છે. નીચા તાપમાનની આ તીવ્રતા માટે ત્યાંની ભીષણ ઠંડી હવા, સતત ફૂંકાતો પવન તથા વીંઝાતો બરફ (blowing snow) જવાબદાર છે. તેનો કુલ વિસ્તાર 1,42,45,000 ચો.કિમી. એટલે કે વિશ્વના કુલ ભૂપ્રદેશનો 1/10 ભાગ જેટલો છે. તેમાંથી લગભગ 98 ટકા હિમાચ્છાદિત છે. આશરે 300 લાખ ક્યૂબિક મીટર જેટલો આ બરફ જો પીગળે તો વિશ્વની સમુદ્રસપાટીમાં 50થી 60 મીટર જેટલો વધારો થાય તેવું અંદાજવામાં આવ્યું છે. તેના કુલ દરિયાકાંઠાના 1/3 જેટલો કિનારો (30,000 કિમી.) બરફના કાયમી આવરણ નીચે ઢંકાયેલો રહે છે. તેના હિમાચ્છાદિત વિસ્તારમાંથી 16,40,000 ચો.કિમી. જેટલો વિસ્તાર તરતી હિમશિલાઓનો બનેલો છે, જેમાંની મોટાભાગની આ ખંડમાંની હિમનદીઓમાંથી ટપકતાં જલબિન્દુઓથી બનેલી હોય છે. વિશ્વના શુદ્ધ પાણીના કુલ જથ્થામાંથી ઘણો મોટો જથ્થો હિમ તથા બરફના રૂપમાં અહીં ભેગો થયેલો છે.

ઍન્ટાર્ક્ટિકા ખંડ દક્ષિણ અમેરિકાના ભૂપ્રદેશથી 970 કિમી. અંતરે તથા દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ – તેમનાથી પણ વધારે દૂર અને તેથી વિખૂટો છે. તેની આસપાસના મહાસાગરને ‘ઍન્ટાર્ક્ટિક મહાસાગર’ અથવા ‘દક્ષિણ મહાસાગર’ કહેવામાં આવે છે, જોકે હકીકતમાં તે હિંદી મહાસાગર, ઍટલૅંટિક મહાસાગર અને પૅસિફિક મહાસાગરનો દક્ષિણ તરફનો ભાગ જ છે. ઍન્ટાર્ક્ટિકા ખંડનો મોટા ભાગનો આ વિસ્તાર ઍન્ટાર્ક્ટિક ધ્રુવવૃત્તમાં છે. વિશાળ હિમ-આવરણ, છુપાયેલી ખનિજસંપત્તિ, વિપુલ વનસ્પતિ  તથા ચારે બાજુથી ઘેરાયેલા દરિયાઈ પ્રદેશને કારણે અચંબો પમાડનાર ઍન્ટાર્ક્ટિકા ખંડની શોધ 1739માં ફ્રેન્ચ અન્વેષક બૂવે ડી લોઝિયરે કરી હતી. મોટાભાગના વિસ્તારો કાં તો નિહાળવામાં આવ્યા છે અથવા આકાશમાંથી તેની છબીઓ ઝડપવામાં આવી છે.

ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ આ ખંડના બે પ્રમુખ વિભાગ પાડી શકાય : (1) પશ્ચિમ ઍન્ટાર્ક્ટિકા, જે દક્ષિણ અમેરિકાના દક્ષિણે છે. (2) પૂર્વ ઍન્ટાર્ક્ટિકા, જે પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ઍન્ટાર્ક્ટિકાનો લગભગ 98 ટકા જેટલો વિસ્તાર કાયમી બરફથી ઢંકાયેલો હોવાથી માત્ર 2 ટકા વિસ્તારમાં જમીન છે. જે વિસ્તાર પર બરફનું કાયમી આવરણ છે તેના આંતરિક ભાગમાં બરફની સરેરાશ જાડાઈ 1,800 મીટર અને ઊંડાઈ ક્યાંક 4,850 મીટર કરતાં પણ વધારે છે.

ઍન્ટાર્ક્ટિકા દ્વીપકલ્પની એક તરફ વેડેલ અને બીજી તરફ રૉસ, અમુંડસેન વગેરે સમુદ્રો અને ઉપસાગર આવેલા છે. તેની આસપાસ કેટલાક ટાપુઓ છે. દ્વીપકલ્પની ટોચ નજીક શેટલૅન્ડ ટાપુઓ છે. ઍન્ટાર્ક્ટિકા ખંડ પર ઉત્થાનજન્ય પર્વતમાળા છે, જેમાંનાં કર્કપૅટ્રિક, લિસ્ટર, માર્કહૅમ, સાયપલ જેવાં શિખરો 4,500 મીટર કરતાં પણ ઊંચાં છે. રૉસ ટાપુ પર માઉન્ટ અરેબસ નામનો આશરે 3,736 મીટર ઊંચાઈ ધરાવતો ધગધગતો જ્વાળામુખી છે. ખંડની મધ્યમાં ઊંચું હિમાચ્છાદિત પઠાર (ઉચ્ચ પ્રદેશ) છે. ખંડની સરેરાશ ઊંચાઈ 1,800 મીટર છે, જે અન્ય ખંડોની ઊંચાઈ કરતાં ઘણી વધારે છે. પૅસિફિક તરફના વિક્ટોરિયા લૅન્ડથી ઍટલૅંટિક તરફની કોટ્સલૅન્ડ સુધી ફેલાયેલી ટ્રાન્સઍન્ટાર્ક્ટિક પર્વતમાળાને લીધે આ ખંડનું પૂર્વ તથા પશ્ચિમ એવા બે અસમાન ભાગમાં વિભાજન થયું છે. પશ્ચિમ તરફના ભાગ કરતાં પૂર્વ તરફના ભાગનો વિસ્તાર લગભગ બમણો છે.

ઍન્ટાર્ક્ટિકા ખંડને વીંટી લેનારા નિકટવર્તી દક્ષિણ સમુદ્રવિસ્તારમાં સમૃદ્ધ વનસ્પતિજીવન છે, પરંતુ ત્યાંના ભૂભાગ પર તેનો સદંતર અભાવ છે. કાંઠાના પ્રદેશમાં તથા સમુદ્રમાં સમૃદ્ધ જલચર પ્રાણીજીવન સાંપડે છે; એમાં વ્હેલ અને સીલ માછલી તેમજ પગ્વિન તથા વિવિધ પ્રકારનાં દરિયાઈ પક્ષીઓનું પ્રમાણ વિશેષ છે. ઉપરાંત આ ખંડમાં લોખંડ, મૅન્ગેનીઝ, તાંબું, સીસું, યુરેનિયમ તથા મૉલિબ્ડિનમ જેવી ધાતુઓ મળી છે.

આ ખંડ પર માનવીની અવરજવર 1943થી શરૂ થઈ, પરંતુ ત્યાં કાયમી વસવાટ નથી. મોટાભાગના અન્વેષકો સંશોધન કરવાના હેતુથી આ વિસ્તારની મુલાકાત લે છે. ફેબ્રુઆરી, 1819માં બ્રિટિશ અન્વેષક વિલિયમ સ્મિથે શેટલૅન્ડ ટાપુની શોધ કરી હતી. 1821ના જાન્યુઆરીમાં બ્રિટિશ નાવિક કૅપ્ટન બ્રૅન્સફીલ્ડે સાઉથ શેટલૅન્ડ ટાપુઓ અને ઍન્ટાર્ક્ટિકા એ બેની વચ્ચેથી પ્રવાસ ખેડ્યો હતો. 1830માં અંગ્રેજ અન્વેષક જૉન બિસ્કોએ એક ટાપુ સર કર્યો. તેણે આ ટાપુ તથા તેની આસપાસના દ્વીપકલ્પને ‘ગ્રેહૅમ્સ લૅન્ડ’ એવું નામ આપ્યું હતું. આ વિસ્તારને અન્ય કેટલાંક નામ પણ આપવામાં આવ્યાં હતાં, પરંતુ તે પછી આંતરરાષ્ટ્રીય સમજૂતીથી હવે તેને ‘ઍન્ટાર્ક્ટિક દ્વીપકલ્પ’ નામ આપવામાં આવ્યું છે. વીસમી સદીમાં આ વિસ્તારનું અન્વેષણ અને સંશોધન વધારે સંગઠિત રીતે થયું છે, જેમાં અમેરિકાના નૌકાદળે 1947માં હાથ ધરેલું ‘ઑપરેશન હાઇજંપ’ વધારે સુસજ્જ અને સુસંગઠિત હતું. તેમાં 13 વહાણો તથા 4,000 માણસો જોડાયા હતા. આ અન્વેષકો પાસે ઘણાં અદ્યતન સાધનો હોવાથી વિમાનો તથા ચલચિત્રપટની સહાયથી ઍન્ટાર્ક્ટિકા વિષે ઘણી વિસ્તૃત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે. 1946-48માં ફિન રોનીના નેતૃત્વ હેઠળના બ્રિટિશ અન્વેષકોએ એક પર્વતમાળાની શોધ કરી હતી. 1947માં ઑસ્ટ્રેલિયાએ પણ શોધકોની એક ટુકડી મોકલી હતી. અન્વેષણ અને શોધખોળમાં ભાગ લેનારા કેટલાક દેશોએ આ ખંડના જુદા જુદા વિસ્તારોમાં પોતાના દેશના ધ્વજ રોપ્યા છે. અમેરિકાએ તો દક્ષિણ ધ્રુવ પર પોતાનું કાયમી નિરીક્ષણકેન્દ્ર સ્થાપ્યું છે. બ્રિટિશ અન્વેષક વિવિયન ફુશે 1958માં આ ખંડ એક દિશાથી બીજી દિશામાં પાર કરવામાં સફળતા મેળવી હતી. આ જ અન્વેષણ દરમિયાન આ વિસ્તારનું ઊંચામાં ઊંચું શિખર વિન્સન મૅસિફ (5,134 મીટર) શોધાયું હતું.

ઍન્ટાર્ક્ટિકાની શોધમાં ભાગ લેનારા દેશોમાંથી 12 દેશોએ 1959માં ત્રીસ વર્ષનો એક કરાર કર્યો હતો. એમાં પરસ્પર સહકાર હતો, પરંતુ 2001ના વર્ષ દરમિયાન 45 દેશોએ તે અંગેની કરારમાં સંમતિ આપી છે. આ વિસ્તારમાં શોધખોળપ્રવૃત્તિ હાથ ધરવી, ઍન્ટાર્ક્ટિકા પ્રદેશનો ઉપયોગ શાંતિપૂર્ણ કાર્યો તથા હેતુઓ માટે કરવો, ત્યાં અણુવિસ્ફોટ કરવા નહિ, વિસ્તારનું પ્રદૂષણ થાય તેવું કોઈ કાર્ય કરવું નહિ, શાંતિપૂર્ણ હેતુઓ માટે જ ત્યાં અણુસંશોધન હાથ ધરવું વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં અભિયાનો દ્વારા ઉપલબ્ધ માહિતી : ઈ. સ. 2000ની સાલમાં B.154 નંબરની હિમશિલા રૉસ સમુદ્ર તરફ વહન કરતી જોવા મળેલી. 2001માં સંધિ સાથે સંકળાયેલા દેશોની એક પરિષદ ઑસ્ટ્રેલિયા અને યુ.કે.માં થયેલી, જે ઍન્ટાર્ક્ટિકા સંધિની 40મી પરિષદ હતી. અત્યાર સુધી આ વિસ્તારમાં વિશ્વના 8,000 વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપેલો છે. 2000-2001ના વર્ષ દરમિયાન 98,200 મેટ્રિક ટન જેટલી ક્રિલ માછલીઓ અહીંથી પકડવામાં આવેલી. 2003-2004 સુધીમાં ઍન્ટાર્ક્ટિકાના વિસ્તારનો ઉપયોગ પ્રવાસધામ માટે કરવા ચીલી વિચારી રહ્યું છે. ફ્રાંસ અને ઇટાલીએ ઍન્ટાર્ક્ટિકાના અંતરિયાળ ભાગમાં ડોમ-સી ખાતે 3,200 મીટરની ઊંચાઈએ આ સંશોધન-મથકો સ્થાપ્યાં છે. ઍન્ટાર્ક્ટિકાની સૌથી મોટી વસાહત અમેરિકાની મૅકમર્ડો-મથક ખાતે આવેલી છે. જ્યારે સૌથી મોટી પ્રયોગશાળા રશિયાની છે, જે વૉસ્ટૉક ખાતે છે.

તાજેતરનાં વર્ષો દરમિયાન ભારતે પણ ઍન્ટાર્ક્ટિકા ખંડ પર વૈજ્ઞાનિક સંશોધનના એકમાત્ર હેતુ માટે શોધખોળનું કાર્ય હાથ ધર્યું છે. 24 ડિસેમ્બર, 1988ના રોજ આઠમું ભારતીય અભિયાન દળ 70 દિવસના સંશોધનકાર્યક્રમ માટે ઍન્ટાર્ક્ટિકા પર પહોંચ્યું હતું. રાષ્ટ્રીય ભૌતિક અનુસંધાન સંસ્થાન(NPL)ના વૈજ્ઞાનિક ડૉ. અમિતાભ સેનગુપ્તાના નેતૃત્વ હેઠળના આ અભિયાનમાં 100 જેટલા વૈજ્ઞાનિકો તથા સંરક્ષણ-ખાતાના કર્મચારીઓ જોડાયા હતા. આ અભિયાન દળને સોંપવામાં આવેલું મુખ્ય કાર્ય જાન્યુઆરી, 1982માં સ્થાપવામાં આવેલા ‘દક્ષિણ ગંગોત્રી’ નામક પ્રથમ ભારતીય સંશોધન મથકથી આશરે 70 કિમી. અંતરે ‘મૈત્રી’ નામક બીજું કાયમી ભારતીય મથક સ્થાપવાનું હતું. આ સ્થળની પસંદગી પ્રથમ અભિયાન દરમિયાન કરવામાં આવી હતી અને તેની પૂર્વતૈયારી રૂપે ચોથા અભિયાન દરમિયાન ત્યાં છાવણી નાંખવામાં આવી હતી. બીજું કાયમી મથક સ્થાપવાના લક્ષ્ય ઉપરાંત આઠમા ભારતીય અભિયાન દળને અન્ય કેટલીક કામગીરી પણ સોંપવામાં આવી હતી; દા. ત. ખનિજસંપત્તિ અંગે સંશોધન, ઓઝોન અને સમુદ્રવિજ્ઞાન તથા જીવશાસ્ત્ર અને હવામાનશાસ્ત્રને લગતી બાબતોનું અધ્યયન, ભારતીય ઉપખંડના ઋતુમાન પર ઍન્ટાર્ક્ટિકા ખંડના તાપમાનની અસરોનો અભ્યાસ વગેરે. ભારતનું 20મું અભિયાન જાન્યુઆરી, 2001માં પહોંચ્યું હતું. ઈ. સ. 1992-93માં ભારતનું ઍન્ટાર્ક્ટિકા મથક ગોવામાં આવેલ વાસ્કો ખાતે શરૂ કરવામાં આવેલું. આ અભિયાનના સંદર્ભમાં દિલ્હી ખાતે 1996માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનોગ્રાફી (NIO) સંસ્થા સ્થાપવામાં આવેલી.

ભારતે 2001થી 2020 સુધીમાં એન્ટાર્ક્ટિકામાં બીજાં 18 અભિયાનો કર્યાં હતાં. કુલ 38 અભિયાનો હાથ ધરાઈ ચૂક્યાં છે. એ દરમિયાન ભારતે ‘ભારતી’ નામનું સંશોધન મથક પણ બનાવ્યું છે. ભારતના ત્રણેય સંશોધન મથકોમાં વિવિધ સંશોધનો થાય છે અને સૅમ્પલ એકઠાં કરીને ભારતસ્થિત લૅબોરેટરીમાં મોકલવામાં આવે છે. ભારતના સંશોધકો એન્ટાર્ક્ટિકા ખંડની સજીવસૃષ્ટિ અને પર્યાવરણ અંગે સંશોધનો કરી રહ્યા છે. એ સંશોધનના ભાગ રૂપે ભારતીય સંશોધકોએ 120 જેટલા નવા પ્રકારના સૂક્ષ્મજીવાણુ ઓળખી કાઢ્યા છે. એન્ટાર્ક્ટિકાનાં સંશોધનો અંગે વિવિધ અભિયાનો પછી ભારતીય સંશોધકોએ 300 કરતાં વધુ સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી