ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ (જ. 25 ફેબ્રુઆરી 1953, વેયેર, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1971માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. મેક્સિમિલિયન મેલ્કર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો.
1982માં તેઓ જર્મનીના કોલોન નગરમાં જઈ સ્થાયી થયા. 1984માં ઇટાલીના ત્રણ માસનો પ્રવાસ કર્યો.
ઍન્ઝિન્જર અર્ધ-અમૂર્ત (semi-abstract) શૈલીમાં કૅન્વાસ પર તૈલરંગો ઉપરાંત કાગળ પર જળરંગો વડે ચિત્રો સર્જે છે. તેમણે 1978માં, 1982માં અને 1983માં વિયેનામાં, 1985માં બેઝલ(Basle)માં અને 1986માં હેમ્બર્ગમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. હાલમાં (2004) તેઓ વિયેનામાં રહી કલાસાધના કરે છે.
અમિતાભ મડિયા