ઍનોડાઇઝિંગ : ધાતુની સપાટી ઉપર, ખાસ કરીને ઍલ્યુમિનિયમ ધાતુ ઉપર, વિદ્યુતની મદદથી ઍનોડિક ઉપચયન (oxidation) મારફત ઑક્સાઇડનું પડ ચડાવવાની ક્રિયા. ઍનોડાઇઝિંગ વિદ્યુતઢોળ (electroplating) ચડાવવાની ક્રિયાથી ઊલટી ક્રિયા છે. વિદ્યુતઢોળ ચડાવવામાં એક ધાતુની સપાટી ઉપર તે જ અથવા અન્ય ધાતુનું પડ ચડાવવામાં આવે છે, જ્યારે ઍનોડાઇઝિંગની ક્રિયામાં આ પડ ધાતુની અંદરથી બહારની સપાટી પર બનતું જાય છે. આ રીતે ધાતુના ઑક્સાઇડનું પડ ધાતુ ઉપર જામતું હોઈ તે તેનો અભિન્ન ભાગ બને છે અને આ કારણે જ તે સારી રીતે ધાતુની સપાટી ઉપર ચીટકી રહે છે. આથી આ ક્રિયા વિદ્યુતઢોળ કરતાં વધુ કાર્યક્ષમ ગણાય છે.

ઍનોડાઇઝિંગમાં ઍલ્યુમિનિયમ ધાતુની ચીજવસ્તુ ધનધ્રુવ તરીકે અને બીજી ધાતુ કે કાર્બન ઋણધ્રુવ તરીકે કાર્ય કરે છે. વિદ્યુતવિભાજ્ય (electrolyte) તરીકે સલ્ફ્યુરિક ઍસિડ (15 %) અથવા ક્રોમિક ઍસિડ વપરાય છે. વિદ્યુતકોષમાં વિદ્યુત પસાર કરતાં ઍલ્યુમિનિયમની સપાટી ઉપર ઍલ્યુમિનિયમ ઑક્સાઇડનું છિદ્રાળુ પડ બનતું જાય છે. ગરમ પાણીમાં બોળતાં છિદ્રો પુરાઈ જાય છે. વિદ્યુતવિભાજ્યમાં વિવિધ રંગો ઉમેરવાથી પડને રંગીન બનાવી શકાય છે.

ક્ષારણ અટકાવવા, વિદ્યુતરોધન (insulation), ઉષ્મીય નિયંત્રણ, પોપડીઓ બાઝતી (scalling) અટકાવવા અને જોડાણ, અપઘર્ષણ (friction) અને નિઘર્ષણ (wear) અટકાવવા, તથા સજાવટી સમ્પૂર્તિ (decorative finish) વગેરે માટે ઍનોડાઇઝિંગ ક્રિયા બહોળા પ્રમાણમાં ઉદ્યોગમાં વપરાય છે. ઍનોડાઇઝ કરેલી ચીજવસ્તુઓ ગૃહવપરાશ, સ્થાપત્ય-સજાવટ અને ઉદ્યોગમાં બહુધા વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ