ઍનહાઇડ્રાઇડ : ઍસિડ(કોઈ વાર બેઝ)ના એક કે બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરતાં પ્રાપ્ત થતાં સંયોજનો. અધાતુ તત્ત્વોના ઑક્સાઇડને ઍસિડ ઍનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે, કારણ કે પાણીનો અણુ ઉમેરાતાં ઍસિડ મળે છે; દા. ત., સલ્ફર-ટ્રાયૉક્સાઇડ SO3 સલ્ફ્યુરિક ઍસિડ(H2SO4)નો, ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ P2O5 ફૉસ્ફોરિક ઍસિડ(H3PO4)નો અને ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ CrO3 ક્રોમિક ઍસિડ(H2CrO4)નો ઍનહાઇડ્રાઇડ છે. ધાતુતત્વના ઑક્સાઇડને બેઝનો ઍનહાઇડ્રાઇડ ગણી શકાય; કારણ કે પાણીનો અણુ ઉમેરાતાં બેઝ મળે છે; દા. ત. પોટૅશિયમ ઑક્સાઇડ K2O પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ(KOH)નો ઍનહાઇડ્રાઇડ ગણાય.
કાર્બનિક સંયોજનોમાં ઍનહાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર RCOOCOR1 છે, જ્યાં R, R1 હાઇડ્રોકાર્બન સમૂહો છે. R અને R1 સમાન હોય તેવાં સંયોજનો વધારે પ્રચલિત ગણાય. પાણીનો અણુ ઉમેરાતાં ઍનહાઇડ્રાઇડ મૂળ ઍસિડ પેદા કરે છે. RCOOCOR1 + H2O → RCOOH + R1COOH. થેલિક ઍનહાઇડ્રાઇડ (I), ઍસેટિક એનહાઇડ્રાઇડ (II) અને મૅલિક એનહાઇડ્રાઇડ (III) કાર્બનિક ઍનહાઇડ્રાઇડોમાં બહુ મોટા પ્રમાણમાં બનાવાતાં ઍનહાઇડ્રાઇડ છે.
પ્રવીણસાગર સત્યપંથી