ઍદમૉવ, આર્થર (જ. 23 ઑગસ્ટ 1908, કિસ્લૉવૉસ્ક, રશિયા; અ. 16 માર્ચ 1970, પૅરિસ) : ઍબ્સર્ડ નાટ્યના પ્રણેતા અને તે શૈલીના મહત્વના અને અગ્રેસર લેખક. 1912માં તેમનો ધનાઢ્ય અમેરિકન પરિવાર રશિયા છોડી જર્મનીમાં સ્થાયી થયો. તેમણે જિનીવા, કૉન્ઝ અને પૅરિસમાં શિક્ષણ લીધું. ફ્રેન્ચ ભાષામાં પ્રભુત્વ મેળવી 1924માં તેમણે પૅરિસમાં કાયમી વસવાટ સ્વીકાર્યો અને ત્યાં જ સર્રિયાલિસ્ટ જૂથ સાથે તેમનો સંબંધ જોડાયો. તેમણે એક સામયિકનું સંપાદન કર્યું અને કવિતા પણ લખી. 1938માં તેઓ ચિંતાજન્ય માનસિક તાણનો ભોગ બન્યા. પાછળથી ‘ધ કન્ફેશન’ નામે લખાયેલ આત્મકથામાં તેમણે પોતાના ત્રસ્ત આત્માને લગતી તથા અળગાપણાની બિહામણી લાગણીની વિગતો આપી છે.
સ્વીડનના નાટ્યકાર સ્ટ્રિનબર્ગ તેમજ કાફકાનો અત્યંત પ્રભાવ ઝીલી તેમણે 1947માં નાટ્યલેખનનો આરંભ કર્યો. ‘ઈશ્વર મરી ગયો છે’ અને ‘જીવનનો કોઈ અર્થ નથી’ એવી માન્યતા હેઠળ તેઓ સામ્યવાદી આદર્શોનું વ્યક્તિપરક તાત્વિક અર્થઘટન કરવા તરફ વળ્યા. તેમના પ્રથમ નાટક ‘લ પૅરડી’માં કાંટા વગરનું ઘડિયાળ પાત્રો ઉપર બિહામણી રીતે ઝળૂંબ્યા કરે છે અને એ પાત્રો એકબીજાંને સતત સમય પૂછ્યા કરે છે. આ નાટકમાં માનવીનું વિડંબન છે. ઍદમૉવને મન માનવી અસહાય બનીને જીવનનો અર્થ શોધ્યા કરે છે – અર્થનું અસ્તિત્વ છે ખરું, પણ માનવી માટે તે મેળવવાનું-સમજવાનું સહજસુગમ નથી; એ જ એની કરુણતા છે. ‘લ ઇન્વેઝન’ એ તેમનું બીજું નાટક. એમાં આ પરિસ્થિતિ વધારે વિશદતાથી વાસ્તવિકતાથી આલેખાઈ છે. આન્દ્રે જીદ અને દિગ્દર્શક ઝાં વિલર આ નાટકથી પ્રભાવિત થયા હતા; વિલરના નિર્દેશન હેઠળ જ તે પૅરિસમાં 1950માં ભજવાયું. ‘લ પ્રોફેસર તરાન્ને’માં એક યુનિવર્સિટી-પ્રોફેસરનું કથાવસ્તુ છે. તે પોતાની જાહેર પ્રતિભા મુજબ જીવી શકતો નથી. આ નાટક સ્વપ્ન અંગેની ઍબ્સર્ડ વિચારધારાને સમર્પિત છે; પણ નાટ્યસંકલના અને પાત્રચિત્રણ ર્દઢ અને સ્પષ્ટ છે. તેમનું સૌથી જાણીતું નાટક તે ‘લ પિંગ-પાગ’ (ભજવાયું 1955). તેમાં પિનબૉલ મશીન એક પ્રભાવક કેન્દ્રવર્તી પ્રતીક બની રહે છે અને એ રીતે દૈવયોગની ધ્યેયવિહીન અને અનંત ચાલી રહેલી રમતને પાત્રો વશ વર્તી રહ્યાં છે એવું આલેખાયું છે. એમાં માનવોનાં મિથ્યા હેતુઓનાં વળગણ અને ખંતીલા પ્રયાસોની નિરર્થકતા છતાં થાય છે. ‘પાઑલો પાઑલી’ (1957) જેવાં ઉત્તરકાલીન નાટકોમાં ઉદ્દામવાદી રાજકીય વિચારધારા આલેખાઈ હોવા છતાં નાટ્યમૂલક પ્રયોગશીલતા વિશે તેમનો રસ લેશ પણ ઓસર્યો નથી.
જિંદગી ઍબ્સર્ડ નથી, અલબત્ત, તે મુશ્કેલ અવશ્ય છે એવી કબૂલાત છેલ્લે કરી આત્મહત્યા કરી હતી. ‘થિયેટર II’(1955)માં તેમણે પોતાની કૃતિઓ વિશેના પોતાના પ્રતિભાવો અને પોતાની કારકિર્દી અંગેની આલોચના આલેખ્યાં છે.
હસમુખ બારાડી