ઍડ્મિરેબલ ક્રાઇટન, ધી (1902) : સર જેમ્સ મૅથ્યુ બેરી (1860-1937)નું અંગ્રેજી નાટક. આ નાટકનું નામ સ્કૉટલૅન્ડની જેમ્સ ક્રાઇટન, ધી ઍડમિરેબલ (1560-85) નામની અલ્પવયમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારી ઐતિહાસિક વ્યક્તિ પરથી રખાયું છે, પણ આ નાટક તે વ્યક્તિ વિશે નથી. આ ક્રાઇટન તો અર્લ ઑવ્ લોમના ધનપતિનો બટલર-બબરચી છે. લૉર્ડ લોમ પોતાને લોકશાહીવાદી માની સૌને સમાન ગણી મહિનામાં એક વખત મહેમાનો, કુટુંબીજનો અને નોકરો વચ્ચે સમાનતા દર્શાવતી ‘ચા-પાણી’ની પાર્ટી ઊજવે છે. પરંતુ બટલર ક્રાઇટન ધનિકો અને ગરીબો, શેઠ અને નોકર વચ્ચે જે વર્ગભેદ છે તેથી સભાન છે. અત્યંત વૈભવી-વિલાસી જીવન પ્રત્યે ઘૃણા દર્શાવવા લોમ સાહેબ એક દરિયાઈ પ્રવાસ યોજે છે અને તેમાં પોતાના કુટુંબની ત્રણ પુત્રીઓ અને મહેમાનો સાથે ફક્ત એક જ નોકર રાખે છે તે ક્રાઇટન છે. બે મહિના પછી એમનું વહાણ સમુદ્રમાં ભાંગી પડે છે. લૉર્ડ લોમ આ અકસ્માતમાં નોકરને બચાવવા જતાં ગુમ થયા છે, એવું આના અહેવાલમાં અર્નેસ્ટ લખે છે. જ્યારે ખરી બાબત તો લૉર્ડ લોમને બચાવવા માટે ક્રાઇટને દરિયામાં ઝંપલાવ્યું હતું તે છે. ભાંગેલા વહાણમાંથી બચેલા લોકો જે ટાપુ પર આવ્યા છે ત્યાં મૂડીવાદી સમાજ નથી પણ ત્યાં ક્રાઇટનનું વર્ચસ્ રહે છે. અર્નેસ્ટની સાહેબશાહી ટેવો ભુલાવવા માટે ક્રાઇટન ‘કામ નહિ તો ખાણું નહિ’ એવી વાત જાહેર કરે છે. લૉર્ડ લોમ બચી ગયા છે અને ટાપુ પર આવે છે. ક્રાઇટને ટાપુ પર અનેક સુવિધાઓ, વીજળી, ઘર વગેરે તૈયાર કરેલાં છે. એક જહાજની સહાયથી ઇંગ્લૅન્ડમાં પાછાં ફરતાં ફરી પાછો શેઠ તે શેઠ અને નોકર તે નોકરનો પાઠ ભજવાય છે. જેમ્સ બેરીનું આ નાટક ખૂબ વખણાયું હતું. અનેક ભાષામાં તેના અનુવાદ થયેલા છે. ગુજરાતીમાં તેનો અનુવાદ ‘સંભાવિત સુંદરલાલ’ એ શીર્ષકથી રત્નમણિરાવ જોટેએ કરેલો છે. 1943ના અરસામાં તે નાટક ગુજરાત કૉલેજમાં ભજવાયું હતું.
કૃષ્ણવદન જેટલી