ઍડ્મિરલ : દેશના નૌકાદળના સર્વોચ્ચ અધિકારીની પદવી (title) અને હોદ્દો (rank). યુદ્ધનૌકાઓના કાફલા પર અથવા પ્રદેશ પર નૌકાદળને લગતું ઉચ્ચ પદ ધરાવતા અધિકારીને ઍડ્મિરલ અથવા ફ્લૅગ ઑફિસર તરીકે સંબોધવામાં આવે છે. ક્યારેક માલવાહક વ્યાપારી વહાણો અથવા માછલાં પકડનારી નૌકાઓના કાફલાના અધિકારીને પણ ઍડ્મિરલની સંજ્ઞા આપવામાં આવે છે. અરબી ભાષામાં ‘અમીર-અલ-બહર’ એટલે કે દરિયાનો અમીર (chieftain of the sea) આ સંજ્ઞા પરથી બારમી સદી પહેલાં તેને ટુંકાવીને ‘અમીરલ’ અને તે પછી ઍડમિરલ સંજ્ઞા પ્રચલિત થઈ હોય તેમ જણાય છે. બારમી તથા તેરમી સદીમાં તે યુરોપની અન્ય ભાષાઓમાં એક યા બીજા સ્વરૂપે સમાવી લેવાઈ. લૅટિન શબ્દ ‘admirabilis’ (admirable) પરથી તેરમી સદીમાં અંગ્રેજી ભાષામાં ‘ઍડ્મિરલ’ શબ્દપ્રયોગ થયો હોય તેવું માનવામાં આવે છે. 1620માં યુદ્ધનૌકાઓના કાફલાના સેનાપતિ તરીકે પહેલી જ વાર આ સંજ્ઞાનો ઉપયોગ થયો હતો. 1964માં ઇંગ્લૅન્ડની મહારાણી એલિઝાબેથ-2એ ઔપચારિક રીતે, અન્ય કોઈ જવાબદારી વિના, આ હોદ્દો ગ્રહણ કર્યો. ઇંગ્લૅન્ડના નૌકાદળમાં ઍડ્મિરલનો હોદ્દો ધરાવતા ચાર સ્તરના અધિકારીઓ હોય છે જે ઊતરતા ક્રમમાં ઍડ્મિરલ ઑવ્ ધ ફ્લીટ, ઍડ્મિરલ, વાઇસ-ઍડ્મિરલ તથા રીઅર ઍડ્મિરલ છે. ભારતના નૌકાદળમાં ઊતરતા ક્રમમાં ઍડ્મિરલ, વાઇસ-ઍડ્મિરલ તથા રીઅર ઍડ્મિરલ આ ત્રણ હોદ્દાઓ (ranks) છે. ઍડ્મિરલનો હોદ્દો ધરાવતા ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ અધિકારી ચીફ ઑવ્ ધ નેવલ સ્ટાફનું પદ ધરાવે છે.
ઍડ્મિરલનો હોદ્દો ધરાવતા ભારતીય નૌકાદળના અધિકારીઓની વિગતો
અનુ. | નામ | કાર્યકાળ |
1. | એ. કે. ચેટર્જી | 4 માર્ચ 1966થી 27 ફેબ્રુઆરી 1970 |
2. | એસ. એમ. નંદા | 1 માર્ચ 1970થી 28 ફેબ્રુઆરી 1973 |
3. | એસ. એન. કોહલી | 1 માર્ચ 1973થી 28 ફેબ્રુઆરી 1976 |
4. | જે. એલ. કુરસેતજી | 1 માર્ચ 1976થી 28 ફેબ્રુઆરી 1979 |
5. | આર. એલ. પરેરા | 1 માર્ચ 1979થી 28 ફેબ્રુઆરી 1982 |
6. | ઓ. એસ. ડૉસન (Dawson) |
1 માર્ચ 1982થી 30 નવેમ્બર 1984 |
7. | આર. એચ. તાહિલિયાની |
1 ડિસેમ્બર 1984થી 30 નવેમ્બર 1987 |
8. | જે. જી. નાડકર્ણી | 1 ડિસેમ્બર 1987થી 30 નવેમ્બર 1990 |
9. | રામદાસ | 1 ડિસેમ્બર 1990થી 30 સપ્ટેમ્બર 1993 |
10. | વી. એસ. શેખાવત | 1 ઑક્ટોબર 1993થી 30 સપ્ટેમ્બર 1996 |
11. | વિષ્ણુ ભાગવત | 1 ઑક્ટોબર 1996થી 30 ડિસેમ્બર 1998 (તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા) |
12. | સુશીલકુમાર | 30 ડિસેમ્બર 1998થી 29 ડિસેમ્બર 2001 |
13. | માધવેન્દ્રસિંગ | 29 ડિસેમ્બર 2001થી અત્યાર સુધી (2004) |
14. | અરુણ પ્રકાશ | 31 જુલાઈ, 2004થી 31 ઑક્ટોબર, 2006 |
15. | સુરેશ મહેતા | 31 ઑક્ટોબર, 2006થી 31 ઑગસ્ટ, 2009 |
16. | એન. કે. વર્મા | 31 ઑગસ્ટ, 2009થી 31 ઑગસ્ટ, 2012 |
17. | ડી. કે. જોશી | 31 ઑગસ્ટ, 2012થી 26 ફેબ્રુઆરી, 2014 |
18. | આર. કે. ધવન | 26 ફેબ્રુઆરી, 2014થી 31 મે, 2016 |
19. | સુનિલ લાંબા | 31 મે, 2016થી 31 મે, 2019 |
20. | કરમવીર સિંહ | 31 મે, 2019થી અત્યાર સુધી |
નોંધ : (1) આઝાદી પછી રીઅર ઍડ્મિરલ, ઍડ્મિરલ અને વાઇસ ઍડ્મિરલનો હોદ્દો ધરાવતા નૌકાદળના અધિકારીઓની યાદી નીચે મુજબ છે :
1. | રીઅર ઍડ્મિરલ જે. ટી. એસ. હાલ | 15 ઑગસ્ટ 1947થી 14 ઑગસ્ટ 1948 |
2. | ઍડ્મિરલ સર એડ્વર્ડ પેરી (Parry) | 15 ઑગસ્ટ 1948થી 13 ઑક્ટોબર 1951 |
3. | ઍડ્મિરલ સર માર્ક પિઝી | 14 ઑક્ટોબર 1951થી 21 જુલાઈ 1955 |
4. | વાઇસ ઍડ્મિરલ સર સ્ટીફન કાર્લિલ | 22 જુલાઈ 1955થી 21 એપ્રિલ 1958 |
5. | વાઇસ ઍડ્મિરલ આર. ડી. કટારી | 22 એપ્રિલ 1958થી 4 જૂન 1962 |
6. | વાઇસ ઍડ્મિરલ બી. એસ. સોમણ | 5 જૂન 1962થી 3 માર્ચ 1966. |
(ત્યારબાદ નૌકાદળના બધા સર્વોચ્ચ અધિકારીઓને ઍડ્મિરલનું એકસરખું બિરુદ આપવામાં આવ્યું છે.)
બાળકૃષ્ણ માધવરાવ મૂળે