ઍડીપોલો પ્રાણસુખ (જ. 1883, ઝુલાસણ તા. વિસનગર; અ. 1955) : ગુજરાતી રગંભૂમિના એક મહાન નટ. મૂળ નામ નાયક પ્રાણસુખ હરિચંદ. 1891માં આઠ વર્ષની વયે મોરબી આર્યસુબોધ નાટક મંડળીમાં કવિનાટ્યકાર વાઘજી આશારામ ઓઝાએ પ્રાણસુખની પસંદગી કરી.
કસરત કરી તેણે શરીર મજબૂત કર્યું. ‘મહમદ ગિઝની’ નાટકમાં ઇમરાજની ભૂમિકાના ગીતમાં ત્રણ વખત ‘વન્સમોર’ થતા. 1899માં મુંબઈ દેશી નાટક સમાજના ‘ઉમાદેવડી’ નાટકમાં અને 1900માં ‘વિજયાવિજય’ નાટકમાં સફળ ભૂમિકા ભજવી. 1905માં ‘સતી સીતા’માં અને 1908માં ‘સતી દ્રૌપદી’માં ખૂબ નામના મેળવી. 1912માં શ્રી આર્યનીતિદર્શક નાટક સમાજના ‘સરસ્વતીચંદ્ર’માં દુષ્ટરાયની ભૂમિકા ભજવીને લોકચાહના મેળવી. ‘બોલતો કાગળ’ નાટક જોઈને વડોદરાના મહારાજા સયાજીરાવ અને બ્રિટિશ વાઇસરૉયે એમની સરખામણી અંગ્રેજી મૂકચિત્રના અભિનેતા ‘એડીપોલો’ સાથે કરેલી. ત્યારથી એમનું એ હુલામણું નામ પડ્યું.

પ્રાણસુખ એડીપોલો
1920માં એમણે પોતાની નાટક કંપની શરૂ કરી – ‘દયાનંદ નાટક સમાજ’; જોકે ત્રણ વર્ષ પછી એનું વિસર્જન કરવું પડ્યું. 1938માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ભજવેલા નાટકમાં તેમણે નેપોલિયનની ભૂમિકા ભજવી હતી.
હસમુખ બારાડી