ઍડિસન, ટૉમસ આલ્વા (જ. 11 ફેબ્રુઆરી 1847, ઓહાયો; અ. 18 ઑક્ટોબર 1931, વેસ્ટ ઑરેન્જ ન્યૂ જર્સી) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અગ્રણી અમેરિકન સંશોધક. સૅમ્યુઅલ ઑગ્ડન અને નાન્સી ઇલિયટ એડિસનનાં ચાર બાળકોમાં સૌથી નાના. સાત વર્ષની ઉંમરે તેમનું શાળાશિક્ષણ શરૂ થયું, પણ ત્રણ માસ પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી મૂક્યા. આ પછીનાં ત્રણ વર્ષ તેમની માતાએ જ તેમને ઘેર ભણાવ્યા અને તેમનામાં જ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવી. ભૌતિકશાસ્ત્રમાં તેમને એટલો રસ પડ્યો કે દસ જ વર્ષની ઉંમરે તેમણે ઘરમાં પ્રયોગશાળા બનાવી ને સ્વરચિત ટેલિગ્રાફ સેટ પણ ચાલુ કર્યો.
આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે 12 વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કરેલું. કમાણીનો ઉપયોગ પ્રયોગશાળા માટેનાં સાધનો અને પુસ્તકો ખરીદવામાં થતો. એક અકસ્માતમાં કાનની બહેરાશ આવી. 15 વર્ષની ઉંમરે ટેલિગ્રાફ ઑફિસમાં જોડાયા. સ્વત: ચાલિત ટેલિગ્રાફ માટેના ટ્રાન્સમિટર અને રિસીવર તેમની પહેલી શોધ હતી. શેરબજારના ભાવતાલ છાપવા માટેની યાંત્રિક યુક્તિ તેમની નોંધપાત્ર શોધ ગણાય. તે માટે તેમને $ 40,000 મળ્યા હતા. આ રકમમાંથી તેમણે પ્રયોગશાળા સાથેનું નાનું કારખાનું સ્થાપ્યું. પાછળથી ફક્ત સંશોધન માટે જ બધો સમય આપવા આ પ્રયોગશાળા મેબ્લો પાર્ક(ન્યૂ જર્સી)માં ખસેડવામાં આવી હતી. આ પ્રયોગશાળા હેન્રી ફૉર્ડ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવી છે. તેમની પ્રયોગશાળા સાધનો અને પુસ્તકોની ર્દષ્ટિએ યુનિવર્સિટીઓની પ્રયોગશાળાઓની બરોબરી કરી શકે તેવી સુસજ્જ હતી.
અસાધારણ અવલોકનશક્તિ અને બગડેલાં ઉપકરણોને સુધારવાની વિશિષ્ટ આવડતને કારણે તે સહકાર્યકર્તાઓમાં ઘણા પ્રિય બનેલા. તેમની પ્રયોગશાળામાં મદદ માટે ઇજનેરો તથા ભૌતિકશાસ્ત્રના જાણકારને નોકરીમાં રાખવામાં આવતા હતા. આ સમય ઔદ્યોગિક વિકાસનો હતો અને એડિસનનું ધ્યેય બૃહદ્ લોકસમુદાયને ઉપયોગમાં આવે તેવી વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ વિકસાવવાનો હતો. તેથી બજારમાં તેની માંગ રહેતી. ઉદ્યોગના વિકાસ માટે અનુપ્રયુક્ત (applied) સંશોધન કરી શકાય તે માટેની પ્રયોગશાળાની જરૂરિયાત એ તેમનું મૌલિક પ્રદાન ગણાય.
વિલિયમ વૉલેસે રચેલ 500 કૅન્ડલ પાવરના ઝગમગતા આઠ દીવાની શ્રેણી જોઈને તેમણે વીજળીના દીવાની શોધ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું. કાચના ગોળામાં પ્રથમ પ્લૅટિનમ તારમાંથી વીજળી પસાર કરીને પ્રકાશ મેળવ્યો. ઘણા પ્રયોગના અંતે સેલ્યુલોઝના તારને કાર્બોનાઇઝ કરવાથી મળતા કાર્બન તંતુ(filament)નો ઉપયોગ કરીને 21 ઑક્ટોબર 1879ના રોજ વીજળીના દીવાનું સૌપ્રથમ નિદર્શન કર્યું. આ દીવો 40 કલાક પ્રકાશ આપી શક્યો, પણ વિદ્યુતપ્રદીપનના યુગનું મંડાણ આ પ્રયોગથી થયું. 1882માં એડિસને વરાળથી ચાલતા 900 હોર્સપાવરના જનરેટરની મદદથી 7,200 દીવાઓને ઝળહળતા કર્યા. આ માટે એડિસન ઇલેક્ટ્રિક લાઇટ કંપનીની સ્થાપના કરવામાં આવેલી, જેને 1892માં જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં સમાવી લેવામાં આવી હતી. આ પ્રયોગો દરમિયાન ગરમ તંતુમાંથી ધાતુના તાર તરફ વહેતા વીજળીના પ્રવાહની નોંધ એડિસને લીધી છે. આ ઘટના એડિસન અસર તરીકે ઓળખાય છે અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા વાલ્વની કાર્યપદ્ધતિના પાયામાં રહેલી છે. 1877માં એડિસને ગ્રામોફોન શોધી કાઢીને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું. તે પોતાની આ શોધ માટે ઘણો ગર્વ લેતા. નમ્ય (flexible) સેલ્યુલૉઇડ ફિલ્મની તેમણે કરેલી શોધ તથા તેમણે સુધારેલ પ્રોજેક્ટરથી હાલ પ્રચલિત સિનેમા શક્ય બની. તેમની બીજી શોધોમાં આલ્કેલાઇન સંગ્રાહકકોષ, લોહના ખનિજને અલગ કરવાની ચુંબકીય પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર વગેરેને ગણાવી શકાય. એડિસનના નામ ઉપર 1093 પેટન્ટ હતી.
તે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે નૌકાસૈન્યની સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. 1920માં યુ.એસ. સરકારે સ્થાપેલ પ્રથમ સંરક્ષણ પ્રયોગશાળા તેમનાં સૂચનોને કારણે શક્ય બની. તેમનાં પ્રથમ પત્ની મેરી સ્ટીલવેલ ગુજરી જતાં મીન મીલર સાથે લગ્ન કરેલું. તેમના એક પુત્ર ચાર્લ્સ એડિસન નૌકાસૈન્યના સચિવ અને ન્યૂ જર્સીના ગવર્નર બનેલા. તેમની 3,400 નોંધપોથીઓમાંની માહિતી દર્શાવે છે કે પ્રવર્તમાન વૈજ્ઞાનિક સિદ્ધાંતોની તેમને વિસ્તીર્ણ સમજ હતી. તેમનું પ્રધાન લક્ષણ તીવ્ર જિજ્ઞાસા હતું. તેમનું ધ્યેય દ્રવ્ય કરતાં સર્જકતા તરફ વધુ હતું. જીવનના અંત સુધી વૈજ્ઞાનિક શોધખોળમાં રચ્યાપચ્યા રહ્યા હતા. ઘડપણમાં તે ઘાસમાંથી રબર લેટેક્સ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ