ઍટલાસ પર્વતમાળા : આફ્રિકા ખંડના ઉત્તર અને વાયવ્ય ખૂણામાં આવેલી પર્વતમાળા. ભૌ. સ્થાન 33o ઉ. અ. અને 2o પ. રે.ની આસપાસ છે. ભૂમધ્ય સમુદ્રને સમાંતર પથરાયેલી આ પર્વતમાળા મોરૉક્કો, અલ્જીરિયા અને ટ્યૂનિશિયામાંથી પસાર થાય છે. તેની બે સમાંતર હાર આવેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ટોબકલ છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 4,165 મીટરની ઊંચાઈએ આવેલું છે.
ઉ. આફ્રિકા ખંડનો આ ગેડપર્વત નરમ અને પ્રસ્તર ખડકોનો બનેલો છે. આ પર્વતમાળા યુરોપ ખંડની આલ્પાઇન પર્વતમાળાને મળતી આવે છે. પ્રાચીન જ્યુરાસિક યુગ દરમિયાન આ પર્વતમાળા યુરોપ ખંડ (પ્લેટ) અને આફ્રિકા ખંડ(પ્લેટ)ની ભૂસંચલન ક્રિયા(plate tectonics)ને કારણે જન્મી હશે તેમ માનવામાં આવે છે.
આ પર્વતમાળાની સપાટી પર ઘાસભૂમિ અને જંગલો છવાયેલાં છે, જ્યારે તેના પેટાળમાં અઢળક ખનિજસંપત્તિ ભંડારાયેલી પડી છે. મુખ્ય ખનિજોમાં કોલસો, લોખંડ, તાંબું, સીસું, જસત વગેરેનો સમાવેશ થાય છે.
અલ્જિરિયામાં ઍટલાસ પર્વતની બે હારમાળાને અનુક્રમે ‘ટેલ ઍટલાસ’ (પ. બાજુ) અને ‘સહરા ઍટલાસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ગિરિમાળાની વચ્ચે વરસાદનું પાણી એકત્ર થતાં જે સરોવર રચાયું છે તેને ‘શૉટ સરોવર’ કહેવામાં આવે છે.
મહેશ મ. ત્રિવેદી