ઍટર્ની જનરલ : ભારત સરકારને કાયદાકીય સલાહ આપવા માટે તેમજ કાનૂની પ્રકારની અન્ય ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિએ નીમેલી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત ધરાવતી વ્યક્તિ. ભારતના બંધારણના અનુ. 76 (1) અન્વયે તેમની નિમણૂક થાય છે. અનુ. 76 (2) મુજબ સુપરત થયેલાં કાર્યો તેમણે કરવાનાં હોય છે. અનુ. 76 (3) પ્રમાણે ભારતના પ્રદેશની તમામ અદાલતોમાં તેમને ફરજપાલનના કાર્ય માટે હાજર રહેવાનો હક છે. તે ભારત સરકાર તરફથી સર્વોચ્ચ અદાલતમાં તમામ દાવાઓ, અપીલો અને બીજી કાર્યવાહીમાં હાજર રહે છે. અનુ. 76 (4) મુજબ તેમના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિની રાજીખુશી પર આધાર રાખે છે. ગેરહાજરી, રજા કે પ્રતિનિયુક્તિની કામગીરી (deputation) વખતે તેમને સ્થાને નિમાયેલ વ્યક્તિ પણ એટર્ની જનરલ ગણાય છે.
મતદાનમાં ભાગ લીધા સિવાય સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર તેઓ ધરાવે છે. તેમના કાર્યમાં તેમને સોલિસિટર જનરલ તથા વધારાના ચાર સોલિસિટર જનરલ સહાય કરે છે.
તે ભારત સરકારની વિરુદ્ધનો કોઈ કેસ લડી શકતા નથી. સરકાર તેમની સલાહ માગે તેમ હોય તેવી બાબતોમાં તે બીજા કોઈને સલાહ આપી શકતા નથી. ભારત સરકારની મંજૂરી વગર તે ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપીનો બચાવ કરી શકતા નથી તેમજ કોઈ કંપનીના ડિરેક્ટર થઈ શકતા નથી.
રાષ્ટ્રપતિ નક્કી કરે તે મુજબ એટર્ની જનરલને પગાર તેમજ અન્ય સવલતો મળે છે. તે સિવાય બીજી કોઈ ફી મળતી નથી. ફરજ અંગેની મુસાફરીમાં તેમને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને મળતાં ભાડાં-ભથ્થાં વગેરે મળે છે. તેમના પગાર અને ફરજોના નિયંત્રણ માટે કેટલાક નિયમો કરેલા છે. તે સામાન્ય રીતે દિલ્હીમાં રહે છે.
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ મોતીલાલ સેતલવાડ હતા. અત્યારે(2004)માં સોલી સોરાબજી આ પદ ધરાવે છે. (1998-2004).
છોટાલાલ છગનલાલ ત્રિવેદી