ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા.
તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો ખ્રિસ્તી ધર્મ સાથે મેળ બેસાડવાનું જરૂરી છતાં કપરું કાર્ય ઍક્વાયનસના હસ્તે સફળતાપૂર્વક થયું તે એમની એક મહાન સિદ્ધિ હતી. એક તરફ તેમની દ્વારા ઍરિસ્ટૉટલનું અનુસરણ થયું હતું બીજી તરફ કૅથલિક ધર્મપરંપરાની વ્યવસ્થિત રજૂઆત થઈ. આ રીતે ઍરિસ્ટૉટલના વિચારો સાથે ખ્રિસ્તી ધર્મના આદર્શોનો સમન્વય સધાયો અને લોકોની નવા યુગની એષણાઓને વાચા આપવામાં આવી. 1256માં તેમને ‘Master of Theology’ની પદવી આપવામાં આવી. 1259-69ના દાયકામાં તેઓ પોપની અદાલત (papal court) સાથે સંકળાયેલા હતા. 1264-72 નેપલ્સ ખાતે ‘ડૉમિનિકન સ્ટેડિયમ જર્નાલે’ના વડા તરીકે તેમણે સેવાઓ આપી હતી. 1323માં તેમને ગિરજાઘરના ઉચ્ચ હોદ્દેદાર (canonized) બનાવવામાં આવ્યા હતા. 1567માં ‘ડૉક્ટર ઑવ્ ધ ચર્ચ’નું બિરુદ આપવામાં આવ્યું.
ઍક્વાયનસના મત અનુસાર રાજકીય જીવન માનવસ્વભાવમાં પડેલું છે. આથી રાજ્ય માનવસ્વભાવનો જ આવિષ્કાર, તેનો જ ઉન્મેષ અને તેની જ સ્વાભાવિક નિષ્પત્તિ છે. તેમના કહેવા પ્રમાણે રાજકારણ નીતિશાસ્ત્રનો એક ભાગ છે. બંનેને જુદાં પાડી શકાય તેમ નથી. નૈતિક જવાબદારી તેમાં હંમેશાં અભિપ્રેત છે. રાજકારણ છેવટે તો એક સાધન છે. સાર્વત્રિક કલ્યાણ અને માનવજીવનનાં મૂલ્યો તેનાં સાધ્ય છે. સમન્વયકારી અભિગમ સ્વીકારતાં ઍક્વાયનસ જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના આદર્શો અને તર્ક એકબીજાની સામે નથી. તેમની વચ્ચેના અવિરોધમાં જ ખ્રિસ્તી સભ્યતા પ્રતિષ્ઠિત થયેલી છે, કારણ કે એ બધું કુદરતી કાનૂનમાં સમાવિષ્ટ છે. કુદરતી કાનૂન માનવીને પ્રભુની નજીક લઈ જઈ શકે છે અને તેમના દ્વારા માનવીનું ગૌરવ પ્રસ્થાપિત થાય છે. ગ્રીસની ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મના ઉચ્ચ આદર્શોને એકમેક સાથે જોડીને ઍક્વાયનસે ભાવિ પ્રગતિની દિશા ચીંધી. શું સારો ખ્રિસ્તી સારો નાગરિક ન બની શકે ? એ તેમનો પ્રશ્ન હતો.
આ ઉપરાંત ઍક્વાયનસે યુદ્ધને લગતા કાયદાને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. તેમની પછીના ઘણા ચિંતકો અને લેખકો તેને અનુસર્યા. તે જ પ્રમાણે તેમણે પ્રામાણિક વેપાર અને મધ્યમસરના નફાને સ્વીકાર્યો. માનવીની સામાન્ય જરૂરિયાતને લક્ષમાં લઈને તેમણે કૌટુંબિક જીવનને વાજબી લેખ્યું, જેથી બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે. વ્યક્તિની શક્તિઓ ખીલવવા માટે શિક્ષણને પણ તેમણે આવશ્યક લેખ્યું. તેમાં શરીર કરતાં આત્માને વિશેષ મહત્વ આપ્યું.
ઍક્વાયનસે પ્લેટોના વિચારો પડતા મૂક્યા અને ઍરિસ્ટૉટલના ચિંતનને અગ્રસ્થાન આપ્યું. તેમનાં બે જાણીતાં પુસ્તકો Summa Contra Gentiles અને Summa Theologicaમાં તે પ્રતિબિંબિત થયેલું છે. મધ્યયુગના સર્વોત્કૃષ્ટ વિચારક તરીકે તેમણે સ્થાન મેળવ્યું. તેમનાં તત્વજ્ઞાન અને વિચારોની પ્રભાવક અસર પછીના લેખકો ઉપર પડી. તેમના વિચારો સર્વગ્રાહી હોવાથી યુરોપીય ચિંતનના સીમાસ્તંભ તરીકે ઍક્વાયનસ ચિરંજીવ સ્થાન પામ્યા છે. તેમની વિચારસરણી ‘ટોમિઝમ’ નામથી ઓળખાય છે.
દેવવ્રત પાઠક