ઍક્ટન (લૉર્ડ) (જ. 10 જાન્યુઆરી 1834, નેપલ્સ; અ. 19 જૂન 1902, બવેરિયા, જર્મની) : વિખ્યાત અંગ્રેજ ઇતિહાસકાર. આખું નામ જૉન એમેરિચ એડ્વર્ડ ડૅલબર્ગ – ઍક્ટન. માતા તેમજ પિતાને પક્ષે ઉમરાવ કુટુંબના હતા. વળી તે કૅથલિક વાતાવરણમાં ઊછર્યા હોવાથી તેમનામાં ખ્રિસ્તી સંસ્કાર ર્દઢ થયા હતા. આમ છતાં તેઓ રૂઢિચુસ્ત નહોતા. તેઓ ઉદાર માનવતાવાદી વિચારશ્રેણી ધરાવતા હતા. સુપ્રસિદ્ધ કૅથલિક ઇતિહાસકાર ડૉલિન્જર અને તેમની ઘરશાળાનો તેમના ઘડતરમાં મોટો ફાળો હતો. ઍક્ટનના લેખનમાં ડૉલિન્જરની ઉદાર વિચારર્દષ્ટિ અને વિવેચનશક્તિની છાપ સ્પષ્ટ માલૂમ પડે છે. કૅથલિક દેવળ, ધર્મ અને રાજ્ય – એ ઍક્ટનના લેખનના પ્રિય વિષયો હતા. ઍક્ટનના લેખો દર્શાવે છે કે ધર્મ કોઈ પક્ષ કે વર્ગ માટે નહિ, પરંતુ સમસ્ત માનવજાતિના હિત માટે છે. રાજ્યની ફરજો વિશે પણ ઍક્ટનનું આવું જ મન્તવ્ય છે.
ઇતિહાસકાર રાન્કેના ગ્રંથોથી પણ ઍક્ટન ખૂબ પ્રભાવિત થયા હતા. ઍક્ટને વધારેમાં વધારે વાંચ્યું તથા વિચાર્યું અને ઓછામાં ઓછું લખ્યું છે. તેમણે પ્રથમ ‘ધ રૅમ્બલર’ અને પછી ‘ધ હોમ ઍન્ડ ફૉરિન રિવ્યૂ’ તરીકે જાણીતા થયેલા સામયિકમાં પોપ તથા ખ્રિસ્તી ધર્મગુરુઓની ગેરરીતિઓ અને પોપના આદેશપત્રોની ટીકા કરતા કડક લેખો લખ્યા, જેને પરિણામે પોતાનું સામયિક બંધ કરવાની તેમને ફરજ પડી. આ સામયિક દ્વારા ઍક્ટને વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય માટે ઝુંબેશ ચલાવી હતી. ઍક્ટન માનવપ્રગતિ માટે વિજ્ઞાન અને ધર્મના સમન્વયને આવશ્યક માનતા. તે આપખુદશાહી તથા હિંસક ક્રાન્તિના વિરોધી હતા અને બંધારણવાદના પુરસ્કર્તા હતા. માનવજાતિને અસત્યને માર્ગે જતી રોકે અને તેને સત્યની સાધનામાં જોડે તેવા શાસ્ત્રને ઍક્ટન ઇતિહાસ કહેતા.
1859થી 1865 સુધી તેઓ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય હતા. 1895માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જોડાઈ તેમણે ‘કેમ્બ્રિજ મૉડર્ન હિસ્ટરી’નાં પહેલાં બે પુસ્તકો સંપાદિત કર્યાં હતાં.
1902માં તેમના મૃત્યુ બાદ તેમના લેખો ‘લેક્ચર્સ ઑન મૉડર્ન હિસ્ટરી’ (1906), ‘હિસ્ટરી ઑવ્ ફ્રીડમ ઍન્ડ અધર એસેઝ’ (1907), ‘હિસ્ટૉરિકલ એસેઝ ઍન્ડ સ્ટડિઝ’ (1907) તથા ‘લેક્ચર્સ ઑન ફ્રેન્ચ રેવોલ્યુશન’(1910)ના શીર્ષક નીચે ગ્રંથસ્વરૂપે પ્રગટ થયા હતા. લૉર્ડ ઍક્ટનની સુપ્રસિદ્ધ ઉક્તિ – ‘સત્તા ભ્રષ્ટાચાર લાવે છે અને અબાધિત સત્તા અબાધિત ભ્રષ્ટાચાર લાવે છે’ અવારનવાર ઉલ્લેખ પામેલ છે.
રમણલાલ ક. ધારૈયા