ઋષિકેશ : ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં ગંગાને કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 30o 07′ ઉ. અ., 78o 19′ પૂ. રે. તાજેતરનાં વર્ષોમાં વ્યસ્ત બની રહેલા એક નૂતન શહેર તરીકે વિકસતું ગયેલું ઋષિકેશ હરિદ્વારથી ઉત્તર તરફ 24 કિમી.ને અંતરે આવેલું છે. તેનું ધાર્મિક મહત્વ ગંગા નદી સાથે સંકળાયેલું છે. અહીં 100થી વધારે મહત્વના આશ્રમો આવેલા છે.
સેંકડો વર્ષોથી હિમાલયની તળેટીમાં આવેલું ઋષિકેશ આત્મોન્નતિ અર્થે ઉપાસના કરનારાઓની ભૂમિ તરીકે જાણીતું બનેલું છે. મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલો ધ્યાનયોગના કેન્દ્રનો આશ્રમ પણ આ નગરમાં આવેલો છે. આ ઉપરાંત સ્વામી શિવાનંદનો દિવ્યજીવન સોસાયટી આશ્રમ તેમજ યોગસાધન આશ્રમ પ્રસિદ્ધિ પામેલા છે.
વિશાળ પટ ધરાવતો અહીંનો ત્રિવેણી ઘાટ ઋદ્ધાળુઓ દ્વારા મુખ્ય સ્નાનઘાટ તરીકે ઉપયોગમાં લેવાય છે. રોજ સંધ્યાટાણે ઋષિકેશના આશ્રમના સ્વામી ધાર્મિક વિષય પર પ્રવચન કરતા હોય છે, જેના પછી આરતી થાય છે. આ સ્થળે ગંગા નદીમાંની માછલીઓને પવિત્ર ગણી ખોરાક નંખાય છે.
ઋષિકેશમાં આવેલાં મંદિરો સાથે કેટલીક ધાર્મિક વાતો સંકળાયેલી છે. રામની રક્ષા અર્થે મદદમાં રહેલા લક્ષ્મણે પોતાના ગુરુની હત્યા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે અહીં ગંગામધ્યે એક પગે ઊભા રહી એકસો વર્ષ સુધી તપ કરેલું. જ્યાં એક પગ પર સંતુલન જાળવી તપ કરેલું ત્યાં આજે લક્ષ્મણઝૂલા નામનો ઝૂલતો પુલ તેની યાદગીરીમાં બાંધેલો છે. રામના ભાઈ ભરતની યાદમાં અહીં ભરતમંદિર પણ છે. ભરતે પણ લક્ષ્મણની જોડાજોડ એટલા જ સમય માટે તપ કરેલું. ભરતે કોઈ પાપ કે દુષ્કૃત્ય કર્યું ન હતું તેમ છતાં પોતાની માનસિક શુદ્ધિ માટે આ તપ કરેલું.
અહીં ગંગાકાંઠે જાન્યુઆરીમાં એક સપ્તાહ માટે યોગ ઉત્સવ ઊજવાય છે. તે દરમિયાન નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનમાળા તથા આસનોનાં નિદર્શનો યોજાય છે.પ્રવાસન અને જળક્રિડાની રમતો પણ અહીંનું આકર્ષણ બની રહેલી છે.
હાલમાં તે કૉંક્રીટનાં મકાનોથી ગીચ બનતું ગયું છે અને રજકણોથી દૂષિત પણ બનતું જાય છે. ઋષિકેશ શહેરની વસ્તી 70,449 (2011) જ્યારે પરા વિસ્તાર સાથેની વસ્તી 1,02,138 (2011)
ગિરીશભાઈ પંડ્યા