ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ. ભારતીય ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ, ભાષા, તત્વજ્ઞાન અને લોકમાનસના ઘડતરમાં વેદનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે. વેદ ચાર છે : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચારે વેદમાં ઋગ્વેદનું મહત્વ પરંપરાથી સવિશેષ સ્વીકારાયું છે.
ઋક્ અર્થાત્ ઋચા અને તેનો વેદ તે ઋગ્વેદ. अर्च (પૂજા કરવી) ધાતુ પરથી ઋચા એટલે પ્રભુની-ઈશ્વરની કે દેવની પૂજાના મંત્રો એવો અર્થ થાય. પરંપરા અનુસાર પહેલાં એક વેદ હતો અને બાદરાયણ મુનિએ તેને ચાર ભાગમાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યો. આથી તેઓ વ્યાસ અથવા વેદવ્યાસ કહેવાયા. એમણે જ્યાં અર્થને કેન્દ્રમાં રાખીને મંત્રોની વ્યવસ્થા કરી તે ઋગ્વેદ થયો. (ऋक् यत्रार्थवशेन पादव्यवस्था । જૈમિનીય મીમાંસા સૂત્ર 2-1-35)
ઋગ્વેદનું વિભાજન બે પ્રકારે થયેલું જોવા મળે છે : અષ્ટક વિભાગ અને મંડલ વિભાગ. આખા ઋગ્વેદને આઠ ભાગમાં વહેંચીને દરેક અષ્ટકને ફરી આઠ અધ્યાયોમાં વહેંચવામાં આવે છે. આમ 8 × 8 = 64 અધ્યાયો થાય. દરેક અધ્યાયને વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવે છે. આવા કુલ 2,024 વર્ગો છે. દરેક વર્ગમાં મંત્રો આવે છે. આ રીતે અષ્ટક, અધ્યાય, વર્ગ અને મંત્ર એ પ્રકારની વિભાજનવ્યવસ્થા અષ્ટક વિભાગમાં જોવા મળે છે. આ વ્યવસ્થામાં દરેક વર્ગ સામાન્ય રીતે પાંચ મંત્રોનો હોય છે. ક્યાંક વધીને તે નવ મંત્રોનો તો ક્યાંક કેવળ એક મંત્રનો પણ જોવા મળે છે. આ વ્યવસ્થા મુખપાઠ કરવા માટે ઊભી કરાઈ હશે એમ વિદ્વાનો માને છે. મંડલ વિભાગમાં સમગ્ર ઋગ્વેદને 10 મંડલોમાં વિભાજિત કરવામાં આવે છે. મંડલને અનુવાકમાં, અનુવાકને સૂક્તમાં અને સૂક્તને મંત્રમાં વિભાજિત કરવામાં કરવામાં આવે છે. આમ 10 મંડલ, 85 અનુવાક્, 1,017 સૂક્ત અને 10,472 મંત્રો ઋગ્વેદમાં છે. આમાં વાલખિલ્યસૂક્તો ઉમેરાતાં (જે એક પાઠ-પરંપરામાં ઋગ્વેદનો ભાગ ગણવામાં આવેલ નથી) કુલ 1,028 સૂક્તો અને 10,552 મંત્રો થાય છે. આમાં કેટલાક મંત્રો પુનરુક્ત થયા છે, એટલે એક જ મંત્ર એકથી વધુ વાર આવ્યો છે. આવા પુનરુક્તિ પામતા કુલ 110 મંત્રો છે. આ 110 મંત્રોને જો 10,552 મંત્રોમાંથી બાદ કરવામાં આવે તો ઋગ્વેદની વાસ્તવિક મંત્રસંખ્યા 10,422 થાય છે.
ઋગ્વેદની મંડલવ્યવસ્થા : ઋગ્વેદમાં 10 મંડલો છે. તેમાં બીજા મંડલથી માંડી સાતમા મંડલ સુધીનાં મંડલોના મંત્રોના દ્રષ્ટા કોઈ એક ઋષિ કે તે ઋષિનો પરિવાર છે. આથી તે મંડલોને પરિવારમંડલ અથવા ગોત્રમંડલ કે વંશમંડલ કહેવામાં આવે છે. બીજા મંડલના ગૃત્સમદ, ત્રીજાના વિશ્વામિત્ર, ચોથાના વામદેવ, પાંચમાના અત્રિ, છઠ્ઠાના ભરદ્વાજ અને સાતમા મંડલના દ્રષ્ટા વસિષ્ઠ ઋષિ છે. વેદમાં મંત્રના કર્તા કોઈ નથી. પણ ઋષિઓએ પોતાના હૃદયાકાશમાં મંત્રોનું દર્શન કર્યું હોવાથી તેઓ મંત્ર-દ્રષ્ટા કહેવાય છે. વેદ એ કોઈ પુરુષ એટલે વ્યક્તિની – માણસની રચના નથી. આથી તે અપૌરુષેય મનાય છે. આઠમા મંડલના દ્રષ્ટા તરીકે કણ્વ અને અંગિરા વંશના ઋષિ છે. નવમા મંડલમાં સોમ નામક દેવતાને ઉદ્દેશીને લખાયેલા મંત્રોનો સંગ્રહ છે. સોમને પવમાન કહે છે તેથી આ મંડલનું નામ પવમાન મંડલ કે સોમમંડલ છે. પ્રથમ અને દશમ મંડલની રચના, ભાષા, વિષય વગેરેનું ઊંડું અધ્યયન કર્યા પછી આધુનિક વિદ્વાનોનું તારણ છે કે 2થી 9 મંડલની અપેક્ષાએ આ મંડલો પાછળથી જોડવામાં આવ્યાં હશે, કારણ કે બંને મંડલોની સૂક્તસંખ્યા 191 છે. આ સહુમાં દશમું મંડળ વધુ અર્વાચીન એટલે સમયની ર્દષ્ટિએ પાછળની રચના છે એમ સ્વીકારાયું છે. અલબત્ત, ભારતીય પરંપરામાં સમગ્ર મંડલરચના ભગવાન વેદવ્યાસે એક જ સમયે કરી એવું મનાય છે.
ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, પર્જન્ય, ઉષા, વિષ્ણુ, વર્ષા વગેરે અનેક દેવોની સ્તુતિઓ છે. તેમાં દેવો પાસે આયુષ્ય, આરોગ્ય, સંપત્તિ, વિજય, પુત્ર-પૌત્ર કે અમરતા માંગવામાં આવ્યાં છે. ઋગ્વેદમાં સંવાદસૂક્તો, પ્રકૃતિવિષયક સૂક્તો, ઐતિહાસિક સૂક્તો, દાર્શનિક સૂક્તો, ધર્મનિરપેક્ષ સૂક્તો, સામાજિક સૂક્તો જેવાં અનેક પ્રકારનાં સૂક્તો પ્રાપ્ત થાય છે.
ઋગ્વેદનો સમય : ભારતીય પરંપરામાં અને તેમાંય પુરાણોમાં દર્શાવેલી પરંપરામાં તો વેદોની રચનાનો કાળ હજારો અને લાખો વર્ષ પૂર્વેનો મનાયો છે; પણ આધુનિક વિદ્વાનો તે સમયને સ્વીકારતા નથી. અનેક વિદ્વાનોએ પોતપોતાની રીતે ઋગ્વેદનો સમય નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. વેદના અધ્યયનના સુપ્રસિદ્ધ વિદેશી વિદ્વાન મૅક્સમૂલરે એક વાર સૂચવેલું કે વેદોની રચના ઈ. પૂ. 1200માં થઈ હશે. આ અછડતા સૂચન પાછળ સામાન્ય તર્ક એવો છે કે ઈ. પૂ. 600 આસપાસ ગૌતમ બુદ્ધે વેદોમાં વર્ણવેલી યજ્ઞસંસ્થાનો વિરોધ કર્યો હતો. આથી આ સમય પૂર્વે યજ્ઞસંસ્થા પૂર્ણ સ્વરૂપે વિકસી ચૂકી હશે. આનું પૂર્ણ સ્વરૂપ કાત્યાયન કે આપસ્તંબના સૂત્રગ્રંથોમાં મળે છે. પછી તેઓએ વૈદિક સાહિત્યના મંત્રકાલ, બ્રાહ્મણકાલ અને સૂત્રકાલ – એમ ત્રણ વિભાગો કલ્પ્યા. દરેકને માટે આશરે 200 વર્ષ માન્યાં. આમ ત્રણેય કાલનાં 600 વર્ષ થયાં. આથી ગૌતમ બુદ્ધ પૂર્વે 600 વર્ષ ગણતાં ઈ. પૂ. 1200 વર્ષમાં વેદોની સંહિતાઓ રચાઈ હશે એમ મૅક્સમૂલરે અનુમાન કર્યું. પોતે પાછળથી ઑક્સફર્ડ લેક્ચર્સ વખતે એમ કહેલું કે ‘વેદોની રચનાનો કાળ પૃથ્વી પર કોઈ પણ શક્તિ ક્યારેય નક્કી નહિ કરી શકે !’
બોગાઝ કૂઈ નામના મધ્ય એશિયાના સ્થાનમાંથી મળી આવેલા ઈ. પૂ. 1400ના કેટલાક અવશેષોમાં ઋગ્વેદના ઇન્દ્ર વગેરે દેવોના નિર્દેશ હોવાથી ઈ. પૂ. 1200વાળો મત સંપૂર્ણ અસ્વીકાર્ય બની ગયો છે.
મેક્સમૂલર પછી અનેક ભારતીય અને વિદેશી વિદ્વાનોએ ઋગ્વેદનો રચનાકાળ નક્કી કરવા પ્રયત્ન કર્યા છે. એમાં મતમતાંતરો અનેક થયાં છે; જેમાં ઈ. પૂ. 200થી આરંભી ઈ. પૂ. 4,32,000 વર્ષનો સમય જુદા જુદા વિદ્વાનો દર્શાવે છે. આ સહુમાં ઈ. સ. 1893માં સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન એચ. યાકોબીએ જ્યોતિષશાસ્ત્રને આધારે ઋગ્વેદનો રચનાકાળ ઈ. પૂ. 4500નો દર્શાવ્યો હતો. એ જ અરસામાં સ્વતંત્ર રીતે જ્યોતિષશાસ્ત્રને આધારે ભારતમાં બાલગંગાધર તિલકે પણ ઋગ્વેદનો રચનાકાળ ઈ. પૂ. 6000નો દર્શાવ્યો છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો શોધનાર ડૉ. માર્શલ એ સંસ્કૃતિનો સમય ઈ. પૂ. 5000 આસપાસનો દર્શાવે છે. ત્યાં નષ્ટ નગરોના અવશેષો પ્રાપ્ત થયા છે. આથી કેટલાક ભારતીય વિદ્વાનો વેદમાં આવતા गोत्रभिद्- કિલ્લાઓ તોડનાર એવા ઇન્દ્રદેવતાના વિશેષણ પરથી આર્યોએ મોહેં-જો-દડોની સંસ્કૃતિનો નાશ કર્યો હતો એવી કલ્પના કરીને આર્યો ઈ. પૂ. 4000થી 5000 આસપાસ સપ્તસિંધુના પ્રદેશમાં આવી વસ્યા હતા એવું માને છે. આથી ઋગ્વેદનો સમય ઈ. પૂ. 4000થી 5000 વર્ષ સુધીનો હોય તેવી પણ એક માન્યતા છે. આમ ઋગ્વેદના રચનાકાળ વિશે અનેક મતો પ્રચલિત છે. હજુય તેમાં સવિશેષ સંશોધનને અવકાશ છે.
ઋગ્વેદની શાખાઓ : ભગવાન વેદવ્યાસે મૂળ એક વેદના ચાર વેદ કર્યા. તેમાં મહર્ષિ પૈલને ઋગ્વેદ, કવિ જૈમિનિને સામવેદ, વૈશંપાયનને યજુર્વેદ અને સુમન્તુને અથર્વવેદ ભણાવ્યો. આ સહુએ તે તે વેદ પોતપોતાના શિષ્યોને ભણાવ્યો. આમ વેદના અધ્યયનની પરંપરા સર્જાઈ. તેમાં સ્વશિષ્યોને ભણાવનાર આચાર્યો વધતા ગયા અને પરિણામે વેદોની અનેક શાખાઓ સર્જાઈ. વેદનો ‘મંત્ર અને બ્રાહ્મણાત્મક એક ભાગ’ એ શાખા કહેવાય.
(स्वाध्यायैकदेशो मन्त्रब्राह्मणात्मकः शाखेत्युच्यते ।) સામાન્ય નિયમ મુજબ વેદની દરેક શાખાને પોતાની સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, શ્રૌતસૂત્ર અને ગૃહ્યસૂત્ર હોવાં જોઈએ, પણ આજે પ્રત્યેક શાખાના બધા ગ્રંથો ઉપલબ્ધ નથી. કોઈકની સંહિતા છે તો આરણ્યક નથી, બ્રાહ્મણ છે તો શ્રૌતસૂત્ર નથી.
મહર્ષિ પતંજલિના મહાભાષ્ય અનુસાર ઋગ્વેદની 21 શાખાઓ હતી. ‘વાક્યપદીય’માં ભર્તૃહરિએ 15 ‘અણુભાષ્ય’માં ઉદધૃત (સ્કંદપુરાણ અનુસાર) 24 અને આચાર્ય ભગવદદત્તે ઋગ્વેદની 25 શાખાઓ દર્શાવી છે. પુરાણો, કલ્પસૂત્રો વગેરેમાં મળતા નિર્દેશો અનુસાર બધી મળીને 34 શાખાઓ થાય છે. આ સહુમાંથી આજે ઋગ્વેદની શાકલ અને બાષ્કલ – એમ બે શાખાઓ મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ‘આપણી અનેક શાખાઓ નાશ પામી ગઈ’ એવું માની મનમાં દુ:ખ લાવવાની જરૂર નથી, કારણ કે શાખાભેદમાં ઘણી વાર કાંઈ નવું હોતું નથી; દા. ત., એક શાખા ખિલસૂક્તોને મૂળ પાઠ માને અને બીજી શાખા ન માને. આથી નવી શાખા થઈ ગઈ. ક્યાંક સૂક્તો કે મંત્રોનો ક્રમ બદલાય કે તેની સંખ્યામાં ન્યૂનાધિકતા આવે તોપણ નવી શાખા ગણાય.
ચરણવ્યૂહ નામના ગ્રંથમાં ઋગ્વેદની પાંચ શાખાઓ ગણાવી છે : (1) શાકલ, (2) બાષ્કલ, (3) આશ્વલાયન, (4) શાંખાયન અને (5) માંડુકેય. અલબત્ત, આ પ્રત્યેક શાખાનું સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક. ઉપનિષદ, શ્રૌતસૂત્ર અને ગૃહ્યસૂત્ર – એમ બધું સાહિત્ય પ્રાપ્ત થતું નથી.
ઋગ્વેદની સાયણ ભાષ્ય સાથેની પ્રથમ આવૃત્તિનો પ્રથમ ભાગ મૅક્સમૂલરે 1849માં પ્રસિદ્ધ કર્યો હતો. અલબત્ત, તેનો છેલ્લો ભાગ 1874માં એટલે લગભગ 26 વર્ષ પછી પ્રસિદ્ધ થયો હતો. 1935થી 1951 સુધીમાં ભારતીય વિદ્વાનોએ વૈદિક સંશોધન મંડલ, પુણે દ્વારા ઋગ્વેદની સાયણ ભાષ્ય સાથેની વધુ ઉપાદેય આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. ઋગ્વેદની અંગ્રેજી, હિંદી, જર્મન વગેરે ભાષામાં અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. વડોદરાથી 1932–36માં મોતીલાલ રવિશંકર ઘોડાએ સંપૂર્ણ ઋગ્વેદની ગુજરાતી અનુવાદ સાથેની આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી.
ગૌતમ પટેલ