ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે.
સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ ગાંધી, ભવાનીશંકર વ્યાસ અને ચમનલાલ ગાંધી હતા. 1935માં ઈશ્વરલાલ મોહનલાલ દવે અને મોહનલાલ મહેતા ‘સોપાન’ તેમાં જોડાયા. તેમણે 1937માં કરાંચીથી અમદાવાદ આવીને ભારતી સાહિત્ય સંઘની સ્થાપના કરી. ‘ઊર્મિ’ માસિક ત્યારથી આ બંનેના સંપાદકપદે અમદાવાદથી પ્રસિદ્ધ થવા લાગ્યું.
હરજીવન સોમૈયા, કાંતિલાલ શાહ અને લક્ષ્મીદાસ ગાંધી પણ તંત્રીમંડળમાં થોડો સમય હતા. 1945થી ઈશ્વરલાલ મો. દવે, 1978ની આખરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તંત્રી તરીકે રહ્યા. 1946થી 1965 સુધી જયન્ત પરમારે સંપાદનકાર્ય સંભાળ્યું હતું. 1967માં ભારતી સાહિત્ય સંઘે ‘ઊર્મિનવરચના’ બંધ કરવા ધાર્યું ત્યારથી રાજકોટ લઈ જવાયેલા આ માસિકના સંયુક્ત તંત્રી અને 1979થી મુખ્ય તંત્રી તરીકેની જવાબદારી જયમલ્લ પરમારે સંભાળી છે. ત્યારથી તે લોકસાહિત્યના સામયિકનું સ્વરૂપ પામ્યું છે. આ માસિકના ‘ઊર્મિ’ તરીકેના શરૂના દાયકામાં કાવ્યાંક, નવલકથા અંક, નવલિકા અંક, નાટ્યાંક જેવા વિશેષાંકો અને ‘કુંદમાલા’નો ગુજરાતીમાં સૌપ્રથમ અનુવાદ સહિત અંક પ્રકટ થયા હતા.
રચનાત્મક કાર્યને લગતા સાહિત્યને વરેલું ‘નવરચના’ માસિક 1938માં વજુભાઈ શાહના તંત્રીપદે શરૂ થયું. પાછળથી તેની જવાબદારી ભારતી સાહિત્ય સંઘે લીધી. બીજા વિશ્વયુદ્ધે સરજેલી કાગળની તંગીને કારણે બેને બદલે 1942માં બંનેનું સંયુક્ત નામ ‘ઊર્મિ-નવરચના’ થયું. ત્યારથી આજ સુધી એ જ નામે તે પ્રકટ થતું રહ્યું છે. અત્યારે (1991) તેનું ઓગણચાળીસમું વર્ષ ચાલે છે.
ગુજરાતનાં સાહિત્યિક સામયિકોમાં ‘ઊર્મિનવરચના’ અગ્રસ્થાને હતું. 1945–46માં મકરન્દ દવે અને ઝવેરચંદ મેઘાણી એનું સંપાદન કરતા હતા ત્યારે આ માસિકના ફેલાવાને વેગ મળ્યો. ધૂમકેતુએ પણ થોડોક વખત તેના સંપાદનમાં સહાય કરેલી. ઝવેરચંદ મેઘાણી, નિરંજન વર્મા અને દાદાસાહેબ માવળંકરના અવસાન નિમિત્તે પ્રકટ થયેલા આ માસિકના સ્મૃતિ-વિશેષાંકો અને રાજકોટથી પ્રકટ થયેલા પંદર જેટલા વિશેષાંકો ધ્યાનપાત્ર લેખાય છે. 1980થી તે જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટનું મુખપત્ર બન્યું. છેલ્લા કેટલાક વખતથી તેનું પ્રકાશન બંધ છે.
જયંત પરમાર