ઊઝ (ooze) : 30 %થી વધુ જીવજન્ય દ્રવ્યયુક્ત સૂક્ષ્મ દાણાદાર દરિયાઈ અગાધનિક્ષેપ (જુઓ ‘અગાધનિક્ષેપ’ ). મહાસાગરોના બેથિયલ અને એબિસલ (2,000 મીટરથી વધુ ઊંડાઈ) ક્ષેત્રના તળિયાના વિસ્તારમાં બે પ્રકારના અગાધનિક્ષેપો મળે છે : (1) જીવજન્ય ઊઝ, (2) રાતી માટી. (1) જીવજન્ય ઊઝના બે વિભાગો છે : (i) ચૂનાદ્રવ્યયુક્ત ઊઝ (2,000થી 3,900 મીટર ઊંડાઈએ) : આમાં ગ્લોબિજરિના ઊઝ ફોરામિનિફેરા જેવા પ્રોટોઝોઓના જીવજન્ય માળખાના સૂક્ષ્મ ચૂનાદ્રવ્યનું બનેલું હોય છે અને તે સમુદ્રતળના 130 ´ 106 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું હોય છે. ટેરોપોડ (pteropod) ઊઝ મૃદુશરીર-સમુદાય- (mollusca)ના જઠરપદી (gastropoda) વર્ગના ટેરોપોડના જીવજન્ય માળખાના સૂક્ષ્મ ચૂનાદ્રવ્યનું બનેલું હોય છે અને તેનો વિસ્તાર ઓછો હોય છે. બન્ને પ્રકારોમાં કલિલ દ્રવ્યમાંથી પ્રાપ્ત વધુમાં વધુ 60 % માટીદ્રવ્ય ભળેલું હોય છે. (ii) સિલિકા દ્રવ્યયુક્ત ઊઝ : 3,900 મીટરથી વધુ ઊંડાઈએ કૅલ્શિયમ કાર્બોનેટ વધુ દ્રાવ્ય હોઈ આ વિસ્તારમાં માત્ર સિલિકા જ રહી શકે છે. આ પ્રકારનાં સિલિકાયુક્ત ઊઝ 38 ´ 106 ચોકિમી. સમુદ્રતળને આવરી લે છે. સિલિકાયુક્ત ઊઝના મુખ્ય ઘટકો પૈકી રેડિયોલેરિયા પ્રોટોઝોઆ હોય છે (રેડિયોલેરિયન ઊઝ), જે મુખ્યત્વે અયનવૃત્તીય વિસ્તારોના સમુદ્રના તળિયે જોવા મળે છે. ડાએટમ(સિલિકાયુક્ત પદાર્થોનો સ્રાવ કરતી એકકોષીય વનસ્પતિનાં સૂક્ષ્મ કવચોવાળું ડાએટમ-ઊઝ ધ્રુવીય વિસ્તારોના સમુદ્રના તળિયે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

(2) રાતી માટી : વધુ ઊંડાઈએ મોટાભાગનું સિલિકાદ્રવ્ય પણ ઓગળી જતું હોઈ 5,000 મીટરથી ઊંડા સમુદ્રતળ પર બધે રાતી માટીના પાતળા થર હોય છે, જે જીવજન્ય અવશેષોરહિત હોય છે.

આ ઉપરાંત મૅંગેનીઝ ઑક્સાઇડના ગઠ્ઠા (nodules) તમામ પ્રકારના ઊઝ સાથે વિશાળ જથ્થાઓમાં ક્યાંક ક્યાંક વિતરણ પામેલા મળી આવે છે. ભવિષ્યમાં આ જથ્થો આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી બને તેવી શક્યતા છે.

ગિરીશભાઈ પંડ્યા