ઊંજકો (lubricants) : યંત્રોના ઊંજણ માટે વપરાતા પદાર્થો. આદિમાનવ કાદવ અને બરૂનો ઉપયોગ સ્લેજગાડી (sledge) તથા ભારે વજન ઘસડવા માટે કરતો હતો તેમ માનવાને કારણ છે. યંત્રોના વિકાસ સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતાં વિવિધ પ્રકારનાં ઊંજકો ઉપયોગમાં આવ્યાં છે. ઝડપી યંત્રોનો ઉપયોગ શક્ય બનાવવામાં ઊંજકોનો ફાળો ઘણો અગત્યનો છે. ઊંજકો તરીકે વાયુઓ, તેલ જેવા પ્રવાહી પદાર્થો, ગ્રીઝ જેવા અર્ધઘન પદાર્થો તથા ઘન પદાર્થો વપરાય છે.
પેટ્રોલિયમ પેદાશો મળવા માંડી ત્યાં સુધી પ્રાણીજ ચરબી અને વનસ્પતિજ તેલો ઊંજણ માટે ઉપયોગમાં લેવાતાં હતાં. ઊંજણ માટે વપરાતા પદાર્થોના જરૂરી ગુણોમાં શ્યાનતા (viscosity), વહનબિંદુ (pour point), સ્ફુરાંક (flash point) અને તૈલવ્ય, ધાતુની સપાટીને ભીંજવવાની અને તેને ચોંટી રહેવાની ક્ષમતા વગેરે ગણાવી શકાય. શ્યાનતાનું મૂલ્ય SAE (Society of American Engineers) અંકમાં દર્શાવવામાં આવે છે. જેમ યંત્ર ભારે અને કાર્યકારી તાપમાન ઊંચું તેમ વધુ શ્યાનતાવાળાં ઊંજકોની જરૂર પડે છે. ઊંજક તરીકે વપરાતાં તેલોમાં પેટ્રોલિયમ તેલો અગત્યનાં છે. તેમની ઓછી બાષ્પશીલતા, નિષ્ક્રિયતા, ક્ષારરોધકતા, વિવિધ શ્યાનતામાં પ્રાપ્યતા અને ઓછી કિંમતને કારણે આ પદાર્થો મોખરાનું સ્થાન ધરાવે છે. વળી તેમાં કેટલાક (ઘટ્ટ કરનાર, પ્રક્ષાલક ગુણ ધરાવનાર, ઉપચયનરોધી વગેરે) પદાર્થો ઉમેરીને આવશ્યક ગુણોવાળાં ઊંજકો તૈયાર કરી શકાય છે. સંશ્લેષિત કાર્બનિક પદાર્થો પણ એકલા કે તેલોમાં મિશ્રણરૂપે વપરાય છે.
સંશ્લેષિત ઊંજકો : પેટ્રોલિયમમાંથી મેળવેલા ઊંજકો અક્ષમ (inadequate) હોય તેવા કિસ્સાઓમાં વિશિષ્ટ અને અસરકારક ગુણ ધરાવતાં કાર્બનિક તરલો જરૂરી બને છે. પ્રચલિત (conventional) ઊંજકોમાં ન હોય તેવો ઓછામાં ઓછો એક ગુણ આવા ઊંજકો ધરાવે છે. તેમની કિંમત વધુ હોય છે પણ તેઓ તાપમાનની ઊંચી સીમા(range)માં વાપરી શકાય છે અને તેઓ ઉષ્મા અને ઉપચયન પરત્વે સ્થાયી (stable) હોય છે. તેમના વિવિધ પ્રકારોમાં પૉલિગ્લાયકોલ સંયોજનો [દ્રવચાલિત (hydraulic) અને બ્રેક] તરલો, ફૉસ્ફેટ એસ્ટરો (અગ્નિરોધક), દ્વિબેઝિક (dibasic) ઍસિડના એસ્ટરો (વિમાનના ટર્બાઇન એન્જિનો), ક્લોરોફ્લોરો કાર્બન સંયોજનો (aerospace), સિલિકોન તેલો અને ગ્રીઝ (ઇલેક્ટ્રિક મોટરો, ઘર્ષણરોધી બેરિંગ), સિલિકેટ એસ્ટરો (ઉષ્મા-સ્થાનાંતરકારકો અને દ્રવચાલિત તરલો), નિયોપેન્ટાઇલ પૉલિયોલ એસ્ટરો (ટર્બાઇન એન્જિનો), અને પૉલિફિનાઇલ ઈથરો(શ્રેષ્ઠ ઉષ્મા અને ઉપચયન અવરોધ પણ નીચા તાપમાને ઓછા સક્ષમ)ને ગણાવી શકાય. આવા ઊંજકોનો એક અસામાન્ય ગુણ એ છે કે તેઓ આયનીકારક વિકિરણનો ઉત્તમ પ્રતિરોધ કરે છે.
ગ્રીઝ એ પેટ્રોલિયમ તેલોમાં વિશિષ્ટ પદાર્થો ઉમેરીને બનાવેલ ઘટ્ટ મિશ્રણ છે. આ માટે સોડિયમ, લિથિયમ, કૅલ્શિયમ અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓના ઓલિક, પામિટિક અને સ્ટીયરિક ઍસિડ સાથેના ક્ષારો (ધાત્વિક સાબુઓ), માટી, સૂક્ષ્મસિલિકા, એરાઇલ યુરિયા અને થેલોસાયનિન વર્ણકો (pigments) વપરાય છે. ગ્રીઝ વાપરવાથી વારંવાર ઊંજણની જરૂર પડતી નથી. તે તેના સ્થાને ચીટકીને રહેતી હોઈ બે સપાટી વચ્ચે ધૂળ અને ભેજને આવતાં રોકે છે.
અત્યંત ઊંચા દબાણ કે તાપમાનવાળી પરિસ્થિતિમાં ઘન પદાર્થો ઊંજક તરીકે વપરાય છે. સ્તરરૂપ સ્ફટિકરચના ધરાવનાર ગ્રૅફાઇટ અને મોલિબ્ડેનમ સલ્ફાઇડ જેવા પદાર્થો ઘન ઊંજકો તરીકે વપરાય છે. વિવિધ સ્તરો વચ્ચે નહિવત્ આકર્ષણ હોઈ એક સ્તર બીજા સ્તર ઉપર સરળતાથી સરકી શકે છે, જેથી આવા પદાર્થો ઊંજકોનો ગુણ દર્શાવે છે. આ ઉપરાંત શંખજીરું, બેન્ટોનાઇટ તથા સિલ્વર આયોડાઇડ જેવા મૃદુ પદાર્થો તથા વિશિષ્ટ સંજોગોમાં સીસું, કલાઈ કે ઇન્ડિયમ જેવી મૃદુ ધાતુઓ પણ ઊંજણ માટે ઉપયોગમાં લેવાય છે. વિશિષ્ટ પ્રકારનાં યંત્રોમાં ઊંજક તરીકે હવા વપરાય છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી