ઉષ્માનળી (heat pipe) : તાપમાનના ઓછા તફાવતવાળા કાંઈક લાંબા અંતરે ઉષ્માના પરિવહન માટે વપરાતી પ્રયુક્તિ. આને એક પ્રકારનું ઉષ્માવિનિમયક (heat-exchanger) ગણી શકાય. આ પ્રયુક્તિના એક પ્રકારમાં બન્ને છેડે બંધ પણ જરૂરી ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી વડે અંશત: ભરેલી ઊભી પોલી નળી વપરાય છે. આ નળીનો પ્રવાહીવાળો છેડો વધુ તાપમાન ધરાવતા ક્ષેત્રમાં અને બીજો છેડો ઓછું તાપમાન ધરાવતા ક્ષેત્રમાં રાખેલ હોય છે. પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતાં વધુ તાપમાનને કારણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. આ બાષ્પ નીચા તાપમાનવાળા છેડા તરફ ધસે છે, જ્યાં તે ઠંડી પડતાં પ્રવાહી રૂપમાં ફેરવાય છે અને પોતાની ઉષ્મા-ઊર્જા આ ઠંડા ક્ષેત્રને અર્પે છે. પ્રવાહી પાછું નીચે આવે છે અને આખીયે ક્રિયા ફરી ફરીને ચાલ્યા કરે છે. આમ વધુ ગરમ ક્ષેત્રની ઉષ્મા-ઊર્જા ઠંડા ક્ષેત્રમાં સ્થાનાન્તર પામે છે.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી