ઉષ્ણીષ-કમલ : બૌદ્ધદર્શન અને યોગપરંપરા પ્રમાણે શરીરમાંનાં ચાર ચક્રો પૈકીનું સર્વોચ્ચ ચક્ર. હિંદુ યોગ પરંપરામાં છ ચક્રોથી ઉપરનું સાતમું ચક્ર કમલાકૃતિનું છે, જેને સહસ્રાર ચક્ર કે સહસ્રદલ-કમલ કહેવામાં આવ્યું છે. બૌદ્ધપરંપરા પ્રમાણે ઉષ્ણીષ-કમલ 64 દલ(પાંખડી)નું હોય છે. મેરુગિરિના શિખર ઉપર જ્યાં મહાસુખનો નિવાસ છે, ત્યાં ચાર મૃણાલો પર આ ઉષ્ણીષ-કમલ બિરાજે છે. પ્રત્યેક મૃણાલને ચાર ચાર ક્રમ હોય છે અને પ્રત્યેક ક્રમને ચાર ચાર દલ હોય છે આમ 4  × 4 × 4 = 64 દલનું આ કમલ છે. જેમ પ્રચલિત યોગપરંપરામાં મૂળાધાર, આજ્ઞા વગેરે ચક્રોમાં રહેલ પ્રત્યેક કમલ દલ ઉપર એક એક બીજ-અક્ષરનું અધિષ્ઠાન મનાય છે તેવી રીતે ઉષ્ણીષ-કમલનાં ચાર દલો પર ચાર શૂન્યો (અનુક્રમે શૂન્ય, અતિશૂન્ય, મહાશૂન્ય અને સર્વશૂન્યનું અધિષ્ઠાન છે. જ્યાં સર્વશૂન્યનો આવાસ છે તે ઉષ્ણીષ-કમલ છે. આને ‘નલિનીવન’ કે ‘પદ્મવન’ પણ કહેવામાં આવે છે. વજ્રતંત્ર અનુસાર નિર્માણ ચક્ર, ધર્મચક્ર, સંયોગ ચક્ર અને ઉષ્ણીષ-કમલ આ ચાર ચક્રો પર ચાર વેધન ક્ષણોની કલ્પના કરવામાં આવી છે જેને અનુક્રમે વિચિત્ર, વિપાક, વિમર્દ અને વિલક્ષણના નામે ઓળખવામાં આવે છે. આ વિલક્ષણ એ જ ઉષ્ણીષ-કમલની વેધક ક્ષણ છે. એમાં પ્રવેશ કરવાથી ચિત્ત દ્વિધા-રહિત થઈ જાય છે. ભગવતી નૈરાત્યા એમાં વાસ કરે છે, તેથી તેને કમલિની પણ કહેવામાં આવે છે. ઉષ્ણીય કમલમાં વાસ કરવાથી મહાસુખનો અનુભવ થાય છે. તંત્ર તેમજ હઠયોગના ગ્રંથોમાં આને સહસ્ર-દલ કહ્યું છે અને એની મધ્યની કર્ણિકાના મધ્યમાં વજ્રગુરુનું આસન હોવાનું જણાવ્યું છે, જ્યાં પહોંચવા માટે મધ્યમ માર્ગનું અનુસરણ કરવું અનિવાર્ય છે.

પ્રવીણચંદ્ર પરીખ