ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા જુદા નામે રમતગમતના ક્ષેત્રમાં જાણીતાં છે.
તેમનું પૂરું નામ પિલૂવાલકંડી થેક્કેપરમબિલ ઉષા છે. પિતા ઈ. પી. એમ. પ્યાથલની પાયોલીમાં કાપડની દુકાન હતી. માતાનું નામ લક્ષ્મી. તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે શાળાના કસરત માસ્ટર બાળકૃષ્ણને તેમને સાતમા ધોરણના એક ધાવિકા સાથે દોડવાનું કહ્યું. તેમાં તેઓ વિજયી બન્યા. રમતગમત ક્ષેત્રે ધાવિકા તરીકે આ તેમનો પ્રવેશ ગણાય છે. તે સાતમા ધોરણમાં હતા ત્યારે તેમણે સબ-ડિસ્ટ્રિક્ટ દોડ સ્પર્ધામાં ભાગ લીધો અને ચૅમ્પિયન બન્યા. આ સ્પર્ધાઓમાં તેમને ચાર પ્રથમ અને એક બીજા ક્રમનાં પારિતોષિકો મળ્યાં હતાં. 1976માં તેઓ કન્નુર ખાતેના રમતગમત તાલીમકેન્દ્રમાં દાખલ થયાં. 12 વર્ષનાં હતાં ત્યારે કેરળની પ્રથમ ખેલકૂદ સ્પર્ધામાં તેમની 40 છોકરીઓમાં પસંદગી થઈ હતી. એ શાળામાં ઓ. એમ. નામ્બિયાર નામના શારીરિક શિક્ષણના પ્રશિક્ષક હતા. ઉષાના પાતળા પગોમાં રહેલી દોડ-શક્તિને પારખીને તેમણે તેમને વિશેષ તાલીમ આપવી શરૂ કરી. એ જ ગુરુ નામ્બિયારની તાલીમે તેમને આંતરરાષ્ટ્રીય ખેલકૂદક્ષેત્રે નામના અપાવી. ઉષાએ કૉલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ રેલવેમાં સામાન્ય કારકુન તરીકે નોકરીમાં જોડાયાં હતાં અને પોતાના ખેલકૌશલ્યને કારણે આજે તેઓ રેલવેમાં કલ્યાણ અધિકારીના હોદ્દા પર પહોંચી ગયાં છે.
1976માં તેઓ સૌપ્રથમ વાર ખેલકૂદના રાષ્ટ્રીય તખ્તા પર ઊતર્યા. આ પ્રથમ પ્રયાસે જ ઉષા 100 મીટર દોડ, 80 મીટર દોડ, લાંબો કૂદકો તથા રીલે દોડમાં 4 સુવર્ણચંદ્રકો જીતી લાવેલાં.
1978માં વિદ્યાલયોની ખેલકૂદ સ્પર્ધાઓમાં ઊંચો કૂદકો, 100 મીટર દોડ, 200 મીટર દોડ અને 60 મીટર વિઘ્નદોડ વગેરે સ્પર્ધાઓમાં તેમણે વિજયચંદ્રકો જીત્યા હતા.
1982માં નવી દિલ્હી ખાતે યોજાયેલા નવમા એશિયાઈ રમતોત્સવમાં પી. ટી. ઉષા સૌકોઈનું આકર્ષણ બની ગયાં હતાં. પરંતુ કમનસીબે તે એક પણ ચંદ્રક જીતી શક્યાં નહોતાં.
1983માં કુવૈતમાં આયોજિત એશિયાઈ ખેલકૂદ સ્પર્ધાઓમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યાં હતાં. તેમણે 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક અને 200 મીટર દોડમાં રજતચંદ્રક જીતીને ભારતની શાન વધારી હતી.
પી. ટી. ઉષાએ 1984માં અમેરિકામાં લૉસ એંજલસ ખાતે યોજાયેલા તેવીસમા ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રથમ વાર ભાગ લીધો હતો અને ત્યાં પણ તેઓ એક સેકંડના સોમા ભાગ જેટલા તફાવતથી ચંદ્રક ગુમાવી બેઠાં હતાં.
1985માં ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા ખાતે યોજાયેલી છઠ્ઠી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધાઓમાં પી. ટી. ઉષાએ પાંચ સુવર્ણચંદ્રકો જીતીને પોતાનું ખમીર બતાવ્યું હતું. 100 મીટર દોડ, 200 મીટર, 400 મીટર, 400 મીટર વિઘ્ન દોડ અને 4 x 400 મીટર રીલે દોડમાં તેમણે પાંચ સુવર્ણચંદ્રકો જીત્યા હતા. એ સમયે તેમની ખ્વાહિશ તો છ સ્પર્ધાઓમાં છ સુવર્ણચંદ્રકો જીતવાની હતી. પી. ટી. ઉષાની આ અદભુત સિદ્ધિના પ્રતાપે ‘એશિયાઈ ખેલકૂદરાણી’નો ઇલકાબ તેમને મળ્યો છે.
દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ ખાતે 1986માં દશમા એશિયાઈ રમતોત્સવમાં ઉષાએ 5 રમતસ્પર્ધાઓમાં ભાગ લઈને 4 સુવર્ણચંદ્રકો જીત્યા હતા. પી. ટી. ઉષાની આ અસાધારણ સિદ્ધિથી વિશ્વભરના ખેલકૂદક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધી ગયું.
1986ના તેમના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પ્રભાવક દેખાવના કારણે ભારત સરકારે પી. ટી. ઉષાને ‘પદ્મશ્રી’ અને ‘અર્જુન’ એવૉર્ડથી વિભૂષિત કર્યાં હતાં.
અમેરિકાની એક સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ સ્પૉર્ટ્સ અકાદમીએ 1987માં પી. ટી. ઉષાને ‘એશિયન એથલેટ 86’નો ખિતાબ એનાયત કરીને આ ઉચ્ચ સન્માનરૂપે તેમને ‘શેખ એહમદ બીન – ઇન્સા અલ ખલીફા ટ્રૉફી’ અર્પણ કરેલી છે.
1988ના સેઉલ ઓલિમ્પિક્સ પૂર્વે પી. ટી. ઉષાએ 1987ના ઑગસ્ટમાં ઇટાલીમાં રોમ ખાતે યોજાયેલી વિશ્વ ખેલકૂદની પાંચ રમતસ્પર્ધામાં ભાગ લીધો હતો.
1988ના સેઉલ ઓલિમ્પિક્સ પૂર્વે તેમના ડાબા પગની એડી સૂજી જવાથી તેઓ ચોવીસમા ઓલિમ્પિક્સમાં નોંધપાત્ર દેખાવ કરી શક્યા નહોતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે કુલ 102 ચંદ્રકો મેળવ્યા છે, જેની સરખામણી વિશ્વસ્તરની ધાવિકા મેરેલિન ઓટી અને ધાવક કાર્લ લોઇસ સાથે જ થઈ શકે. ઉપરાંત તેમને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ 1,000 ઉપરાંત ચંદ્રકો અને વિજયપદ્મો મેળવ્યા છે.
પોતાના વતન પાયોલીમાં ‘ઉષા ઍથલેટિક અકાદમી’ નામથી તે રમતગમત કેન્દ્ર ઊભું કરવાના કામમાં વ્યસ્ત છે, જેના પર રૂપિયા ચાળીસ કરોડ જેટલો ખર્ચ થવાનો તેમનો અંદાજ છે.
જગદીશ બિનીવાલે