ઉવએસમાલા (ઉપદેશમાલા) (ચોથી-પાંચમી સદી) : પ્રાકૃતના ઔપદેશિક કથાસાહિત્યમાં ધર્મદાસગણિની રચના. ઉપદેશમાલા ઔપદેશિક કથાસાહિત્યનો આદિ અને મહત્વનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં પ્રાચીન જૈનાચાર્યોના નીતિ-પરક ઉપદેશોને 542 પ્રાકૃત ગાથાઓમાં મનોહારી ર્દષ્ટાન્તો સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પારમ્પરિક ર્દષ્ટિથી ધર્મદાસગણિ ભગવાન મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ ડૉ. જગદીશચંદ્ર જૈનના મત અનુસાર ધર્મદાસગણિ ઈ.સ.ની ચોથી-પાંચમી સદીમાં થઈ ગયેલ વિદ્વાન મનાય છે. ઉપદેશમાલા ઉપર અનેક વિદ્વાનોએ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખી છે.
ઉપદેશમાલામાં ગુરુ અને શિષ્યના સમ્બન્ધોને સ્પષ્ટ કરતાં ગુરુનું મહત્વ, આચાર્યના ગુણ અને વિનયની ઉપયોગિતા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રવ્રજ્યાનો પ્રભાવ, તપશ્ચર્યાનું મૂલ્ય, ચાર કષાયો પર વિજય, સમિતિ, ગુપ્તિ વગેરેનું વર્ણન કરીને સાચા સાધુનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ પ્રસંગમાં ચંદનબાલા, બ્રહ્મદત્ત, મૃગાવતી, વજ્રસ્વામી, શાલિભદ્ર, કાલકાચાર્ય, શ્રેણિક વગેરેની ઘણી કથાઓ અને ર્દષ્ટાન્ત પણ આ ગ્રંથમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
ઉપદેશમાલામાં જીવનને ઉન્નત બનાવે અને આધ્યાત્મિક વિકાસ સાધી આપે તેવી સામગ્રી ઉપલબ્ધ છે. પરવર્તી ઔપદેશિક સાહિત્ય માટે ઉપદેશમાલા ઉપજીવ્ય ગ્રંથ કહી શકાય.
પ્રેમસુમન જૈન