ઉલ્લાઘરાઘવ (તેરમી સદી) : અણહિલવાડ પાટણના ચૌલુક્ય વંશના રાજપુરોહિત સોમેશ્વરનું રચેલું આઠ અંકનું સંસ્કૃત નાટક. કવિ વસ્તુપાલનો પ્રશંસક અને સમકાલીન છે. તેની અન્ય ખ્યાત કૃતિઓ છે – ‘સુરથોત્સવ’ મહાકાવ્ય, સ્તોત્રકાવ્ય ‘કર્ણામૃતપ્રપા’, ‘કીર્તિકૌમુદી’ ઉપરાંત રામપ્રશસ્તિ, દેલવાડાના મંદિરની પ્રશસ્તિ વગેરે.
રામાયણકથાને જ જરા જુદી રીતે અહીં રજૂ કરવામાં આવી છે. જનક રાજાના પુરોહિત શતાનન્દ કહે છે કે પુત્રી વિદાય લેશે એ ખ્યાલે જનક વ્યથિત છે. દશરથ, રામ વગેરે વિદાય લે છે, તે પછી કંચુકી કહે છે તેમ, ક્રોધી પરશુરામને અયોધ્યા જતાં રામે વશમાં લીધા એ આનંદજનક સમાચાર જનક અંત:પુરમાં આપે છે. દશરથ રામના રાજ્યાભિષેકનો નિર્ણય કરે છે, ને રામને જણાવે છે. કૈકેયી દશરથને પોતાના આવાસમાં બોલાવે છે (દ્વિતીયાંક). કૈકેયીએ બે વચનોની પૂર્તિ – રામના વનવાસ અને ભરતના રાજ્યાભિષેકરૂપે માગી છે. રાજા બેહોશ બની જાય છે, રામ ત્યાં આવે છે, બધાને શાંત પાડે છે. વનમાં જવા તૈયાર થાય છે (તૃતીયાંક). આકાશચારી બે ગંધર્વોના સંવાદ દ્વારા આગળની માહિતી અપાય છે. દશરથનું મરણ, રાજ્ય સંભાળવા ભરતને રામની સલાહ, રામને હાથે વિરાધાદિ રાક્ષસોનો વધ (ચતુર્થાંક). વિષ્કંભક દ્વારા માહિતી મળે છે તેમ શૂર્પણખાના અપમાનનું તથા રાક્ષસોનું વેર રામ પર લેવા રાવણ તૈયાર થાય છે. રાવણ સીતાને હરી જાય છે. જટાયુનો વધ. દક્ષિણમાં જઈ સુગ્રીવ અને વાનરો સાથે રામની મૈત્રી (પંચમાંક). વાલીનો વધ, વિભીષણની રાવણને સલાહ, તેનું અપમાન અને રામની સાથે મૈત્રી. અંગદના શાંતિના પ્રયત્નો નિષ્ફળ, યુદ્ધની તૈયારી. રાવણ અને રામ દ્વારા પરસ્પરનાં સૈન્યોનું નિરીક્ષણ (ષષ્ઠાંક). રાવણનો વધ, સીતાની અગ્નિપરીક્ષા, પુષ્પક વિમાનમાં અયોધ્યા પ્રતિ જવા રામને વિનંતી (સપ્તમાંક). રામની આકાશમાર્ગે યાત્રાનું વર્ણન. મુનિવેશે કાર્પટિક અયોધ્યામાં આવે છે અને પ્રચાર કરે છે કે રામ-લક્ષ્મણને મારી રાવણ અયોધ્યા આવે છે. સૈન્ય સજ્જ. કૌશલ્યા-સુમિત્રા બળી મરવા તત્પર, વિભીષણ પર ભરતનો ક્રોધ, પરંતુ સર્વજ્ઞ વસિષ્ઠ દ્વારા તેનો બચાવ. પુષ્પક વિમાન આવ્યું, સૌનું સુખદ પુનર્મિલન અને વસિષ્ઠનું ભરતવાક્ય (અષ્ટમાંક).
દરેક અંકને અંતે વસ્તુપાલની પ્રશસ્તિ કવિ આપે છે. નાટકને અંતે ચાર શ્લોકોમાં કવિ પોતાના વિશે માહિતી આપે છે.
અહીં રામાયણની જ કથા ટૂંકમાં નિરૂપાઈ છે. સંભવત: મુરારિનું ‘અનર્ઘરાઘવ’ તેનો આદર્શ છે. મધ્યયુગીન ગુજરાતમાં આ અને આવાં નાટકો ખૂબ વંચાતાં. મધ્યમ કલાત્મક સિદ્ધિના આ નાટકમાં શ્લોકો ઘણા છે, બિનજરૂરી લંબાણ પણ ક્યાંક ક્યાંક છે. કવિએ વિષ્કંભકો અને સંવાદોનો વિશેષ ઉપયોગ કર્યો છે. પ્રસંગો ઉલ્લેખાય છે, ગૂંથાતા નથી. વર્ણનો લાંબાં અને કંટાળાજનક પણ છે. કાલિદાસ વગેરેની અસર પણ જણાય છે. તેની મર્યાદાઓ છતાં આ નાટક સંસ્કૃત સાહિત્યને ગુજરાતના પ્રદાનમાં નોંધપાત્ર છે. અધિકૃત આવૃત્તિ – उल्लाघराघव – સં. મુનિ પુણ્યવિજયજી, ભોગીલાલ સાંડેસરા, ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરા, 1961.
રમેશ બેટાઈ