ઉલ્કા-ધજાળા : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામે 28 જાન્યુઆરી 1976ની રાતે 8 ક. 40 મિનિટે પડેલી ઉલ્કા. ધજાળાથી આશરે 150 કિમી. અંતરે આવેલા સ્થળેથી આ ઉલ્કાનો તેજલિસોટો દેખાયો હતો. ઉલ્કાને કારણે પેદા થયેલ વિસ્ફોટધ્વનિ (detonation) તથા સુસવાટાના અવાજ ધજાળાની આસપાસ 30 કિમી. ત્રિજ્યાવાળાના વિસ્તારમાં સંભળાયા હતા. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તેમજ વિશ્વની અન્ય સંશોધનસંસ્થાઓએ ધજાળા-ઉલ્કાનો ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધર્યો હતો.
પુન:પ્રાપ્તિ : સ્થાનિક રહીશોના સાથ-સહકારથી ઉલ્કાની પુન:પ્રાપ્તિ (recovery) ઘણા ઊંચા પ્રમાણમાં શક્ય બની છે. શાળાના વિદ્યાર્થીઓએ ખેતરોમાં અને ખુલ્લી જમીન ઉપર ચાલીને મોટાભાગના ઉલ્કાદ્રવ્યની પ્રાપ્તિ કરેલી અને ખેડૂતો તથા ભરવાડોએ બાકીનો હિસ્સો મેળવી આપેલો. ધજાળાથી ઈશાનમાં લગભગ 6 કિમી. અને નૈર્ઋત્યમાં આશરે 11 કિમી. સુધી વિસ્તરેલ 50 ચોરસ કિમી. દીર્ઘવર્તુળક્ષેત્રમાંથી 542 ઉલ્કાખંડ મળી આવ્યા છે, જે દરેકના પુન:પ્રાપ્તિનાં સ્થાનની નોંધ કરવામાં આવી છે. ધજાળાથી ઈશાનખૂણે આવેલા વિસ્તારમાંથી ઉલ્કાખંડ પ્રાપ્ત થાય છે. સૌથી મોટો ઉલ્કાપાષાણ 11.6 કિગ્રા. વજન અને આશરે 30 × 20 × 20 સેમી. કદ ધરાવે છે. પ્રાપ્ત થયેલા 542 ઉલ્કાપાષાણનું કુલ વજન લગભગ 61 કિગ્રા. થાય છે. ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવા સાથે ઘર્ષણ થાય છે. આવી રીતે પેદા થયેલી ગરમીથી ઉલ્કાપિંડની સપાટી પ્રજ્વલિત થાય છે. તેને પરિણામે સપાટી ઉપરનું પડ (crust) કાળા-ભૂખરા રંગનું બને છે. ધજાળા-ઉલ્કા અવશેષોની સપાટી ઉપર આવું પડ 1 મિમી. જાડાઈનું દેખાય છે. પ્રાપ્ત થયેલ કુલ 542 ઉલ્કાપાષાણમાંથી 245 ઉપરની સમગ્ર સપાટી આવું પડ ધરાવે છે. જ્યારે બાકીનાની સપાટીનો અમુક ભાગ જ આવા પડથી છવાયેલો જણાય છે. ઉલ્કા-ધજાળાના અવશેષો પડવાને કારણે પેદા થયેલ ઉલ્કાગર્તો (craters) પ્રમાણમાં છીછરા જણાયા છે. મોટામાં મોટો ખાડો 40 સેમી. ઊંડો અને 35 × 35 સેમી. પહોળો જોવામાં આવ્યો છે. ધજાળા-ઉલ્કાનું ભ્રમણતલ પૃથ્વીના ભ્રમણતલને મળતું આવે છે. તેણે ઈશાન ખૂણામાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો હતો અને તે પૃથ્વી ઉપર પડી તે પહેલાં તેનો વેગ 21 કિમી./સેકન્ડ જેટલો હતો. રાસાયણિક અને શૈલવિદ્યા(petrography)ને આધારે કરેલું ધજાળા-ઉલ્કાનું વર્ગીકરણ દર્શાવે છે કે તે અસમતોલિત સામાન્ય કૉન્ડ્રાઇટ(unequilibrated ordinary chondrite, UOC) (H3 પ્રકારના કૉન્ડ્રાઇટ, લોહ Feનું પ્રમાણ ઘણું વધારે – 30 %)ના વર્ગમાં આવે છે. આવા કૉન્ડ્રાઇટ ધાતુના કણો પોતે સૂર્યમાળાની ઉત્પત્તિ સમયે પરિસ્થિતિ કેવી હતી તેની નોંધણી બહુ સારી રીતે સંઘરી રાખે છે. તેને આધારે જણાયું છે કે ઉત્પત્તિ પછી આ ઉલ્કા અવકાશમાં રહી તે દરમિયાન ઊંચા તાપમાનની અસર હેઠળ આવી નથી.
સૂર્ય નેબ્યુલા ઠરવા લાગે ત્યારે ઉત્પન્ન થયેલા સિલિકેટ (SiO2) કણોમાં ઉમદા વાયુઓ પુરાઈ જાય છે. આવા વાયુઓનું પ્રમાણ સૌર પવનોમાં રહેલા ઉમદા વાયુઓ કરતાં જુદું પરંતુ અન્ય ગ્રહોમાં રહેલા ઉમદા વાયુઓના પ્રમાણ જેટલું છે. માસ સ્પેક્ટ્રોમિટર વડે K : Arનું પ્રમાણ માપતાં ધજાળા-ઉલ્કાની આવરદા 4.5 અબજ વર્ષો જેટલી અંદાજવામાં આવેલી છે, જે સૂર્યમાળામાંના ગ્રહોની ઉંમર જેટલી છે. 1 : Xeના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ન્યૂક્લિયસ-સંશ્લેષણ પ્રક્રિયા બંધ થઈ અને ઉલ્કાપિંડની ઉત્પત્તિ થઈ તે વચ્ચેનો સમયગાળો લગભગ 6 કરોડ વર્ષનો છે. પોતાનું મૂળ સ્થાન છોડ્યા પછી ધજાળા-ઉલ્કાએ 65-70 લાખ વર્ષો સુધી અવકાશમાં ભ્રમણ કર્યું હતું.
ઉલ્કાઓ જ્યારે અવકાશમાં વિહરતી હોય છે ત્યારે કૉસ્મિક કિરણો તેમના ઉપર પડે છે. આ કિરણો ઉલ્કાકણોમાંથી પસાર તો થઈ જાય છે, પણ પસાર થવાના માર્ગ ઉપર પોતાનાં પદચિહનો (tracks) છોડી જાય છે. ધજાળા-ઉલ્કામાં અંકિત થયેલ આવાં પદચિહ્નોના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતાં પહેલાં તેનો વ્યાસ લગભગ 76 સેમી. જેટલો હશે અને તેનો આશરે 90 % જેટલો હિસ્સો વાતાવરણમાંના ઘર્ષણ(ablation)ને કારણે બળી ગયો હતો. કૉસ્મોજેનિક ઉમદા વાયુઓની માત્રા અને વિકિરણધર્મિતા જેવી અન્ય માપનપદ્ધતિઓ આ તારણનું સમર્થન કરે છે.
જયશંકર ર. ત્રિવેદી