ઉલ્કાગર્તો (meteoric craters) : અવકાશમાંથી પૃથ્વી તરફ ખેંચાઈ આવતી એકલ-ઉલ્કાઓ જમીન ઉપર પછડાતાં, જમીનમાં ઉત્પન્ન થતા ખાડા કે ગર્ત. મોટી વજનદાર ઉલ્કા દ્વારા જ ઉલ્કાગર્ત ઉત્પન્ન થતા હોય છે. એવું પણ બને કે આવી મોટી વજનદાર ઉલ્કાશિલાઓ દ્ધારા ઉલ્કાગર્ત ન પણ ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે, જૂન 1908માં ઉત્તર સાઇબીરિયાના તુંગુસ્કા વિસ્તારમાં એક મોટી ઉલ્કાશિલા પડી હતી, જેને કારણે આસપાસના 30 કિલોમીટર વિસ્તારનું જંગલ બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉલ્કાશિલાનું વજન આશરે 40,000 ટન જેટલું હોવાનું માનવામાં આવ્યું છે, છતાં ઉલ્કાગર્ત સર્જાયો ન હતો. એના પતનવિસ્તારમાંથી શિલાનો કોઈ ધાત્વીય ટુકડો મળી આવ્યો ન હતો; એટલું જ નહિ પરંતુ એ ઉલ્કાશ્મના પ્રચંડ ઉત્તાપને કારણે એના પ્રસ્તર-ટુકડા પણ ખાખ બનવામાંથી બચ્યા ન હતા.

પૃથ્વી પર અનેક સ્થળે આશરે 10-12 જેટલા ઉલ્કાગર્ત આવેલા છે. દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટીનામાં 100થી 800 મીટર વ્યાસના ઉલ્કાગર્ત મળી આવેલા છે. 1947માં શોધાયેલો પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનો વુલ્ફ ક્રીક નામનો ઉલ્કાગર્ત 850 મીટર વ્યાસનો અને 50 મીટર ઊંડો છે. યુનાઇટેડ સ્ટેટ્સના એરિઝોના રાજ્યમાં આવેલો બેરીન્જર ઉલ્કાગર્ત વિશ્વનો સૌથી મોટો ઉલ્કાગર્ત છે; તે લગભગ 25,000 વર્ષ પૂર્વે પૃથ્વી પર પડેલી ઉલ્કાના પછડાટને કારણે છે. તેનો વ્યાસ 1,200 મીટર અને ઊંડાઈ 175 મીટર છે. આ ઉલ્કાગર્તની બે વિશિષ્ટતાઓ છે : (1) તેના ગર્તની કિનારી સામાન્ય ભૂમિતળથી 37 મીટર ઊંચાઈ ધરાવતી કરાડ છે. (2) ગર્તમાં ઊંડે ઊતરી ગયેલા લોહ-નિકલ અવશેષોનો 250 મીટર ઊંડું ખોદવા છતાં કોઈ પત્તો મળ્યો નથી. આ સિવાય અન્ય ઉલ્કાગર્તો 5થી 20 મીટર ઊંડાઈ સુધીના છે.

ઉલ્કાગર્ત, એરિઝોના (યુ.એસ.)

સાઇબીરિયામાં થયેલો બીજો મોટો ઉલ્કાપાત ફેબ્રુઆરી 1948નો છે. સિખોતે અલિમ્ પર્વતની ખડકાળ ભૂમિમાં પડેલી ઉલ્કાએ લગભગ 100 જેટલા નાનામોટા ઉલ્કાગર્તો સર્જ્યા હતા; તે પૈકી મોટામાં મોટો 20 મીટર ઊંડો છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં લોણાર ગામ નજીક એક પ્રાચીન ઉલ્કાગર્ત આવેલો છે. કોયના સરોવર પણ જૂના સમયમાં તૂટી પડેલ ઉલ્કાનું સર્જન છે.

છોટુભાઈ સુથાર

દીપક ભદ્રશંકર વૈદ્ય